India

સુપ્રીમ કોર્ટને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતને ટૂંક સમયમાં પહેલી મહિલા CJI મળશે, તેમ કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં જણાવ્યું. સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026 પર ચર્ચા દરમિયાન તેમણે આ મહત્વની માહિતી આપી. કેસોના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારીને 38 કરવામાં આવી છે. દેશમાં નારી શક્તિને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રીમ કોર્ટને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત

First Woman CJI India : ભારતને ટૂંક સમયમાં પોતાના ઈતિહાસમાં પહેલીવાર એક મહિલા મુખ્ય ન્યાયાધીશ (CJI) મળવા જઈ રહ્યા છે. રાજ્યસભામાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026 પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગે મહત્વની માહિતી આપી હતી. લોકસભામાં પહેલાથી જ પસાર થઈ ચૂકેલા આ વિધેયક પર ચર્ચા બાદ રાજ્યસભામાં તેને પરત મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

દેશને મળશે પહેલા મહિલા CJI

વિપક્ષ દ્વારા મહિલા ન્યાયાધીશોના પ્રતિનિધિત્વ પર ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા કાનૂન મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત ટૂંક સમયમાં જ ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ પર એક મહિલા ન્યાયાધીશને જોશે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ગુજરાત, આંધ્ર પ્રદેશ, મેઘાલય અને પટના હાઈકોર્ટમાં મહિલા મુખ્ય ન્યાયાધીશો સેવા આપી ચૂક્યા છે, જે દેશમાં નારી શક્તિને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનનો એક ભાગ છે.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 38 થઈ

સુપ્રીમ કોર્ટમાં કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારીને 38 કરવામાં આવી છે. કાનૂન મંત્રીએ જણાવ્યું કે 28 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ત્યારે માત્ર 8 ન્યાયાધીશો જ હતા. સમય જતાં કેસોનું ભારણ વધતા આ સંખ્યામાં વધારો કરાયો છે. આ માટે કેન્દ્રીય મંત્રીમંડળે 5 મે 2026 ના રોજ મંજૂરી આપી હતી અને ત્યારબાદ અધ્યાદેશ લાવીને 1 જૂન 2026 થી 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી.

ન્યાયિક સુધારા સમયની માંગ: કાનૂન મંત્રી

સંસદમાં ચર્ચા દરમિયાન કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પર સતત વધી રહેલું કામનું ભારણ, ન્યાયિક બાબતોના બદલાતા સ્વરૂપ અને ઉભરતા બંધારણીય તથા કાનૂની મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી એ સમયની માંગ અને સમયસરનો સુધારો છે.

કેસોના વિલંબ અને જટિલતા પર મંત્રીનું નિવેદન

અદાલતોમાં કેસો પેન્ડિંગ રહેવાના કારણો અંગે વાત કરતા કાનૂન મંત્રીએ કહ્યું હતું કે તેના ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ તથ્યોની જટિલતા (Complexity of facts) છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે શબરીમાલા કેસ અને તેના જેવા અન્ય ઘણા કેસો આવી જ જટિલતા ધરાવે છે જે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે છે.

જૂના કેસોના ઝડપી નિકાલ માટે 4 ખાસ બેંચ

નવા ન્યાયાધીશોની નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટે 4 વિશેષ બેંચોની રચના કરી છે. આ બેંચો માત્ર સૌથી જૂના સિવિલ અને ક્રિમિનલ કેસોની સુનાવણી કરશે અને તેમને દૈનિક રૂટિન કેસોની સુનાવણીમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ વર્ષોથી અટકેલા કેસોનો સમયસર નિકાલ કરીને સામાન્ય લોકોને ઝડપી ન્યાય આપવાનો છે.

બિલ પરની ચર્ચા અને સાંસદોનો આભાર

આ બિલ અંગે વાત કરતા અર્જુન રામ મેઘવાલે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026 પરની ચર્ચામાં કુલ 33 સાંસદોએ ભાગ લીધો હતો. તમામ સાંસદોએ પોતપોતાના કિંમતી સૂચનો અને વિચારો રજૂ કર્યા તે બદલ મંત્રીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

રૂ. 795.53 કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટનું વિસ્તરણ

અદાલતોના કામકાજને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ન્યાયિક માળખાને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રૂ. 795.53 કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટ ભવનના વિસ્તરણનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે.

ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયા

કાનૂન મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ન્યાયાધીશોની નિમણૂક બંધારણના આર્ટિકલ 124, 217 અને 224 મુજબ થાય છે. આ પ્રક્રિયા વર્ષ 1993 અને 1998 ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ આધારે તૈયાર કરાયેલા મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર (MoP) મુજબ ન્યાયતંત્ર અને કારોબારીના પરસ્પર સહયોગથી પૂર્ણ કરવામાં આવે છે.