India

CBSE વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો: ધોરણ 6ને પણ રાહત, ધો.10મા બોર્ડમાં નહીં લેવાય ત્રીજી ભાષાની પરીક્ષા!

By GS Team
28 Sep 20264 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે CBSEને ત્રિ-ભાષા નીતિ હેઠળ ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ ધોરણ 7ના વિદ્યાર્થીઓ જેવી જ રાહત આપવાનો નિર્દેશ આપ્યો છે. આ રાહત હેઠળ, ધોરણ 10માં ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા નહીં લેવાય અને મૂલ્યાંકન શાળા કક્ષાએ આંતરિક રીતે થશે. અદાલતે કહ્યું કે, આંતરિક મૂલ્યાંકનમાં કોઈ વિદ્યાર્થીને નાપાસ કરાશે નહીં. લગભગ 1.2 ટકા શાળાઓમાં હજુ સુવિધાઓ તૈયાર કરાઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

CBSE વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો: ધોરણ 6ને પણ રાહત, ધો.10મા બોર્ડમાં નહીં લેવાય ત્રીજી ભાષાની પરીક્ષા!

CBSE Third Language Policy: સુપ્રીમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ને નિર્દેશ આપ્યો હતો કે ત્રિ-ભાષા નીતિ હેઠળ ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ એ જ રાહત આપવામાં આવે, જે હાલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓને મળી રહી છે. આ મામલો સીબીએસઈની ત્રિ-ભાષા નીતિને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની પીઠ આ કેસની સુનાવણી કરી રહી હતી. અદાલતે કહ્યું કે, ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ ત્રીજી ભાષાના મૂલ્યાંકનમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલી છૂટછાટનો લાભ આપવામાં આવે.

ધોરણ 6ના વિદ્યાર્થીઓને શું રાહત મળી?

કોર્ટના આદેશનો સૌથી મહત્ત્વનો હિસ્સો ત્રીજી ભાષાના મૂલ્યાંકન સાથે જોડાયેલો છે. હાલમાં ધોરણ 7, 8 અને 9ના વિદ્યાર્થીઓને સંક્રમણકાલીન(transitional) રાહત આપવામાં આવી છે. આ હેઠળ જ્યારે તેઓ 10મા ધોરણમાં પહોંચશે, ત્યારે ત્રીજી ભાષાની CBSE બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.

ત્રીજી ભાષાનું મૂલ્યાંકન શાળા કક્ષાએ આંતરિક(Internal) રીતે કરવામાં આવશે. તેનો ધોરણ 10ના બોર્ડ પરિણામ પર પાસ કે નાપાસ થવા પર કોઈ પ્રભાવ પડશે નહીં. હવે આ જ રાહત ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ આપવામાં આવી છે. અદાલતે પોતાના આદેશમાં કહ્યું કે, ધોરણ 6ના વિદ્યાર્થીઓને ધોરણ 7ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી એ જ છૂટછાટ આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન સંકેત આપ્યો હતો કે, 'પાસ કે નાપાસ નહીં થાય. માત્ર હાજરી પ્રમાણપત્ર(Attendance Certificate) જ હશે.'

સરકારે ત્રિ-ભાષા નીતિ પર શું કહ્યું?

સુનાવણીની શરૂઆતમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ 6ના વિદ્યાર્થીઓને વર્તમાન શૈક્ષણિક વર્ષથી જ આ વ્યવસ્થામાં સામેલ કરવા અંગે સરકાર અદાલતને તેના પક્ષમાં સમજાવવાનો પ્રયાસ કરશે. તેમણે જણાવ્યું કે કુલ 28,819 શાળાઓમાંથી લગભગ 1.2 ટકા શાળાઓને બાદ કરતાં બાકીની તમામ શાળાઓ આ વ્યવસ્થાને અનુરૂપ છે. તેમના જણાવ્યા મુજબ પુસ્તકો અને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ છે, અને વિદ્યાર્થીઓએ આ વ્યવસ્થા અપનાવી લીધી છે.

એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ અદાલતને જણાવ્યું કે ધોરણ 7, 8 અને 9ના વિદ્યાર્થીઓને પહેલાથી જ સંક્રમણકાલીન રાહત આપવામાં આવી ચૂકી છે. આ હેઠળ 10મા ધોરણમાં ત્રીજી ભાષાની કોઈ બોર્ડ પરીક્ષા થશે નહીં.

અરજદારોએ શું વાંધો ઉઠાવ્યો?

