India

દેશભરના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ભૂસ્ખલન, પૂર, મુશળધાર વરસાદ, ટ્રાફિક જામ, જુઓ VIDEO અને PHOTO

By GS Team
28 Jul 20264 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી દિલ્હી-યમુનોત્રી હાઇવે જોખમી બન્યો છે. ઋષિકેશમાં ગંગા નદી ચેતવણીના નિશાનથી ઉપર વહી રહી છે. શિમલામાં ભૂસ્ખલનથી વાહનવ્યવહાર ખોરવાયો છે. દિલ્હી, નોઇડા અને હૈદરાબાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જયપુરમાં હળવા વરસાદથી રાહત મળી છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારો માટે રેડ એલર્ટ આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશભરના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ભૂસ્ખલન, પૂર, મુશળધાર વરસાદ, ટ્રાફિક જામ, જુઓ VIDEO અને PHOTO

Heavy Rainfall In India : ઉત્તરાખંડમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદના કારણે દિલ્હી-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ હવે અત્યંત જોખમી બની ગયો છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ભારે વરસાદના એલર્ટ વચ્ચે હાઇવે પરથી સામે આવેલી ભયાનક તસવીરો અને વીડિયોએ મુસાફરો તથા સ્થાનિક લોકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. પહાડો પર સતત વરસી રહેલા વાદળો અને વીજળીના કડાકા વચ્ચે પ્રકૃતિનો એવો કોપ જોવા મળ્યો છે કે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત દહેરાદૂનમાં માલદેવતાને નજીકના ગામડોઓ સાથે જોડતા રસ્તાઓ ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયા છે.

ગંગા નદી ચેતવણીના નિશાનથી ઉપર

ઋષિકેશમાં પહાડોમાં ભારે વરસાદ બાદ ગંગા નદી ચેતવણીના નિશાનથી ઉપર વહી રહી છે. ત્રિવેણી ઘાટ પર મુખ્ય આરતી પ્લેટફોર્મ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નદીના ઘાટો પર SDRF અને હોનારત વ્યવસ્થાપન ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રશાસને પ્રવાસીઓને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે.

શિમલામાં ભૂસ્ખલન : વાહનવ્યવહાર ઠપ

હિમાચલ પ્રદેશના શિમલામાં કોંગ્રેસ રાજ્ય મુખ્યાલય રાજીવ ભવન નજીક કાર્ટ રોડ પર મુશળધાર વરસાદને કારણે થયેલા ભારે ભૂસ્ખલન બાદ લોક નિર્માણ વિભાગ (PWD) ના કર્મચારીઓ કાટમાળ હટાવી રહ્યા છે. બંને તરફનો વાહનવ્યવહાર ઠપ થઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

T1.jpg

હિમાચલમાં ભૂસ્ખલન થતા કાટમાળ નીચે JCB દબાયું

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ઓવડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં કાટમાળ હેઠળ દબાઈ જવાથી એક જેસીબી (એક્સકેવેટર) મશીન ક્ષતિગ્રસ્ત થયું છે.

T2.jpg

ધસમસતા ઝરણાએ રસ્તાને બનાવી દીધો નદી

દિલ્હી-યમુનોત્રી નેશનલ હાઇવે પરથી સામે આવેલી પહેલી તસવીર એક ઉફાણે આવેલા ઝરણાની છે. પહાડ પરથી અત્યંત ઝડપથી નીચે આવી રહેલું પાણી ક્ષણવારમાં જ રસ્તા પર ફરી વળ્યું હતું અને જોતજોતામાં આખો રસ્તો નદીમાં ફેરવાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો ચિંતાજનક હતો કે ત્યાં હાજર લોકો માટે આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું. ગર્જના સાથે વહી રહેલા પાણીએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે.

