Get The App

કોણ છે વિજયની કેબિનેટનો સૌથી યુવા ચહેરો એસ. કીર્તના? સરકારી શાળામાં અભ્યાસ અને 5 ભાષાના જાણકાર

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
કોણ છે વિજયની કેબિનેટનો સૌથી યુવા ચહેરો એસ. કીર્તના? સરકારી શાળામાં અભ્યાસ અને 5 ભાષાના જાણકાર 1 - image


S Keerthana TVK MLA: તમિલનાડુની નવી સરકારમાં જે નામની સૌથી વધુ ચર્ચા છે, તે છે એસ. કીર્તના. માત્ર 29 વર્ષની ઉંમરે વિરૂધ્ધનગર જિલ્લાની શિવકાશી બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવીને કીર્તનાએ સાબિત કરી દીધું છે કે, જો ઈચ્છાશક્તિ હોય તો રાજકીય પૃષ્ઠભૂમિ વગર પણ સફળતા મેળવી શકાય છે.

શિક્ષણ અને પ્રારંભિક જીવન

1996માં જન્મેલા કીર્તનાએ પોતાનો અભ્યાસ તમિલ માધ્યમની સરકારી શાળામાંથી કર્યો છે. તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ગણિતમાં BSc અને 2019માં પોંડિચેરી યુનિવર્સિટીમાંથી સ્ટેટિસ્ટિક્સમાં MSc ની ડિગ્રી મેળવી છે.

રાજકીય વ્યૂહરચનાકારથી મંત્રી સુધીની સફર

સક્રિય રાજકારણમાં આવતા પહેલા કીર્તના એક સફળ પોલિટિકલ કન્સલ્ટન્ટ અને ડિજિટલ કેમ્પેઈન સ્ટ્રેટેજિસ્ટ તરીકે જાણીતા હતી. તેમણે પ્રખ્યાત સંસ્થાઓ જેવી કે, IPAC અને શો-ટાઈમ કન્સલ્ટિંગ સાથે કામ કર્યું છે. તેમણે મમતા બેનર્જી (TMC), એમ.કે. સ્ટાલિન (DMK) અને ચંદ્રબાબુ નાયડુ (TDP) જેવા દિગ્ગજ નેતાઓના ચૂંટણી પ્રચારમાં પડદા પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો : વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ...: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય

ભાષા પર પ્રભુત્વ

કીર્તના તમિલ, અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત પાંચ ભાષાઓમાં અસ્ખલિત બોલી શકે છે. તેમણે હિન્દી શીખવાનું પસંદ કર્યું જેથી વિજયનો સંદેશ સમગ્ર દેશ સુધી પહોંચાડી શકાય. તેઓ મંત્રી હોવાની સાથે વિજયની કામગીરી દેશના તમામ પ્રાંતોમાં પહોંચે તે માટે તે સ્ટ્રેટેજી પણ બનાવશે. 

શિવકાશીમાં સર્જ્યો ઇતિહાસ

2026 ની વિધાનસભા ચૂંટણીમાં કીર્તનાએ શિવકાશી બેઠક પરથી કોંગ્રેસના અશોકન જી. ને 11,670 મતોની સરસાઈથી હરાવ્યા હતા. છેલ્લા સાત દાયકામાં શિવકાશી બેઠક જીતનાર તેઓ પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા છે. તેમણે AIADMK ના પૂર્વ મંત્રીને પણ પરાજય આપીને સૌને ચોંકાવી દીધા હતા.

શા માટે પસંદ કરી વિજયની પાર્ટી?

કીર્તના કહે છે કે, ટીવીકે (TVK) એવી જગ્યા છે જ્યાં દરેક માટે પ્રવેશ છે. મારી પાસે કોઈ રાજકીય કે આર્થિક પૃષ્ઠભૂમિ નથી, તેમ છતાં હું અહીં છું. જો તમારી દાનત લોકો માટે કંઈક કરવાની હોય, તો અહીં તમારું સ્વાગત છે. જે પણ લોકો ટેલેન્ટેડ છે અને તેઓ માને છે કે આ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે તો ટીવીકે પાર્ટી તેમનું સ્વાગત કરશે. 

.