અરજદારો વતી વરિષ્ઠ ઍડ્વૉકેટ ગોપાલ શંકરનારાયણને કહ્યું કે, વિદ્યાર્થીઓએ આ વ્યવસ્થાનું પાલન એટલા માટે કર્યું કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં પાઠ્યપુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ નહોતા. તેમણે એ પણ જણાવ્યું કે CBSE સાથે લગભગ 28.83 લાખ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તેમનું કહેવું હતું કે, કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (ICSE) અને સ્ટેટ બોર્ડમાં ભણતા બાળકો પર આવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી નથી. તેમણે ધોરણ 6 માટે આ નીતિને ઓછામાં ઓછી 2027 સુધી સ્થગિત કરવાની માંગ કરી હતી.

અંગ્રેજીને ગેર-માતૃભાષા ગણવા પર પણ સવાલ

સુનાવણી દરમિયાન એક વકીલે અંગ્રેજીને ગેર-માતૃભાષા તરીકે રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પહેલાથી ભણાવાતી ઘણી વિદેશી ભાષાઓ છોડવી પડી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે બંધારણ અંગ્રેજીમાં લખાયું છે, અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પણ અંગ્રેજીમાં થાય છે, તો અંગ્રેજીને ગેર-માતૃભાષા કેવી રીતે માની શકાય. ન્યાયમૂર્તિ બાગચીએ કહ્યું કે, અદાલત આ મુદ્દા પર વિચાર કરશે. અગાઉની સુનાવણીમાં પણ અદાલતે અંગ્રેજીને લઈને આ વ્યવસ્થાના તર્ક સામે સવાલો ઉઠાવ્યા હતા.

વિદ્યાર્થીઓ અને શાળાઓની કઈ-કઈ મુશ્કેલીઓ સામે આવી?

સુનાવણી દરમિયાન વકીલોએ ત્રિ-ભાષા નીતિ સાથે જોડાયેલી કેટલીક વ્યવહારિક સમસ્યાઓ અદાલત સમક્ષ રાખી હતી. જેમાં વિદ્યાર્થીઓ પર ભણતરનું વધારાનું દબાણ, શાળાઓમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને ભાષાઓના મર્યાદિત વિકલ્પો જેવા મુદ્દાઓ સામેલ હતા. કેટલાક કિસ્સાઓમાં માત્ર હિન્દી અને સંસ્કૃતના વિકલ્પો ઉપલબ્ધ હોવાની વાત પણ કહેવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પુસ્તકો મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

ધોરણ 9ના વિદ્યાર્થીના વાલી વતી રજૂઆત

ધોરણ 9ના એક વિદ્યાર્થીના વાલી વતી રજૂ થયેલા વકીલે કહ્યું કે, ઓનલાઇન પાઠ્યપુસ્તકો પૂરતા નથી. આના પર ન્યાયમૂર્તિ મોહનાએ કહ્યું કે કોવિડ દરમિયાન બાળકોએ મોબાઇલ ફોન દ્વારા અભ્યાસ કર્યો હતો અને તેમણે નીતિ સામે વધુ સારા કારણો રજૂ કરવાની વાત કહી હતી. વરિષ્ઠ ઍડ્વૉકેટ આનંદ ગ્રોવરે ભાષાઓના મર્યાદિત વિકલ્પોનો મુદ્દો ઉઠાવતા પૂછ્યું કે, જો કોઈ વિદ્યાર્થી પંજાબી શીખવા માંગતો હોય તો તેની પાસે શું વિકલ્પ રહેશે.

સુપ્રીમ કોર્ટે શાળાઓ માટે શું નિર્દેશ આપ્યો?

અદાલતે કહ્યું કે CBSE બાકીની શાળાઓ સુધી પહોંચવા માટે એક અધિકારીની નિયુક્તિ કરે. આ અધિકારી એવી શાળાઓની મુશ્કેલીઓ જાણી લેશે, જેઓ હજુ સુધી આ વ્યવસ્થા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકી નથી. અદાલતના આદેશમાં નોંધવામાં આવ્યું છે કે, 99 ટકા શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યારે 1.2 ટકા શાળાઓમાં હજુ સુવિધાઓ તૈયાર કરવાની બાકી છે. ન્યાયમૂર્તિ બાગચીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, જો કોઈ શાળા આંતરિક મૂલ્યાંકનમાં કોઈ વિદ્યાર્થીને રોકી દેશે(નાપાસ કરશે), તો અદાલત આ મામલે હસ્તક્ષેપ કરશે.