કયા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-RBI-NPCI પાસે માંગ્યો હિસાબ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SC Seeks Legal Basis On UPI MDR Charge From Centre RBI NPCI: Refuses Stay | દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકો દ્વારા વપરાતી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI) વ્યવસ્થા પર સૂચિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે રૂ.2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ વ્યવહારો પર MDR લાદવાના નાણાં મંત્રાલયના નિર્ણયને પડકારતી PIL પર તાત્કાલિક સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, અદાલતે આ પગલાની કાયદાકીય માન્યતા પર ગંભીર સવાલો ઉઠાવતા કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષકારો પાસેથી ટૂંકી એફિડેવિટ માંગી છે.
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે આ બાબત કાનૂની કરતાં વધુ ટેકનિકલ છે, તેથી કેન્દ્ર સરકારે વાસ્તવિક તથ્યો સ્પષ્ટ કરવા પડશે.
અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત પક્ષકારો પોતાની એફિડેવિટ રજૂ કરે તે પછી જ સમગ્ર મામલાની કાયદેસરતા અંગે અંતિમ સુનાવણી હાથ ધરાશે. હાલ આ તબક્કે કોર્ટે આ ચાર્જની કાયદેસરતા અંગે કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી.
કેન્દ્ર સરકારના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતે આકરા સવાલો પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બૅંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે આ ફી લાદવાના કાયદાકીય આધાર અંગે સ્પષ્ટતા માંગી છે. અદાલતે સ્પષ્ટ પૂછ્યું છે કે આ નવા ચાર્જથી આખરે કોને કમાણી થશે અને તે નાણાંનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?
14 સપ્ટેમ્બરનું નોટિફિકેશન: શું છે સરકારના નવા નિયમો, કેટલો ચાર્જ કપાશે
એડવોકેટ અંજન દત્તા અને આશુતોષ દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નાણાં મંત્રાલય દ્વારા 14 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનને પડકારવામાં આવ્યો છે, જે નિયમ 15 ઑક્ટોબરથી અમલમાં આવવાનો છે. સૂચિત માળખા અનુસાર, જ્યારે કોઈ ગ્રાહક દુકાનદાર કે વેપારીને રૂ.2,000 થી વધુની રકમનું UPI પેમેન્ટ કરશે, ત્યારે વેપારી પાસેથી 0.4% લેખે MDR ચાર્જ વસૂલવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ચાર્જની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જેના હેઠળ રૂ.75,000 થી વધુના કોઈપણ મોટા વ્યવહાર પર વધુમાં વધુ રૂ.300નો કેપ્ડ ચાર્જ લાગુ થશે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય લોકો વચ્ચે થતા વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સફર પર કોઈ ચાર્જ નહીં લાગે અને તે હંમેશની જેમ તદ્દન મફત રહેશે.
જો આ સરકારી ફી છે, તો માત્ર એક્ઝિક્યુટિવ આદેશથી કેમ લાદી શકાય?: અદાલતનો સવાલ
સુનાવણી દરમિયાન જસ્ટિસ બેન્ચે કેન્દ્ર સરકારના વકીલ સામે કાયદાકીય સ્રોત અંગે અણીયાળો સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે આ પ્રકારનો ચાર્જ લાદવાનો એક્ઝિક્યુટિવ વ્યાપ કેટલો છે? જો આ કોઈ ફી કે કરવેરો છે, તો તેને માત્ર કારોબારી આદેશ Executive Fiat દ્વારા લાદી શકાય નહીં. જો આ ફી નથી, તો પછી આખરે આ શું છે? સરકારનો જવાબ આવ્યા પછી અદાલત એ તપાસ કરશે કે આ રકમ કોના હાથમાં જઈને 'આવક' બને છે.
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: '96% યુઝર્સ આમાંથી મુક્ત, સરકારને એક રૂપિયો પણ નહીં મળે'
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એન. વેંકટરમણે દલીલ કરી હતી કે આ નિર્ણય હજુ 15 ઑક્ટોબરથી અમલમાં આવવાનો છે. તેમણે કહ્યું, UPI પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરતા 96% સામાન્ય વપરાશકર્તાઓ આ ચાર્જના દાયરામાંથી સંપૂર્ણપણે બહાર છે. આ ચાર્જમાંથી સરકારના ખાતામાં એક પણ રૂપિયો જવાનો નથી. આ રકમ બૅન્કો અને સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ વચ્ચેની આંતરિક સેટલમેન્ટ ફી છે, જેનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા કરવામાં આવે છે.
હવે જ્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારે 15 ઑક્ટોબર સુધીમાં કેન્દ્ર સરકાર પોતાની એફિડેવિટમાં કયા તકનીકી અને કાયદાકીય તર્કો રજૂ કરે છે તેના પર દેશભરના કરોડો વેપારીઓ અને ડિજિટલ યુઝર્સની નજર રહેશે.




