Get The App

શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ 1 - image


Supreme Court On Voting : ભારતમાં ચૂંટણી દરમિયાન મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી માનવામાં આવે છે, પરંતુ શું મત ન આપવો એ ગુનો છે? આ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે તે અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે, જેમાં મતદાન ન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી અથવા પ્રતિબંધો લગાવવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટનું કડક અને સ્પષ્ટ વલણ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, મતદાન કરવું એ મજબૂરી નથી. ભારત એક લોકશાહી દેશ છે જ્યાં છેલ્લા 75 વર્ષોથી લોકોના વિવેક અને વિશ્વાસ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. જો કોઈ મત નથી આપતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી. શું આપણે એવા લોકોની ધરપકડનો આદેશ આપવો જોઈએ? આ કાયદાના શાસન અને લોકશાહીની વિરુદ્ધ હશે.

સરકારી સુવિધાઓ બંધ કરવાની માંગ પર CJIનો જવાબ

આ અરજી કરનારા અજય ગોયલના વકીલે એવી દલીલ કરી હતી કે જે લોકો મતદાન નથી કરતા, તેમને મળતી સરકારી સુવિધાઓનો લાભ બંધ કરી દેવો જોઈએ. આ સૂચન પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે હળવા અંદાજમાં વળતો જવાબ આપ્યો કે, ‘આ કામ તમે અમારી તરફથી કરી લો.’

કોર્ટે સ્પષ્ટ કર્યું કે મત ન આપવા પર દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવી એ નીતિગત બાબત છે, જે સરકાર અને ધારાસભાના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

ગરીબ નાગરિકોની સ્થિતિનો ઉલ્લેખ

ચીફ જસ્ટિસે એક માનવીય પાસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જો કોઈ ગરીબ વ્યક્તિ એમ કહે કે તેણે તે દિવસે પોતાની રોજીરોટી કમાવવાની છે, તો તે મત આપવા કેવી રીતે જાય? એ સ્થિતિમાં આપણે તેને શું જવાબ આપીશું?

કોર્ટે આ મામલાને નીતિગત ગણાવીને અરજદારને સંબંધિત સત્તાધિકારી પાસે જવા માટેની છૂટ આપી છે.