Supreme Court On CBSE Three Language Formula : સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં ત્રણ ભાષા ફરજીયાત બનાવવાના નિર્ણય વિરુદ્ધની અરજી પર મોટો નિર્ણય લીધો છે. કોર્ટે CBSEના આ નિર્ણય પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. જોકે કોર્ટે કેન્દ્ર સરકાર અને સીબીએસઈને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. CBSEના નિર્ણય વિરુદ્ધમાં દાખલ કરાયેલી અરજી કહેવાયું છે કે, નવી ભાષા નીતિના કારણે વિદ્યાર્થીઓ પણ વધારાનું દબાણ વધી શકે છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર-CBSE પાસેથી માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન અરજદારે કહ્યું કે, ‘CBSEના આ નવા નિયમના કારણે વિદ્યાર્થીઓ પર વધારાનું દબાણ વધી શકે છે. હવે આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર અને CBSE પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આગામી સુનાવણી 15 અથવા 16 જુલાઈ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
નવો નિયમ 1 જુલાઈથી લાગુ થશે
ઉલ્લેખનીય છે કે, CBSE દ્વારા ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં ભાષાઓની નીતિને લઈને મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. CBSE દ્વારા 15 મે, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો સંપૂર્ણપણે ફરજિયાત રહેશે. આ નવો નિયમ 1 જુલાઈ, 2026થી દેશભરની તમામ CBSE સંલગ્ન શાળાઓમાં અમલી બની જશે. જો કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ ન વધે તે માટે બોર્ડે ધોરણ-10માં ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષામાંથી મુક્તિ આપી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયથી શાળાકીય શિક્ષણના માળખામાં મોટો બદલાવ આવશે. અગાઉના અહેવાલોમાં એવું અનુમાન હતું કે આ ત્રણ ભાષાની ફોર્મ્યુલા ધોરણ-6 થી તબક્કાવાર લાગુ કરીને 2030-31 સુધીમાં ધોરણ-10 સુધી લંબાવવામાં આવશે. પરંતુ બોર્ડે મે 2026ના આ પરિપત્ર દ્વારા ધોરણ-9 અને 10 માટેની સમયરેખા અને અમલીકરણને સ્પષ્ટ અને કાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે.
બે ભારતીય ભાષાઓ ભણવી જ પડશે
CBSE દ્વારા સુધારેલી ભાષા પદ્ધતિ હેઠળ, અભ્યાસક્રમમાં ત્રણ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને R1, R2 અને R3 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં સૌથી મહત્વનો નિયમ એ છે કે, વિદ્યાર્થીએ પસંદ કરેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય (Native Indian Languages) હોવી અનિવાર્ય છે.
પરિપત્રની મુખ્ય જોગવાઈઓ:
ભારતીય ભાષાઓની અનિવાર્યતા : વિદ્યાર્થી ભલે ગમે તે ભાષા પસંદ કરે, પરંતુ તેની મુખ્ય ત્રણ ભાષાઓમાંથી બે ભાષાઓ ભારતીય જ હોવી જોઈએ (જેમ કે હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી વગેરે).
વિદેશી ભાષા અંગેનો નિયમ: જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી ઉપરાંત અન્ય કોઈ વિદેશી ભાષા (જેમ કે ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ) ભણવા માંગતો હોય, તો તે ત્રીજી ભાષા (R3) તરીકે જ પસંદ કરી શકાશે અને તે પણ ત્યારે જ જ્યારે બાકીની બે ભાષાઓ ભારતીય હોય.
ચોથી ભાષાનો વિકલ્પ: જો વિદ્યાર્થી ત્રણ મુખ્ય ભાષાઓમાં નિયમ જાળવી રાખે, તો તે વધારાના ચોથા વિષય તરીકે પણ વિદેશી ભાષાનો અભ્યાસ કરી શકે છે.
બોર્ડના નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવાયું છે કે, "1 જુલાઈ 2026થી ધોરણ-9 માટે ત્રણ ભાષાઓ (R1, R2, R3) નો અભ્યાસ ફરજિયાત રહેશે, જેમાં ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય ભાષાઓ હોવી જરૂરી છે." આ અંગેની વિગતવાર માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. નવા નિયમો સાંભળીને વિદ્યાર્થીઓ કે વાલીઓ મૂંઝાય નહીં તે માટે CBSE એ એક મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે. ધોરણ-10 સ્તરે ત્રીજી ભાષા (R3) માટે કોઈ સત્તાવાર બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનું દબાણ ઘટાડવા માટે આ મુજબનું આયોજન કરાયું છે:
1. સ્કૂલ લેવલ અસેસમેન્ટ: ત્રીજી ભાષા (R3) નું સંપૂર્ણ મૂલ્યાંકન શાળાઓ દ્વારા આંતરિક રીતે (Internal Assessment) કરવામાં આવશે.
2. માર્કશીટમાં ઉલ્લેખ: આ આંતરિક પરીક્ષાના ગુણ અથવા ગ્રેડ વિદ્યાર્થીના અંતિમ CBSE સર્ટિફિકેટ/માર્કશીટમાં દર્શાવવામાં આવશે.
3. પરીક્ષામાં બેસવા પર કોઈ રોક નહીં: બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ત્રીજી ભાષામાં નબળું પ્રદર્શન કરે અથવા કોઈ કારણસર આંતરિક પ્રક્રિયા બાકી હોય, તો પણ તેને ધોરણ-10ની મુખ્ય બોર્ડ પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવશે નહીં.
શિક્ષકોની અછતને પહોંચી વળવા શાળાઓને ખાસ છૂટછાટ
આ નવો નિયમ લાગુ કરવામાં શાળાઓ સામે સૌથી મોટો પડકાર પૂરતા પ્રમાણમાં લાયક ભાષા શિક્ષકો ઉપલબ્ધ કરાવવાનો છે. ભારતીય ભાષાઓના શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે બોર્ડે શાળાઓને કેટલીક વ્યવહારુ છૂટછાટો આપી છે. જેમાં
હાઈબ્રિડ ટીચિંગ: શાળાઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમ ભેગું કરીને હાઈબ્રિડ મોડમાં ભાષા વર્ગો ચલાવી શકશે.
ગ્રુપ ઓર્ગેનાઈઝેશન: નજીકની શાળાઓ પરસ્પર સંસાધનો અને શિક્ષકોની આપ-લે કરી શકશે.
નિવૃત્ત શિક્ષકોની સેવા: શાળાઓ કરાર આધારિત અથવા અસ્થાયી ધોરણે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરી શકશે.
આંતરિક શિક્ષકોનો ઉપયોગ: જો કોઈ શાળામાં ચોક્કસ ભાષાના શિક્ષક ન હોય, તો અન્ય વિષયના એવા શિક્ષકો જેમની પકડ તે ભારતીય ભાષા પર મજબૂત હોય તેમને વચગાળાની વ્યવસ્થા તરીકે ત્રીજી ભાષાના શિક્ષણની જવાબદારી સોંપી શકાશે.
દરેક શાળાએ આગામી 30 જૂન, 2026 સુધીમાં પોતાના ભાષાના વિકલ્પોની વિગતો CBSE ના 'OASIS' પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે.


