India

તહેવારોની મોસમમાં ખાંડ 'કડવી' થઈ : ભાવ રૂ. 65ની નવી ટોચે

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રના ઇથેનોલ કાર્યક્રમ વચ્ચે તહેવારોની મોસમમાં ખાંડના ભાવ કિલો દીઠ ₹65 થયા છે. ભાવ વધતા સરકારે 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી ખાંડની સંગ્રહખોરી પર પ્રતિબંધ મૂક્યો છે. જથ્થાબંધ વેપારીઓ અને ઉદ્યોગો 15 દિવસથી વધુ સ્ટોક રાખી શકશે નહીં. મુંબઈ અને પંજાબ જેવા શહેરોમાં ખાંડના ભાવ ₹58 થી ₹65 સુધી પહોંચ્યા છે, જે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોની મોસમમાં ખાંડ 'કડવી' થઈ : ભાવ રૂ. 65ની નવી ટોચે

(પીટીઆઈ) નવી દિલ્હી : કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ઈથેનોલ કાર્યક્રમના કારણે શેરડીનો પર્યાપ્ત સ્ટોક હોવા છતાં તહેવારોની મોસમમાં ખાંડના ભાવ પ્રતિ કિલો રૂ. ૬૫ના સ્તરે પહોંચી ગયા છે. તહેવારોની મોસમમાં ખાંડ કડવી થતાં વેપારીઓ અને જનતાની ચિંતા વધી ગઈ છે. તહેવારોમાં ખાંડ મોંઘી થવાથી સરકારે ગુરુવારે ખાંડની સંગ્રાહખોરી પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નવા નિયમનો અમલ ૧ સપ્ટેમ્બરથી થશે અને ૩૦ નવેમ્બર સુધી રહેશે. સરકારે ખાંડના જથ્થાબંધ વેપારીઓ અને ઉદ્યોગો માટે ૧૫ દિવસની સ્ટોક મર્યાદા લાદવી પડી છે. આ નિયમ મુજબ માસિક ૧૦ મેટ્રીક ટનથી વધુ વપરાશ ધરાવતા વેપારીઓ અને ઉદ્યોગો મહત્તમ ૧૫ દિવસનો સ્ટોક રાખી શકશે.
દેશમાં ક્રૂડ ઓઈલનું બિલ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર પૂરજોરથી ઈથેનોલનો કાર્યક્રમ ચલાવી રહી છે. આ કાર્યક્રમમાં કોઈ અવરોધ ઊભો ના થાય તે માટે સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકેલો છે અને ઈથેનોલના ઉત્પાદનની માગ પૂરી કરવા ખેતરોમાં પર્યાપ્ત પ્રમાણમાં શેરડીનો પાક પણ ઊભો છે. આમ છતાં દેશમાં ખાંડના ભાવ આસમાને પહોંચી ગયા છે.
સામાન્ય રીતે પ્રતિ કિલો રૂ. ૩૮ની આજુબાજુ રહેતા ખાંડના ભાવ તહેવારોની આ મોસમમાં પ્રતિ કિલો રૂ. ૬૫ના સ્તરે પહોંચી ગયા છે અને તે હજુ વધીને રૂ. ૭૦ સુધી પહોંચવાની સંભાવના છે. આવા સમયે અન્ન મંત્રાલયે જાહેર કરેલા આદેશ પ્રમાણે માસિક ૧૦ ટનથી વધુની ખાંડનો વપરાશ કરતા બલ્ક વપરાશકારો પોતાનો સ્ટોક ૧૫ દિવસથી વધુ સમય સુધી જાળવી શકશે નહીં. એટલે કે મીઠાઈના વેપારી, કોલ્ડ ડ્રિંક કંપનીઓ, ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ તેમના માસિક વપરાશના સરેરાશ જથ્થાનો ૧૫ દિવસથી વધુનો સ્ટોક રાખી શકશે નહીં.
દેશમાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. આગામી સપ્તાહે રક્ષાબંધન, પછી જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી અને પછી દિવાળી સુધી એક પછી એક તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાંડના ભાવ વધવાથી મીઠાઈ મોંઘી થવાની આશંકા છે. તહેવારોની મોસમમાં ખાંડની અછત ના સર્જાય તે માટે સરકાર સતત પગલાં લઈ રહી છે.
ભારતના સૌથી મોટા સુગર ટ્રેડિંગ બજાર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જથ્થાબંધ ખાંડનો ભાવ ૨૦ ટકા જેટલો વધી ગયો છે. કન્ઝ્યુમર અફેર્સ વિભાગના આંકડા મુજબ સમગ્ર દેશમાં ખાંડનો રિટેલ ભાવ પ્રતિ કિલો સરેરાશ રૂ. ૫૨.૩ હતો. જોકે, પંજાબમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. ૬૫ને સ્પર્શી ગયો હતો જ્યારે મુંબઈ, ભોપાલ અને અન્ય બજારોમાં ખાંડની કિંમત પ્રતિ કિલો રૂ. ૫૮થી ૬૩ના સ્તરે પહોંચી છે. છેલ્લા ૧૫ દિવસમાં જ ખાંડના રિટેલ ભાવમાં પ્રતિ કિલો રૂ. ૨૦ જેટલો વધારો થયો.
ખાંડના ભાવ પર નિયંત્રણ રાખવા માટે સરકારે ગયા મહિને જ ડીલરોને ૩૦ દિવસ સુધી જ સ્ટોક જાળવવાની સૂચના આપી હતી, આમ છતાં ખાંડના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. એક વર્ષ અગાઉ ખાંડના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩૯૦૦ હતા તે હાલમાં વધીને રૂપિયા ૫૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે.
બલ્ક વપરાશકારોમાં સામાન્ય રીતે ઠંડા પીણાં તથા આઈસક્રીમ, ચોકલેટ, ફૂડ પ્રોસેસિંગ એકમો વગેરેનો સમાવેશ થાય છે. આ અગાઉ સરકારે ખાંડની મિલોને તેમને પૂરા પડાયેલા કવોટામાંથી ખાંડનું વેચાણ કર્યા બાદ તેનો નિકાલ એક સપ્તાહમાં કરી નાખવા સૂચના આપી હતી.
અન્ન અને ગ્રાહક બાબતોના અધિકારીઓને તપાસમાં જણાયું હતું કે ખાંડ મિલો તેમણે પીટુ ફોર્મમાં જણાવેલી વિગતો કરતા વધુ સ્ટોકસ ધરાવી રહી છે અથવા ફાળવાયેલા કવોટા કરતા ઓછી ખાંડ વેચી રહી છે. બજારમાં ખાંડની કૃત્રિમ અછત ન સર્જાય તેની તકેદારી રાખવા અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રાલય વિવિધ પગલાંઓ લઈ રહ્યું હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.

  • તહેવારો વચ્ચે મોંઘવારી ૬ ટકાને પાર જવાની આશંકા ઃ એસબીઆઈ
    દેશમાં તહેવારોની મોસમ વચ્ચે રિટેલ મોંઘવારી અંગે એસબીઆઈ રિસર્ચનો રિપોર્ટ ચિંતાજનક છે. આ રિપોર્ટ મુજબ આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતનો રિટેલ મોંઘવારી દર થોડા સમય માટે ૬ ટકાને પાર જઈ શકે છે. જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના ચોથા ત્રિમાસિક સુધીમાં ઘટીને પાંચ ટકા સુધી આવવાની સંભાવના છે. એસબીઆઈ રિસર્ચના અહેવાલ મુજબ જુલાઈમાં રીટેલ મોંઘવારી દર ૪.૪૫ ટકા હતો, જે ઓગસ્ટમાં વધીને ૪.૭ ટકા સુધી પહોંચી શકે છે.