Get The App

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને 'દોસ્ત' દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-'ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ'

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને 'દોસ્ત' દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-'ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ' 1 - image

Lavrov S. Jaishankar Meeting: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દેશમાં ઊર્જા સંકટના ભય વચ્ચે ભારતના પરમ મિત્ર રશિયા તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે દિલ્હી પ્રવાસ પૂર્વે આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતને ખાતરી આપી છે કે, ગમે તેટલું બાહ્ય દબાણ હોવા છતાં, ઊર્જા પુરવઠા અંગેના તમામ કરારો રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

ઊર્જા પુરવઠાની ગેરંટી અને સુરક્ષા

રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો પુરવઠો સતત ચાલુ રાખશે. લાવરોવે જણાવ્યું હતું કે, "હું ગેરંટી આપી શકું છું કે રશિયાથી થતા પુરવઠાના મામલે ભારતના હિતોને કોઈ નુકસાન નહીં પહોંચે. ભલે બજારમાં અનુચિત અને અપ્રમાણિક સ્પર્ધા હોય, અમે અમારી જવાબદારી નિભાવવામાં પાછીપાની નહીં કરીએ".

કુડનકુલમ પ્રોજેક્ટ સહયોગનું પ્રતિક

તમિલનાડુમાં રશિયાની ટેકનિકલ સહાયથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ઉલ્લેખ કરતા લાવરોવે તેને બંને દેશોના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્લાન્ટ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે અને 2027 સુધીમાં તે તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : સુરત મનપામાં 'અફસરશાહી': ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું

PM મોદી વિશ્વના સૌથી ઉર્જાવાન નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા રશિયન વિદેશ મંત્રીએ તેમને દુનિયાના સૌથી ઉર્જાવાન નેતાઓ પૈકીના એક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, PM મોદીમાં અદભૂત ઉર્જા છે અને તેઓ તેનો ઉપયોગ અર્થતંત્ર, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા મહત્વના લક્ષ્યો હાંસલ કરવા માટે કરે છે. ભારત પોતાની સાર્વભૌમત્વ મજબૂત કરવાની દિશામાં જે રીતે આગળ વધી રહ્યું છે, તેમાં મોદીની મોટી ભૂમિકા છે.

'હિન્દી-રૂસી ભાઈ-ભાઈ' માત્ર નારો નથી

ભારત અને રશિયાના સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂકતા લાવરોવે કહ્યું કે 'હિન્દી-રૂસી ભાઈ-ભાઈ' હવે રાજકીય નારો મટીને બંને દેશોની સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. રશિયામાં ભારતીય સિનેમા અને કલાકારોની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે અને બંને દેશોના રસ્તાઓ ક્યારેય અલગ થઈ શકે તેમ નથી.

ભારત મુલાકાત અને મહત્વની બેઠકો

પોતાની મુલાકાત દરમિયાન લાવરોવ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ખાસ કરીને મધ્ય-પૂર્વની સ્થિતિ, BRICS અને G20 જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ગહન ચર્ચા થવાની શક્યતા છે.