ખેડૂતોના દિલ્હી કૂચની આકરી અસર: ભારે વિરોધ વચ્ચે સરકારે આ 2 શરતો સ્વીકારી, બોર્ડર પર હજુ હાઈઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Farmers Delhi March : પંજાબના ખેડૂતો ભારત-અમેરિકા FTA (મુક્ત વ્યાપાર કરાર) સામે દિલ્હી કૂચ માટે નીકળ્યા હતા, પરંતુ હવે ખેડૂતો ધીરે ધીરે ઘરવાપસી કરી રહ્યા છે. શંભૂ, કુંડલી તથા ખનૌરી બોર્ડર પર સવારથી એકઠા થઈને ખેડૂતોએ આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ સરકારે તેમની કેટલીક માગણીઓ સ્વીકારતા શંભુ બોર્ડરથી પરત ફરી રહ્યા છે. હરિયાણા સરકારે ખેડૂત નેતાઓને મુક્ત કરવા અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજવાની માગણી સ્વીકારી લીધી હોવાના અહેવાલ છે. જોકે FTA રદ કરવાની મુખ્ય માગણી પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. બે માગણીઓ સ્વીકારાયા બાદ ખેડૂતોએ શંભૂ બોર્ડરથી પરત ફરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં યોજાનારી કિસાન મહાપંચાયતને લઈને સોમવારે ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના વડા ગુરનામ સિંહ ચઢૂનીની હરિયાણા પોલીસે અટકાયત કરતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો, અને તેમને મુક્ત કરવાની પણ માગ સરકારે સ્વીકારી લીધી હોવાના અહેવાલ છે.
વહેલી સવારથી કૂચ, પોલીસ એલર્ટ
જ્યારે ખેડૂતો વહેલી સવારે કૂચ કરવા લાગ્યા, ત્યારે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી, અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 (Section 163 BNS) લાગુ કરવામાં આવી હતી. રસ્તાઓ પર બેરિકેડ લગાવીને વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. અમૃતસર અને ગુરદાસપુરથી ખેડૂતોનો કાફલો શંભૂ બોર્ડરના રસ્તે દિલ્હી તરફ આગળ વધવાની તૈયારીમાં હતો. પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, હાલ પૂરતો શંભૂ બોર્ડરથી આગળ વધવાનો તેમનો કોઈ પ્લાન નથી. હરિયાણાના મંત્રી શ્યામ સિંહ રાણાએ ખેડૂતો સામે એક પ્રસ્તાવ મૂક્યો છે, અને તેના પર ચર્ચા કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
ખેડૂતોની સૌથી મોટી માગણી એ જ છે કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત FTA કરાર તાત્કાલિક રદ કરવામાં આવે. સવારના સમયે શંભૂ બોર્ડર સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગઈ હતી, અને ત્યાં ભારે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. દિલ્હીમાં મિલેનિયમ પાર્ક પાસે પણ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે 'મંગલ મિલન' બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા-ભારત FTA અંગે આશ્વાસન આપ્યું છે, અને કહ્યું છે કે, ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવામાં આવશે, તેમને કોઈ નુકસાન થશે નહીં.
ખનૌરી બોર્ડર પર ખેડૂતોને રોક્યા
દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને ખનૌરી બોર્ડર પાસે પણ હરિયાણા પોલીસે રોકી લીધા હતા. ભારતમાલા જમ્મુ-કટરા એક્સપ્રેસવે પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, ખેડૂતો દિલ્હી જવા માટે પૂરી રીતે તૈયાર છે, પરંતુ તે સરકાર પર નિર્ભર કરે છે કે, તેઓ આગળ જવાની મંજૂરી આપે છે કે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે, ખેડૂતો કોઈપણ સંજોગોમાં બેરિકેડ તોડશે નહીં અને વાતચીત દ્વારા જ પોતાની રજૂઆત કરશે.
ખેડૂતોની ચિંતા શું છે?
ખેડૂતોનું કહેવું છે કે, જો આ FTA કરાર લાગુ થઈ જશે તો, તેની સીધી અસર ભારતીય ખેતી, ડેરી ઉદ્યોગ અને ગામડાઓમાં રહેતા લાખો લોકોની રોજીરોટી પર પડશે. વિદેશી ઉત્પાદનો માર્કેટમાં આવવાથી સ્થાનિક ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.









