India

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત

By GS Team
15 Jun 20262 mins read
આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત

મ.પ્રદેશના મુરૈનામાં ગોઝારી ઘટના

અફવા જાણી જોઈને ફેલાવાઈ કે માત્ર ગેરસમજ હતી તેની તપાસ કરાશે

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના મુરૈનામાં રવિવારે સાંજે એક દુખદ ટ્રેન અકસ્માત સર્જાયો છે.ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવાથી ગભરાટમાં પાટા પર ઉતરેલા મુસાફરો બીજી બાજુથી આવી રહેલ ટ્રેન સાથે અથડાતા ૬ લોકોના મોત થયા છે.

મુરૈના જિલ્લામાં ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી હતી. આ ટ્રેન હેતમપુર સ્ટેશન નજીક હતી ત્યારે અચાનક ટ્રેનમાં અફવા ફેલાઇ હતી કે ટ્રેનમાં આગ લાગી છે.મુસાફરોએ આ સાંભળતાની સાથે, ચારે તરફ ભાગદોડ મચી હતી.લોકો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા માટે કાંઇ પણ વિચાર્યા વગર ડબા માંથી કુદી અને રેલવે પાટા પર આવી ગયા હતાં. જે લોકો પાટા પર ઉતર્યા હતા કે બાજુના પાટા પર પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેન તેજ રફતારથી આવી રહી છે.પાટા પર ઉભેલા આ મુસાફરોને પાતાલકોટ ટ્રેને ટક્કર મારી હતી. આ દુર્ઘટના એટલી અચાનક અને ઝડપી બની કે કેટલાક લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ ૬ લોકોના મોત થયા છે.

આ ટ્રેન અકસ્માતના સમાચાર મળતાની સાથે આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. રેલવે અધિકારી અને જિલ્લા વહીવટી તંત્રને જાણકારી મોકલવામાં આવી હતી અને બચાવ રાહત કામ શરુ કરવામાં આવ્યું છે.આ ઘટનામાં અફવા ક્યાંથી આવી તે મોટો પ્રશ્ન બને છે.આ અફવા જાણી જોઇને ફેલાવવામાં આવી કે ગેરસમજના કારણે ફેલાઇ તેની તપાસ ચાલી રહી છે. ટ્રેનની મહિલા મુસાફરે કહ્યું કે કોઇએ અચાનક ચેન પુલીંગ કર્યુ હતુ અને બુમ પાડવા લાગ્યો કે આગ લાગી છે, ત્યાર બાદ લોકો ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા જ્યારે પ્રવાસીઓ બીજો પાટો ઓળંગી રહ્યા હતા ત્યારે પાતાલકોટ એક્સપ્રેસ આવી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો આ ટ્રેનની ઝપટમાં આવી ગયા હતાં. 

એક આખો પરિવાર આમા ફસાયો હતો જેમાં પતિ પત્ની અને તેના બે બાળકો હતાં.