Get The App

'પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ', સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
Supreme Court on Menstrual Hygiene
(IMAGE - IANS)

Supreme Court on Menstrual Hygiene: શાળાઓમાં ભણતી દીકરીઓના સ્વાસ્થ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચના આપી છે કે આગામી 15 ઓગસ્ટ સુધીમાં દરેક શાળામાં માસિક ધર્મ સ્વચ્છતા (મેન્સ્ટ્રુઅલ હાઇજીન)ને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આ વ્યવસ્થા ગોઠવ્યા બાદ સરકારે તેના પાલનનો રિપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે, જેથી દીકરીઓને શાળાઓમાં કોઈ તકલીફ ન પડે અને તેઓ વિના સંકોચે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ બાબતની આગામી સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે, જેમાં કયા રાજ્યે કેટલું કામ કર્યું છે તેની સમીક્ષા કરાશે.

કોંગ્રેસ નેતાની અરજી પર સુપ્રીમ કોર્ટની કડકાઈ

આ સમગ્ર મામલો કોંગ્રેસ નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આધારિત છે. આ અરજીમાં શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે મફત સેનિટરી નેપકિન અને કાર્યરત શૌચાલયો પૂરા પાડવાના અગાઉના ચુકાદાના અમલીકરણની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને આ દિશાનિર્દેશો લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો, જેમાં જાગૃતિ કાર્યક્રમો અને કચરાના સુરક્ષિત નિકાલની વ્યવસ્થા પણ સામેલ હતી.

ગ્રાઉન્ડ રિપોર્ટના નામે માત્ર ભવિષ્યના રોડમેપ

કોર્ટની સુનાવણી દરમિયાન અરજદારે કેન્દ્ર સરકારના રિપોર્ટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સરકારે કોર્ટમાં જે જવાબ રજૂ કર્યો છે, તેમાં ખરેખર શું કામ થયું છે તેનો કોઈ સાચો અહેવાલ જ નથી. સરકાર માત્ર ભવિષ્યમાં શું કરશે, કેવા સુધારા લાવશે અને આગળનો પ્લાન શું છે તેની જ વાતો કરી રહી છે, જેને કોર્ટના આદેશનું સાચું પાલન ન કહી શકાય. ચિંતાની વાત તો એ છે કે દેશના તમામ રાજ્યોમાંથી અત્યાર સુધી માત્ર એકલા ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશે જ આ સુવિધાઓ પૂરી પાડી હોવાનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: ખિસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાઓ! CNGમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો

નીતિ આયોગના રિપોર્ટથી ખૂલી પોલ: હજારો શાળાઓમાં શૌચાલય જ નથી

અરજીમાં નીતિ આયોગના વર્ષ 2026ના એક ચોંકાવનારા અહેવાલનો હવાલો આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, દેશની 98,592 સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે કાર્યરત શૌચાલયો જ નથી, જ્યારે 61,540 શાળાઓ એવી છે જ્યાં ઉપયોગ કરી શકાય તેવું એક પણ શૌચાલય નથી. આ ઉપરાંત રાજ્યો દ્વારા આ યોજના માટે પૂરતું બજેટ પણ ફાળવવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, મધ્યપ્રદેશ સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે આખા રાજ્યની શાળાઓમાં સેનિટરી પ્રોડક્ટ્સ સપ્લાય કરવા માટે માત્ર રૂ. 60 લાખની નજીવી રકમ ફાળવી છે. વળી, શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની પણ ભારે અછત છે.

'પીરિયડ્સના કારણે દીકરીઓનું શિક્ષણ બંધ ન થવું જોઈએ'

સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા પોતાના ઐતિહાસિક ચુકાદામાં બંધારણની કલમ 21 (Article 21) હેઠળ જણાવ્યું હતું કે, માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ મેળવવી એ દરેક દીકરીનો બંધારણીય અને મૂળભૂત અધિકાર છે, જે તેના જીવન, સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે સીધો જોડાયેલો છે. કોર્ટે અત્યંત સંવેદનશીલ વાત કહેતા જણાવ્યું કે, પીરિયડ્સના કારણે કોઈ પણ દીકરીનું ભણતર અધવચ્ચે ન છૂટવું જોઈએ. આ જ કારણે કોર્ટે દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ માટે કડક નિયમ બનાવ્યો છે કે તેઓ પોતાની સ્કૂલમાં પાણીની પૂરતી વ્યવસ્થા, હાથ ધોવાની સુવિધા અને સ્વચ્છતાની નિયમિત તપાસ જેવી તમામ જરૂરી સગવડો ફરજિયાતપણે ઊભી કરે.