Get The App

AI ની સાઈડ ઈફેક્ટ, દરરોજ 2300 કરોડ લીટર પાણીનો વેડફાટ, 6.80 લાખ કિલોવૉટ વીજળીનો ખર્ચ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
AI ની સાઈડ ઈફેક્ટ, દરરોજ 2300 કરોડ લીટર પાણીનો વેડફાટ, 6.80 લાખ કિલોવૉટ વીજળીનો ખર્ચ 1 - image

Ai Side Effect : એઆઈની લોકપ્રિયતા વધી રહી છે. દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સ એઆઈનો ઉપયોગ કરતા થયા છે. એઆઈ ટૂલ્સ રોજિંદા કામમાં પણ ઉપયોગી થઈ રહ્યાં છે, પરંતુ તેની સાઈડ ઈફેક્ટ વિશે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. એઆઈ ટેકનોલોજી એમ ને એમ નથી ચાલતી. તેની પાછળ વીજળી અને પાણી ખર્ચાય છે. એઆઈના ડેટા સેન્ટર્સ ચલાવવા માટે વીજળીનો મોટો જથ્થો વપરાય છે. ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે વિપુલ માત્રામાં પાણીની જરૂર પડે છે.

દુનિયામાં 600 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. એમાંથી 18 ટકા લોકો એઆઈનો ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે અત્યારે દુનિયામાં 100 કરોડ લોકો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ યુઝર્સ દરરોજ જુદા જુદા એઆઈ ટૂલ્સને 250 કરોડ પ્રોમ્પ્ટ આપે છે. એઆઈને પ્રોમ્પ્ટ આપવા એટલે એઆઈ પાસેથી કંઈ કામ લેવું હોય તો તેના બદલામાં તેને આપવી પડતી માહિતી. એઆઈને પ્રોમ્પ્ટ આપ્યા પછી એ તેનો જવાબ આપે છે. કોઈને માહિતી આપે છે, કોઈને અનુવાદો કરી આપે છે, કોઈને ફોટો બનાવી આપે છે, કોઈને વીડિયો સર્જી દે છે. આ બધું જ કામ ગણતરીની સેકન્ડ્સમાં થાય છે એટલે દુનિયાભરમાં એઆઈના યુઝર્સ વધી રહ્યા છે.

પરંતુ તેની સાઈડ ઈફેક્ટ વિશે હજુ સુધી ખાસ ચર્ચા થતી નથી. એઆઈ એક પ્રોમ્પ્ટનો જવાબ આપે છે ત્યાં સુધીમાં 0.34 વોટ વીજળી ખર્ચાઈ જાય છે. આ એટલી વીજળી છે કે જેનાથી એલઈડી લેમ્પ બે મિનિટ ચાલે છે. કરોડો યુઝર્સ એટલા પ્રોમ્પ્ટ આપે છે કે તેની પ્રોસેસ પાછળ જુદા જુદા એઆઈ ટૂલ્સ દરરોજ 6.80 લાખ કિલોવોટ વીજળી વપરાય છે. 10 કરોડ યુઝર્સ એઆઈ પાસેથી જેટલું કામ લે છે અને એ માટે જેટલી વીજળી વપરાય છે એટલી વીજળીથી 22 હજાર ઘરોને એક દિવસ વીજળી આપી શકાય છે.

ડેટા સેન્ટર્સ ઠંડા રાખવા જરૂરી છે, નહીંતર એ કામ કરતા નથી. તેમાં ઝડપ આવે નહીં. ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે પાણીનો મોટો જથ્થો વપરાય છે. ગૂગલના ઈન્વાયરમેન્ટ રિપોર્ટમાં કહેવાયું હતું કે ડેટા સેન્ટર્સ પાછળ વર્ષમાં 2300 કરોડ લિટર પાણીનો જથ્થો વપરાય છે. એમાં એક વર્ષમાં 17 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. વર્ષ દર વર્ષ આ આંકડો સતત વધતો રહેવાનો છે. દરરોજ એક માણસને સરેરાશ 135થી 150 લિટર પાણીની જરૂર પડે છે. તે હિસાબે દરરોજ 150 કરોડ લોકોને પૂરતો થઈ પડે એટલો પાણીનો જથ્થો એઆઈ પાછળ વપરાય છે.