બંધ રૂમમાં જાતિસૂચક શબ્દો બોલવાની ઘટના વખતે, કોઈ સામાન્ય નાગરિક હાજર ન હોય, તો SC/STની કલમો લાગુ પડતી નથી, સુપ્રીમ કોર્ટનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court on SC/ST Act : જાતિસૂચક અપમાન અને એટ્રોસિટી ઍક્ટ(SC/ST Act) ને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ ઘટના માત્ર જાહેર સ્થળ (જેમ કે સ્કૂલ કે ઓફિસ) પર બની હોવાથી તેને 'Public View' માની લેવામાં આવતી નથી. જો કોઈ બંધ રૂમમાં અપશબ્દો બોલવામાં આવ્યા હોય અને ત્યાં કોઈ સામાન્ય નાગરિક હાજર ન હોય કે સાંભળી ન શકે, તો તેના પર SC/ST ઍક્ટની કલમો લાગુ પડતી નથી.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ ઉત્તર પ્રદેશની એક સ્કૂલનો છે. બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડા બાદ તેમના પિતા સ્કૂલ મેનેજર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આક્ષેપ હતો કે ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી અને સ્કૂલ મેનેજર દ્વારા તેમને જાતિસૂચક અપશબ્દો કહેવામાં આવ્યા. આ આક્ષેપોના આધારે મેનેજર સામે SC/ST ઍક્ટ અને અન્ય ફોજદારી કલમો હેઠળ FIR નોંધાઈ હતી અને સ્પેશિયલ જજે ચાર્જશીટની નોંધ પણ લીધી હતી. અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય સામે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટે 'Public View' ની વ્યાખ્યા સ્પષ્ટ કરી
કેસની સુનાવણી દરમિયાન, કોર્ટનું મુખ્ય ધ્યાન SC/ST ઍક્ટની કલમ 3(1)(r) (જાણીજોઈને અપમાનિત કે ડરાવવાનો ઈરાદો) અને 3(1)(s) (જાતિના નામે ગાળો આપવી) પર હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ બંને કલમો માટે 'any place within public view' (એવી જગ્યા જે જાહેર હોય) શરત ફરજિયાત છે. કોર્ટે સમજાવ્યું કે 'Public View' નો અર્થ માત્ર 'Public Place' (જાહેર સ્થળ) પૂરતો સીમિત નથી. જો કોઈ ખાનગી સ્થળે ઘટના બને પરંતુ ત્યાં સામાન્ય લોકો હાજર હોય અને તે સાંભળી કે જોઈ શકતા હોય, તો તે પણ 'Public View' ગણાય. પરંતુ જો ઘટના સંપૂર્ણપણે બંધ રૂમમાં બની હોય, જ્યાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ હાજર ન હોય, તો માત્ર તે સ્થળ સ્કૂલ કે ઑફિસ હોવાથી તેને જાહેર નજર સમક્ષ થયેલી ઘટના ગણી શકાય નહીં.
મારપીટ સાબિત થઈ, પણ અપશબ્દો સાંભળ્યાનો પુરાવો નહીં
સ્કૂલના કેસમાં શિક્ષકોએ નિવેદન આપ્યું હતું કે તેમણે ઝઘડો અને મારપીટ જોઈ હતી, પરંતુ કોઈએ એમ નહોતું કહ્યું કે તેમણે જાતિસૂચક ગાળો સાંભળી હતી. તેથી, માત્ર શિક્ષકોની સ્કૂલમાં હાજરી એ સાબિત નથી કરતી કે અપશબ્દો 'Public View' માં બોલવામાં આવ્યા હતા. કોર્ટે પોતાના અગાઉના જાન્યુઆરી 2025ના 'કરુપ્પુદયાલ વિરુદ્ધ રાજ્ય' અને 'હિતેશ વર્મા વિરુદ્ધ ઉત્તરાખંડ રાજ્ય' ના ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું કે જો ચારે તરફથી બંધ જગ્યામાં કોઈ અપમાન થાય અને ત્યાં સામાન્ય લોકો હાજર ન હોય, તો SC/ST ઍક્ટની શરતો પૂરી થતી નથી. આથી કોર્ટે હાઇકોર્ટનો આદેશ રદ કરી SC/ST ઍક્ટ હેઠળની કાર્યવાહી રદ કરી દીધી હતી.
શું આ નિર્ણયથી અપરાધીઓને છૂટ મળશે?
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એવો અર્થ બિલકુલ નથી કાઢતો કે બંધ રૂમમાં જાતિસૂચક ગાળો આપવી એ કાયદેસર છે. આ નિર્ણય માત્ર એટલું સ્પષ્ટ કરે છે કે SC/ST ઍક્ટની આકરી કલમો ત્યારે જ લાગુ પડશે જ્યારે ઘટના 'Public View' માં થઈ હોય. જો આ ઘટનામાં મારપીટ કે અન્ય કોઈ ફોજદારી ગુનાના તત્ત્વો સામેલ હશે, તો તેની કાર્યવાહી સામાન્ય કાયદાઓ (IPC/BNS) હેઠળ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. તેમાં આરોપીને કોઈ પણ પ્રકારની રાહત મળશે નહીં.









