India

ખાનગી યુનિવર્સિટીઓ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, નાણાકીય વ્યવહારોનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવા નિર્દેશ

By GS Team
22 Sep 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે દેશભરની ખાનગી યુનિવર્સિટીઓને નફાખોરી સામે કડક નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે યુનિવર્સિટીઓને છેલ્લા 5 વર્ષના ઓડિટેડ નાણાકીય રેકોર્ડ્સ, ફીનું માળખું અને ભંડોળના ઉપયોગ સહિતની તમામ વિગતો સાર્વજનિક કરવા આદેશ કર્યો છે. આ મામલો નોઈડાની એમિટી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીની ફરિયાદથી શરૂ થયો હતો. આગામી સુનાવણી 19 નવેમ્બર 2026ના રોજ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાનગી યુનિવર્સિટીઓ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, નાણાકીય વ્યવહારોનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવા નિર્દેશ

Supreme Court Cracks Down On Private Universities Profit Making: દેશભરની ખાનગી યુનિવર્સિટીઓને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખાનગી યુનિવર્સિટીઓને નફો કમાવતી વ્યાપારી સંસ્થા તરીકે ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે દેશભરની ખાનગી યુનિવર્સિટીઓને તેમના છેલ્લા પાંચ વર્ષના ઓડિટેડ નાણાકીય રેકોર્ડ્સ, ફીનું માળખું, ભંડોળનો ઉપયોગ, વધારાના નાણાંનું રોકાણ તેમજ શિક્ષણ સાથે સીધો સંબંધ ન ધરાવતી વ્યક્તિઓને કરવામાં આવેલી ચૂકવણી સહિતની તમામ વિગતો સાર્વજનિક કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.

અદાલતે સંસ્થાઓના નાણાકીય સંચાલન અંગે ટિપ્પણી કરતાં નોંધ્યું:

"અમે સ્પષ્ટ કરીએ છીએ કે કોઈપણ ખાનગી યુનિવર્સિટીને નફો કમાવતી સંસ્થા તરીકે ચલાવવાની મંજૂરી ન આપી શકાય. સંસ્થા પાસે તેના સંચાલન અને સંસાધનોના જવાબદાર સંચાલન માટે વાજબી નાણાકીય ભંડોળ હોઈ શકે છે, જેથી શિક્ષણ અને બિન-શૈક્ષણિક સ્ટાફને યોગ્ય વેતન આપી શકાય. પરંતુ શિક્ષણ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ શિક્ષણ સિવાયના હેતુઓ માટે બિલકુલ ન કરી શકાય."

નોઈડાની એમિટી યુનિવર્સિટીના કેસથી શરૂ થયો મામલો

આ સમગ્ર મામલો નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીની ફરિયાદથી શરૂ થયો હતો. જોકે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસનો વ્યાપ વધારતાં કહ્યું કે વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને દેશભરની ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના, નિયમન અને તેમને મળતા સરકારી લાભોની તપાસ કરવી જરૂરી છે. કોર્ટે યુનિવર્સિટીઓ પાસેથી છેલ્લા 5 વર્ષમાં કમાયેલી અને ખર્ચેલી રકમ, શિક્ષણ સિવાયના લોકોને કરાયેલી ચૂકવણી તેમજ બચેલા ભંડોળના રોકાણની તમામ ઓડિટેડ માહિતી માંગી છે.

