'જે લોકો ટ્રાફિક ચલણ નથી ભરતા તેની રકમ વીજળી બિલમાં જોડી દો', સુપ્રીમ કોર્ટે આપ્યા 10 સૂચન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court India on Traffic e-challan: સુપ્રીમ કોર્ટે ટ્રાફિક ચલણની વસૂલાતને લઈને એક મોટું સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું કે જો લોકો ટ્રાફિક ચલણ નથી ભરી રહ્યા, તો તેને તેમના વીજળીના બિલમાં જોડી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોએ વીજળીનું બિલ તો ભરવું જ પડશે, નહીંતર વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. દેશમાં તેનો કોઈ રસ્તો કાઢવો પડશે. મહત્ત્વનું છે કે ઈ ચલણ ઇશ્યુ કર્યા બાદ જો ન ભરવામાં આવે તો તેની વસૂલાત માટે સંબંધિત કોર્ટમાં મોકલવામાં આવે છે.
20 હજાર કરોડની વસૂલાત બાકી
જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે માત્ર ઈ-ચલણ જાહેર કરતાં રહેવું પૂરતું નથી. પોલીસ આવા હજારો-લાખો ઈ-ચલણ જાહેર કરી શકે છે, પરંતુ સાચી મુશ્કેલી ઈ-ચલણ દ્વારા લગાવવામાં આવેલા દંડની વસૂલાતનો છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઈ-ચલણ હેઠળ 45,000 કરોડ રૂપિયા વસૂલવાના છે. અત્યાર સુધીમાં 25,000 કરોડ રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે.
જમીની સ્તર પર કામ કરવાની જરૂર
કોર્ટે કહ્યું કે અધિકારીઓએ જમીની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જમીની સ્તર પર કામ કરવાની જરૂર છે. સામાન્ય રીતે ઈ-ચલણ જાહેર થયા પછી તેને દંડ વસૂલવા માટે કોઈ ચોક્કસ કોર્ટમાં મોકલવામાં આવે છે. વ્યક્તિ કોર્ટમાં હાજર થાય છે અને દંડ ભરે છે.
'ચલણ ન ભરે તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યુઅલ પર રોક લગાવો'
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અધિકારીઓએ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યુઅલ અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ જાહેર કરવા પર રોક લગાવવી જોઈએ. માલિકની માહિતી વગેરેને પણ રિન્યુ ન કરવી જોઈએ. જ્યાં સુધી બધા ચલણ ક્લિયર ન થઈ જાય, ત્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ પણ જાહેર ન કરવું જોઈએ.
'પરિવહન પોર્ટલ પર એવા વાહનોને બ્લેકલિસ્ટ કરો': SC
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંબંધિત વાહનોને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને ઓનરશિપ ટ્રાન્સફર પણ બ્લોક કરી દેવું જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સના રિન્યુઅલ પર રોક લગાવવી જોઈએ અને પહેલેથી ચાલુ લાઇસન્સને સસ્પેન્ડ કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. કોઈ પણ સેન્ટરને PUC સર્ટિફિકેટ જાહેર કરવાની પરવાનગી ન આપવી જોઈએ. વાહનોનું રેન્ડમ ચેકિંગ થવું જોઈએ. જો ઈ-ચલણની ચૂકવણી ન કરવામાં આવી હોય, તો વાહનને જપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
સુપ્રીમ કોર્ટના 10 સૂચન
- જો કોઈ ઈ-ચલણનો દંડ નથી ભરી રહ્યું, તો તે રકમને તેમના વીજળી બિલમાં ઉમેરી દેવી જોઈએ. જેથી જ્યારે તેઓ વીજળી બિલ ચૂકવે ત્યારે ચલણની ચૂકવણી પણ થઈ જાય. જો તેઓ ચૂકવણી ન કરે તો વીજળી કનેક્શન આપોઆપ કપાઈ જશે. જેથી મજબૂરીમાં પણ વ્યક્તિએ દંડની રકમ ચૂકવવી જ પડશે.
- જે વાહનોના ચલણ લાંબા સમયથી બાકી છે, તેમનું નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બનાવવા પર રોક લગાવવી જોઈએ.
- બાકી ચલણવાળા વાહનો માટે ડુપ્લિકેટ RC સર્ટિફિકેટ પણ ઇશ્યુ ન કરવું જોઈએ.
- વાહન વેચવા પર માલિકી હક એટલે કે RC ટ્રાન્સફર કરવા પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ.
- જ્યાં સુધી ચલણની બાકી રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ પણ જારી ન કરવું જોઈએ.
- બાકી ચલણ ધરાવતા વાહનોને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ.
- જે વાહન માલિકોના ચલણ બાકી છે, તેમનું નવું ડ્રાઇવિંગ લાઇસન્સ(DL) જારી ન થવું જોઈએ.
- આવા લોકોના પહેલેથી ઇશ્યુ કરાયેલા ડ્રાઇવિંગ લાઇસન્સને સસ્પેન્ડ કરવા પર પણ વિચાર થવો જોઈએ.
- ચલણ ન ભરનારા લોકોના વાહનોનું PUC (પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ) પણ ન બનવું જોઈએ.
- રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા રેન્ડમ ચેકિંગ દરમિયાન જો વાહન પર પેન્ડિંગ ચલણ દેખાય, તો તે વાહન જપ્ત કરી લેવું જોઈએ.




