Get The App

'આ તો શરમજનક કહેવાય...', મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા?

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
'આ તો શરમજનક કહેવાય...', મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? 1 - image

America-Iran War: મોદી સરકારની પ્રશંસા કરનારા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો પર નારાજગી વ્યક્ત કરી છે. થરૂરે કહ્યું કે, 'આ મામલે ભારતે શાંતિ સ્થાપિત કરવામાં આગળ રહેવું જોઈતું હતું, પરંતુ તેવું ન થઈ શક્યું.' તમને જણાવી દઈએ કે, શશી થરૂર એ અહેવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાકિસ્તાન, તુર્કીયે અને ઈજિપ્ત જેવા દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટો કરાવવામાં નેતૃત્વ કરી રહ્યા છે. 

આ તો શરમજનક કહેવાય

શશિ થરૂરે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, 'મેં આ સમગ્ર મુદ્દે સરકારના સંયમિત વલણનું સમર્થન કર્યું છે, કારણ કે મને આશા હતી કે ભારત શાંતિ પ્રયાસોનું નેતૃત્વ કરવા માટે આ તકનો ઉપયોગ કરશે. હાલની પરિસ્થિતિ સારી નથી દેખાઈ રહી. આ આપણા બધા માટે થોડું શરમજનક છે. વિડંબના એ છે કે આજે પાકિસ્તાન, તુર્કીયે અને ઈજિપ્ત સાથે મળીને મધ્યસ્થીનું નેતૃત્વ કરી રહ્યા છે. હું આનાથી ખુશ નથી.'

ભારતે પોતાના રાજદ્વારી સબંધોનો ઉપયોગ કરવાની જરૂર હતી

કોંગ્રેસ સાંસદે જણાવ્યું કે, 'હું સતત એ કહેતો આવ્યો છું કે ભારતે પોતાના રાજદ્વારી સબંધોનો ઉપયોગ કરીને બંને પક્ષો વચ્ચે વાતચીત શરૂ કરાવવી જોઈએ. જો પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા થઈ રહી છે, તો તેમાં ભારતની કોઈ ભૂમિકા નથી. હું લગભગ ત્રણ અઠવાડિયાથી કહી રહ્યો છું કે ભારતે આગળ આવીને પોતાની સારી રાજદ્વારી સ્થિતિનો ઉપયોગ કરવો જોઈતો હતો.'


આ દરમિયાન શશિ થરૂરે એમ પણ કહ્યું કે, 'યુદ્ધ અંગેનું મારું અગાઉના નિવેદનનો અર્થ ભાજપ સરકારને સમર્થન કરવાનું નહોતું. હું ભાજપ અને ખાસ કરીને સાંપ્રદાયિક રાજકારણનો ટીકાકાર છું, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે હું રાષ્ટ્રીય હિતની વાત કરું છું.'

આ પણ વાંચો: શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો- ટાપુ પર કબજો કરવાની ફિરાકમાં અમેરિકાના હજારો સૈનિક

પાકિસ્તાન ચૌધરી બનવા ઉત્સુક

તમને જણાવી દઈએ કે, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે પાકિસ્તાન ચૌધરી બનવા માટે ઉત્સુક છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષના 'વ્યાપક સમાધાન' માટે પાકિસ્તાને સત્તાવાર રીતે વાટાઘાટોની યજમાની કરવાની ઓફર કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તાજેતરમાં જ એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી હતી.

ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

જોકે, ઈરાને બુધવારે પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામ માટે અમેરિકાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાથે જ તેણે ઈઝરાયલ અને ખાડી દેશો પર હુમલાઓ પણ વધારી દીધા છે.