સુપ્રીમને આત્મજ્ઞાન લાદ્યું : વિદ્યાર્થીઓને આંદોલનનો અધિકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ન્યાય આપીશું તેવી હૈયાધારણ સાથે ઉપદેશની પરંપરા !
- પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ, મહિલાઓ સાથે પોલીસકર્મીઓ દ્વારા અભદ્ર વર્તનના આરોપની તપાસ સુપ્રીમની કમિટી કરશે
- વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ, તેઓ શાંતિપૂર્ણ વિરોધ કરી શકે : ફરિયાદો રદ કરવાના સુપ્રીમના સંકેતો
- પ્રદર્શનો સમયના વીડિયો, તસવીરો કમિટીને સોંપવા સુપ્રીમ આદેશ આપશે, આજે સ્પષ્ટતા કરવામાં આવશે
નવી દિલ્હી : શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગણી સાથે ૨૦મી જુલાઇએ દિલ્હીના જંતર મંતરેથી સંસદ માર્ચ દરમિયાન યુવાનો પર દિલ્હી પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ કરાયો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ લાઠીચાર્જની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક પેનલની રચનાની જાહેરાત કરી છે. જેમાં સુપ્રીમના નિવૃત જજ, હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, પૂર્વ ડીજીપી, સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર અને અન્યોનો સમાવેશ કરવામાં આવશે. હાલ સુપ્રીમે સભ્યોના નામો અંગે અભિપ્રાય મંગાવ્યા છે, બુધવારે સત્તાવાર આદેશ અપાશે.
યુવાનો પર દિલ્હી પોલીસના લાઠીચાર્જને લઇને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેની સંયુક્ત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને વી મોહનાની બેંચે વિદ્યાર્થીઓ સામે દાખલ એફઆઇઆર અંગે વિગતો માગી હતી, સાથે જ કહ્યું હતું કે વિદ્યાર્થીઓની જિંદગી દાંવ પર છે, આપણે તે અંગે વિચાર કરવો પડશે. તેમનું ભવિષ્ય હજુ બાકી છે. તેમને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે. હાલમાં એક પેનલને તપાસ સોંપવામાં આવશે, જે માટે સીબીઆઇના પૂર્વ વડા અને પૂર્વ ડીજીપી પાસેથી પહેલાથી જ સંમતિ મળી ગઇ છે, અન્ય નામો અંગે અભિપ્રાય લેવામાં આવશે.
એક યુવતીએ સુપ્રીમમાં અરજી કરીને એવો આરોપ લગાવ્યો હતો કે વિરોધ પ્રદર્શનોમાં જોડાવાને કારણે તેને સોશિયલ મીડિયા પર ખુબ પરેશાન કરવામાં આવી રહી છે. એવામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે જે કમિટીની રચના કરવામાં આવી રહી છે તે ઓનલાઇન પરેશાન કરવા સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરશે. કોઇને પણ છોડવામાં નહીં આવે. સુપ્રીમે પ્રદર્શન સમયના વીડિયો, તસવીરો વગેરેને સ્ટોર કરવા આદેશ કર્યો હતો હવે જે કમિટી રચાશે તેને આ તમામ સામગ્રી સોંપવા સુપ્રીમ આદેશ કરશે તેવા સંકેતો આપ્યા હતા.
જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે પ્રદર્શન સ્થળે એવી ટેક્નોલોજી લગાવાઇ હતી કે જેના દ્વારા ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારાઓની ઓળખ કરવામાં આવી હતી, આવા આશરે ૨૮૭૩ લોકોની ઓળખ થઇ છે. વિદ્યાર્થીઓની સામેની ફરિયાદ ચોક્કસ રદ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક અરજદાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે પ્રદર્શન દરમિયાન કેટલાક પોલીસકર્મીઓએ મહિલાઓની સાથે અભદ્ર વર્તન કર્યું, જેના વીડિયો છે. આવા પોલીસકર્મીઓ અધિકારીઓની સામે તાત્કાલીક પગલા લેવાની જરૂર છે. સુપ્રીમે કહ્યું હતું કે ઉચ્ચસ્તરીય કમિટીને થોડુ કામ કરવા દેવું જોઇએ, તમામ આદેશ અમે નહીં આપીએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ સામેની ફરિયાદો રદ કરવાના આદેશ આપવાના સંકેતો પણ આપ્યા છે સાથે જ કહ્યું છે કે તેમના ભવિષ્યનો સવાલ છે.









