India

શત્રુઘ્ન સિંહાનો 'પ્લાન' શું છે? એક તરફ મોદીને કહ્યા 'ગાઇડ', તો બીજી તરફ મમતા દીદીને સાથ આપવાની સોગંધ

By GS Team
11 Jun 20263 mins read
TukuTouch Logo
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી આંતરિક બગાવત વચ્ચે આસનસોલના સાંસદ અને જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. પક્ષના અનેક સાંસદો મમતા બેનરજી સામે બગાવતના સૂર રેલાવી રહ્યા છે ત્યારે શત્રુઘ્ન સિંહા પણ આ બાગી જૂથમાં સામેલ હોવાની જોરદાર અટકળો વહેતી થઈ હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીના સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વખાણ કરતા આ ચર્ચા વધુ વેગવંતી બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શત્રુઘ્ન સિંહાનો 'પ્લાન' શું છે? એક તરફ મોદીને કહ્યા 'ગાઇડ', તો બીજી તરફ મમતા દીદીને સાથ આપવાની સોગંધ

Shatrughan Sinha Praises PM Modi: તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં ચાલી રહેલી આંતરિક બગાવત વચ્ચે આસનસોલના સાંસદ અને જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. પક્ષના અનેક સાંસદો મમતા બેનર્જી સામે બગાવતના સૂર રેલાવી રહ્યા છે ત્યારે શત્રુઘ્ન સિંહા પણ આ બાગી જૂથમાં સામેલ હોવાની જોરદાર અટકળો વહેતી થઈ હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીના સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વખાણ કરતાં આ ચર્ચા વધુ વેગવંતી બની હતી.

પીએમ મોદીની પ્રશંસા અને અટકળોનું બજાર ગરમ

પોતાની આગવી અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા શત્રુઘ્ન સિંહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મૂકીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે પીએમ મોદીને તેમના કાર્યકાળ માટે અભિનંદન પાઠવતા લખ્યું કે, 'એક સાચી ખેલદિલી સાથે, હું આપણા મિત્ર અને સમાજ તેમજ રાષ્ટ્રના માર્ગદર્શક, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 12મા કાર્યકાળ પર અભિનંદન આપું છું. કદાચ આ અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. હું તેમના દીર્ઘાયુ, સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની કામના કરું છું. જય હિંદ!' આ પોસ્ટ બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ TMCમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહા હવે મમતા બેનર્જીનો સાથ છોડીને બાગી નેતાઓની લાઇનમાં ઊભા રહી ગયા છે.

'જો સાચું બોલવું એ બગાવત હોય, તો હું બાગી છું'

પોતાના વિશે ચાલી રહેલી તમામ અટકળો પર આખરે શત્રુઘ્ન સિંહાએ મૌન તોડ્યું છે અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી મને લઈને મીડિયા અને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. કેટલાક લોકો સત્ય કહી રહ્યા છે તો કેટલાક માત્ર અફવાઓ ફેલાવી રહ્યા છે કે હું બાગી જૂથમાં જોડાઈ ગયો છું. હા, એ વાત સાચી છે કે હું સ્વભાવથી હંમેશાં બેબાક રહ્યો છું અને મેં હંમેશાં સાફ-સાફ વાત કરી છે. હું ઘણીવાર કહું છું કે જો સાચું બોલવું એ બગાવત હોય, તો હા હું પણ બાગી છું. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગું છું કે કપરા સમયમાં મમતા બેનર્જી મારી સાથે અડીખમ ઊભા રહ્યા હતા અને આજે જ્યારે તેમના પર મુશ્કેલ સમય આવ્યો છે ત્યારે હું તેમને એકલા છોડી શકું નહીં.'

કપરા સમયમાં મમતા બેનર્જીએ આપ્યો હતો સાથ

ભૂતકાળના દિવસોને યાદ કરતાં શત્રુઘ્ન સિંહા ભાવુક બન્યા હતા અને મમતા બેનર્જી પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જ્યારે વર્ષ 2019માં હું પટણાથી લોકસભા ચૂંટણી હારી ગયો હતો અને મારા જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બહુ ઓછા લોકો મારી પડખે ઊભા હતા. મમતા બેનર્જી એ જૂજ લોકોમાંથી એક હતા જેમણે મારો હાથ પકડ્યો અને મારો આત્મવિશ્વાસ વધાર્યો. તેમનું માનવું હતું કે મારે દેશની સંસદીય સફરમાં અને જાહેર જીવનમાં સક્રિય રહેવું જ જોઈએ. તેમના આગ્રહ અને પ્રેરણાથી જ મેં આસનસોલથી ચૂંટણી લડી હતી. ભગવાનની કૃપા, મમતાજીના આશીર્વાદ અને આસનસોલની જનતાના અપાર સમર્થનથી મને ત્યાં ભવ્ય વિજય મળ્યો હતો. તેથી મારો સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે કે જેણે મુશ્કેલીમાં સાથ આપ્યો, તેની સાથે વફાદાર રહેવું એ મારી ફરજ છે.'

આ પણ વાંચો: ...તો મમતાની પાર્ટીમાં 20 સાંસદોના બળવાનો દાવો જ ખોટો? દિગ્ગજે કહ્યું - મેં તો કોઈ સહી કરી જ નથી

TMCના 20 સાંસદો આરપારના મૂડમાં

આ સમગ્ર રાજકીય ડ્રામા પાછળનું મુખ્ય કારણ તૃણમૂલ કોંગ્રેસમાં પડેલા મોટા ભંગાણના અણસાર છે. પક્ષના કુલ 28 સાંસદોમાંથી 20 સાંસદોએ પક્ષપ્રમુખ મમતા બેનર્જી સામે ખુલ્લેઆમ બગાવતનું રણશિંગું ફૂંકી દીધું છે. આ બાગી સાંસદો આગામી દિવસોમાં મમતા બેનર્જીથી અલગ થઈને પોતાનું એક નવું જૂથ બનાવવાની સત્તાવાર જાહેરાત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ મોટા રાજકીય સંકટ વચ્ચે શત્રુઘ્ન સિંહાએ મમતા બેનર્જી પ્રત્યે વફાદારી જાહેર કરીને પક્ષને થોડી રાહત આપી છે, પરંતુ પીએમ મોદીની પ્રશંસા કરીને તેમણે ભવિષ્યની રાજકીય સંભાવનાઓના દ્વાર પણ ખુલ્લા રાખ્યા છે.