ભૂસ્ખલનની લપેટમાં આવ્યું વાહન, મોટો અકસ્માત ટળ્યો

દિલ્હી-યમુનોત્રી હાઇવે પર જ ભૂસ્ખલનની બીજી ભયાનક ઘટના સામે આવી છે. સતત વરસાદને કારણે પહાડનો એક મોટો ભાગ ધસી પડ્યો હતો અને ક્ષણવારમાં વિપુલ પ્રમાણમાં માટી તથા પથ્થરો રસ્તા પર આવી પડ્યા હતા. આ ભૂસ્ખલનની ઝપેટમાં એક વાહન પણ આવી ગયું હતું, જે કાટમાળ વચ્ચે ફસાયેલું જોવા મળ્યું છે. આ ઘટના બાદ હાઇવે પર નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો થોડી પણ સેકન્ડો મોડું થયું હોત તો મોટી જાનહાની થઈ શકી હોત.

T3.jpg

હિમાચલ પ્રદેશના ચંબાના ઓવડી વિસ્તારમાં પણ એક દ્વિચક્રી વાહન કાટમાળ નીચે દબાયું હોવાના અહેવાલ છે.

તીવ્ર પ્રવાહમાં બાઇક ચાલક તણાયો, ગ્રામજનોએ બચાવ્યો જીવ

દિલ્હી-યમુનોત્રી હાઇવે પરથી જ ત્રીજી તસવીર સૌથી વધુ ડરાવનારી સામે આવી છે. હાઇવે પર અચાનક આવેલ પાણીના સૈલાબમાં એક બાઇક સવાર તણાવા લાગ્યો હતો. જોકે, સ્થળ પર હાજર સ્થાનિક ગ્રામજનોએ સમય સૂચકતા વાપરીને તુરંત મદદ કરી અને બાઇક સવારને સુરક્ષિત બહાર કાઢી લીધો હતો. પરંતુ, પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે બાઇક રસ્તા પરથી ઘસડાઈને ઊંડી ખાડા જેવી ખાઈમાં તણાઈ ગઈ હતી.

હવામાન વિભાગનું એલર્ટ અને સ્થાનિકોની ચિંતા

હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારો માટે પહેલેથી જ ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી-યમુનોત્રી હાઇવે પર મુસાફરી કરતા લોકો અને સ્થાનિક નિવાસીઓમાં ફાળ પડી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં સ્થિતિ મિનિટોમાં બદલાઈ જાય છે. સામાન્ય દેખાતા રસ્તા પર અચાનક પાણીનો મોટો રેલો આવી જાય છે અને ઉપરથી પથ્થરો પડવા લાગે છે, જેથી અત્યારે મુસાફરી ટાળવી જ હિતાવહ છે.

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ઉત્તરાખંડ ઉપરાંત દેશની રાજધાની દિલ્હી અને સમગ્ર NCRમાં પણ વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે દિલ્હીના અનેક નીચાણવાળા તેમજ મુખ્ય માર્ગો પર ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સાચનો કરવો પડી રહ્યો છે.

  • દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે સ્થિતિ અત્યંત વિકટ બની છે, જેનો આ વીડિયો સામે આવ્યો છે.
  • દિલ્હીના AIIMS હોસ્પિટલ વિસ્તાર તેમજ તેની આસપાસના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
  • વાયુ ભવન નજીકના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

ઉત્તર પ્રદેશ, હૈદરાબાદ અને જયપુરમાં પણ મૌસમનો મિઝાજ બદલાયો

  • ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 32 માં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જ્યાંથી વાહનચાલકો મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે.
  • નોઈડા સેક્ટર 61 માં શોપપ્રિક્સ મોલ નજીક પાણી જમા થવાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
  • તેલંગાણાના હૈદરાબાદમાં પ્રખ્યાત ચારમિનાર સામે આવેલ શાલીબંડા રોડ પર ભારે વરસાદ વરસી રહ્યો છે.
  • બીજી તરફ, રાજસ્થાનના જયપુરમાં હળવા વરસાદના ઝાપટા પડતાં હવામાન આહલાદક બન્યું છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.