Get The App

સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે 1 - image

- આંધ્ર પ્રદેશના કિસ્સાની ગંભીર નોંધ લીધી 

- ટ્રાયલ કોર્ટે ચુકાદામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનાવેલા અસ્તિત્વ વગરના ચાર કેસને ટાંક્યા હતા 

નવી દિલ્હી : ભારતીય ન્યાયતંત્રમાં એઆઈના વધી રહેલા જોખમી ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ન્યાયાધીશ પોતાના ચુકાદામાં એઆઈ દ્વારા જનરેટ કરાયેલા ખોટા કેસ અથવા કાયદાને ટાંકે છે તો તેને માત્ર કાયદાકીય ભૂલ ન ગણી શકાય. તેને ન્યાયાધીશની ગેરરીતિ ગણવામાં આવશે. 

આ સમગ્ર મામલો આંધ્ર પ્રદેશની એક ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ સામે આવ્યો હતો. એક મિલકત વિવાદના કેસમાં ટ્રાયલ કોર્ટે એડવોકેટ કમિશનરના રિપોર્ટ સામેની વાંધા અરજી ફગાવી દીધી હતી. આ આદેશ આપતી વખતે ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ચાર ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે, આ કેસ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સામે આવ્યું કે, ચારેય ચુકાદાઓ બોગસ છે. આ પ્રકારના કોઈ કેસ અસ્તિત્વમાં જ નથી. તે એઆઈ ટૂલ્સ દ્વારા બનાવવામાં આવેલા કાલ્પનિક કેસ હતા. 

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે આ મામલે ચિંતા વ્યકત કરી છે. બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આવા અસ્તિત્વ વગરના અને નકલી ચુકાદાઓ પર આધારિત નિર્ણય ગેરરીતિ છે અને તેના ગંભીર કાયદાકીય પરિણામો આવશે. કોર્ટે આ મામલે એટર્ની જનરલ, સોલિસિટર જનરલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ જારી કરી છે. સુપ્રીમ હવે તપાસશે કે, ન્યાયિક પ્રક્રિયામાં આ પ્રકારના સિન્થેટિક ચુકાદાઓનો ઉપયોગ થાય ત્યારે કોની જવાબદારી નક્કી કરવી.