સરકારી લાભો અને એડમિશન વ્યવસ્થા પર સ્પષ્ટતા માંગી

સુપ્રીમ કોર્ટે ખાનગી યુનિવર્સિટીઓ પાસેથી વિગતો માંગી છે કે તેમને કેન્દ્ર કે રાજ્ય સરકારો તરફથી જમીન ફાળવણી, કાયદાકીય છૂટછાટો કે અન્ય વિશેષ સુવિધાઓના રૂપમાં કયા કયા લાભો મળ્યા છે. આ ઉપરાંત, દરેક અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના એડમિશનની સમગ્ર પ્રક્રિયા, પ્રવેશની જવાબદારી સંભાળતા અધિકારીઓ, પ્રશ્નપત્રો તૈયાર કરવા, પરીક્ષાઓનું આયોજન, ઉત્તરવહીઓનું મૂલ્યાંકન તેમજ નાણાંના વ્યવસ્થાપનમાં યુનિવર્સિટી મેનેજમેન્ટની વાસ્તવિક ભૂમિકાની તમામ માહિતી રજૂ કરવા આદેશ કર્યો છે.

વિદ્યાર્થીઓની ફી અને સરપ્લસ ફંડનું રોકાણ

અદાલતે પ્રવેશ સમયે અને અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી તમામ પ્રકારની ફીની વિગતો માંગી છે. તેમાં ડેવલપમેન્ટ ફી, વિશેષ કાર્યક્રમોના નામે લેવાતી ફી કે અન્ય કોઈપણ નામે કરાતી વસૂલાતનો હિસાબ આપવો પડશે. આ સાથે યુનિવર્સિટીઓએ એ પણ જણાવવું પડશે કે વિદ્યાર્થીઓની ફીમાંથી બચેલા વધારાના નાણાંનું શું કરવામાં આવે છે અને તેને ક્યાં રોકવામાં આવ્યા છે.

શિક્ષકોની ભરતી, વેતન અને લેવાયેલા લેક્ચર્સનો હિસાબ

સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા, તેમના પગાર ધોરણ અને ચૂકવણીની વ્યવસ્થાનું પૂરું વિવરણ માંગ્યું છે. યુનિવર્સિટીઓએ એ પણ જણાવવું પડશે કે શિક્ષકોની સેવાની શરતો શું છે અને ક્લાસ ફાળવવાની સત્તા કયા અધિકારી પાસે છે. જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં દરેક શિક્ષકને કેટલા ક્લાસ ફાળવવામાં આવ્યા, તેમણે વાસ્તવમાં કેટલા ક્લાસ લીધા અને જો શિક્ષકે ક્લાસ ન લીધા હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, તેનો વિગતવાર અહેવાલ આપવો પડશે.

વિદ્યાર્થીઓની ફરિયાદો અને મેડિકલ હોસ્પિટલની ભૂમિકા

અદાલતે વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ સમિતિઓની રચના, તેમની સત્તા અને છેલ્લા 3 વર્ષમાં મળેલી ફરિયાદો, તેના પ્રકાર, થયેલી કાર્યવાહી અને નિવારણમાં લાગેલા સમયનો હિસાબ માંગ્યો છે. વધુમાં, જે ખાનગી યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન હોસ્પિટલોમાં મેડિકલ શિક્ષણ અપાય છે, ત્યાં યુનિવર્સિટી અને હોસ્પિટલ વચ્ચેના સંબંધો તેમજ હોસ્પિટલની સત્તાવાર ભૂમિકાની સ્પષ્ટતા પણ માંગી છે.

ચીફ સેક્રેટરીઓએ એફિડેવિટ દાખલ કરવી પડશે, 19 નવેમ્બરે આગામી સુનાવણી

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ સંબંધિત યુનિવર્સિટીઓ અને કોલેજો પાસેથી આ તમામ માહિતી એકત્ર કરીને પોતાના મુખ્ય સચિવો મારફતે સોગંદનામું દાખલ કરે. આ એફિડેવિટ 17 સપ્ટેમ્બર 2026ના આદેશની તારીખથી છ અઠવાડિયાની અંદર રજૂ કરવાનું રહેશે અને તેની એક નકલ શાળા નિરીક્ષણ સમિતિના અધ્યક્ષ ડૉ. આર.એમ. શર્માને સોંપવાની રહેશે. આ સમગ્ર મામલે હવે પછીની સુનાવણી 19 નવેમ્બર 2026ના રોજ હાથ ધરાશે.