વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વિજેતા દહિયા ખાઈ રહ્યા છે બર્ગર ! CJPએ પ્રવક્તા પદેથી હટાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Removes Vijeta Dahiya : કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન વચ્ચે એક વીડિયોને લઈને પ્રવક્તા વિજેતા દહિયાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વાઈરલ થયેલા એક વીડિયો બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પોતાના પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવી દીધા છે. વીડિયોમાં દહિયા એક મોલના બર્ગર આઉટલેટ પર જોવા મળ્યા હતા, આ જ સમયે પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી ચાલી રહી હતી. કોકરોચ જનતા પાર્ટીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, 'અમે અમારા પ્રવક્તા વિજેતા દહિયાના અત્યંત અસંવેદનશીલ વ્યવહારની સખત નિંદા કરીએ છીએ. જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ અને અમારી ટીમ પોલીસની બર્બર કાર્યવાહીનો સામનો કરી રહી હતી, તે દરમિયાન તેમના વીડિયો સામે આવ્યા. આવો વ્યવહાર સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, અને અમારા આંદોલનના મૂલ્યો તથા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. વિજેતા દહિયાને તાત્કાલિક અસરથી પ્રવક્તા પદેથી હટાવતા તેમની તમામ સત્તાવાર જવાબદારીઓ પણ પાછી ખેંચી લેવામાં આવી છે.'
વાઈરલ વીડિયો પર મચ્યો વિવાદ
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં વિજેતા દહિયા એક મોલના બર્ગર આઉટલેટ પર જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કેટલાક યુવકો તેમને સવાલ કરતા સંભળાય છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'જ્યારે અમે પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે તમે બર્ગર ખાઈ રહ્યા હતા?' જોકે, વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો, અને કઈ પરિસ્થિતિઓમાં બનાવવામાં આવ્યો, તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
વિજેતા દહિયાએ પણ કરી સ્પષ્ટતા
વિવાદ વધ્યા બાદ વિજેતા દહિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કરીને પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, 'તે છેલ્લા લગભગ 1.5 મહિનાથી સતત આંદોલનમાં સક્રિય છે, અને છેલ્લા 2 દિવસથી સરખી રીતે ઊંઘી પણ શક્યા નથી.' તેમણે કહ્યું, 'બર્ગર ખાવું એ આટલો મોટો મુદ્દો કેમ બનાવી દેવામાં આવ્યો? કોઈ માણસ બર્ગર ક્યારે ખાશે, જ્યારે તેને ભૂખ લાગશે. કોઈ મને આંદોલનમાં સામેલ થવાના પૈસા નથી આપતું. મને કોઈએ આ જોબ માટે પસંદ નથી કર્યો. હું દેશ માટે આ બધું કરી રહ્યો છું. હા, હું બર્ગર ખાઈશ.' જોકે, ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં તેમણે એવું પણ લખ્યું કે, તેમણે બર્ગર નહોતું ખાધું, કારણ કે તેમાં મેંદો અને ટ્રાન્સ ફેટ હતા, અને તેમણે બીજે ક્યાંક જમવાનો નિર્ણય લીધો હતો.
પહેલા પણ વિવાદોમાં રહ્યા છે દહિયા
વિજેતા દહિયા આ પહેલાં પણ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક નિવેદનોને લઈને વિવાદોમાં રહી ચૂક્યા છે. ટ્રાન્સજેન્ડર સમુદાય અને મહિલાઓની રાજનીતિમાં ભાગીદારીને લઈને તેમની ટિપ્પણીઓની પણ ટીકા થઈ હતી. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે કોકરોચ જનતા પાર્ટી NEET પેપર લીક અને પરીક્ષાની અનિયમિતતાઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરતા જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે પ્રદર્શનકારીઓએ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન તેમની પોલીસ સાથે હિંસક ઝડપ થઈ હતી. પ્રદર્શનકારીઓ સંસદ ભવનની ખૂબ નજીક પહોંચી ગયા હતા, જેમને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, અને લાઠીચાર્જ કર્યો હતો.









