રશિયાએ એક સપ્તાહમાં યુક્રેન પર 1900 ડ્રોન, 1600 બોંબ, 144 મિસાઇલો છોડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાઓમાં સૈન્ય લક્ષ્યાંકોની સાથે સામાન્ય નાગરિકોનાં ઘરો, શાળાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ નિશાન બનાવ્યું છે. સમગ્ર રાત રશિયાએ યુક્રેનનાં ઓડેસા સહિતનાં વિસ્તારોમાં હુમલા કર્યા હતાં.
યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં રશિયાએ યુક્રેનનાં ૧૬ વિસ્તારોમાં ૧૯૦૦ ડ્રોન, ૧૬૦૦ બોંબ અને ૧૪૪ મિસાઇલો છોડી હતી. જેના કારણે હજારો ઇમારતોને નુકસાન થયું છે જેમાં રહેણાંક ઇમારતો પણ સામેલ છે.
અનેક રેસિડેન્સિયલ ઇમારતોને નુકસાન થવાથી હજારો પરિવાર બેઘર અને અસુરક્ષિત થઇ ગયા છે. ઇમરજન્સી ટીમ સતત કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને આગને અંકુશમાં લેવાનું કાર્ય કરી રહી છે.
યુક્રેન એર ડિફેન્સ સિસ્ટમ મોટા ભાગનાં ડ્રોનોને રોકવામાં સફળ રહી છે પણ બેલેસ્ટિક મિસાઇલો સામે સુરક્ષા નબળી પુરવાર થઇ રહી છે. મિસાઇલો ઝડપથી આવતી હોવાથી તેમને રોકવી મુશ્કેલ હોય છે.
જેના કારણે રેસિડેન્સિયલ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું હોવાથી યુક્રેનનાં શહેરોમાં વીજળી, પાણી અને ટેલિકોમ્યુનિકેશનમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.
યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ ફરી એક વખત રશિયાનાં સંરક્ષણ ઉદ્યોગ પર કડક પ્રતિબંધો નાખવાની માંગ કરી છે. અનેક રશિયન કંપનીઓ ડ્રોન અને મિસાઇલો બનાવી રહી છે.
યુક્રેનનાં બ્લેક સી પોર્ટ્સ દેશનાં સૌથી મોટા વેપારી માર્ગો છે. અહીંથી મોટા પ્રમાણમાં ઘંઉ, મકાઇ, સૂર્યમુખી તેલ અને અન્ય સામગ્રી બીજા દેશોમાં મોકલવામાં આવે છે.
રશિયા આ પોર્ટ્સ પર દબાણ બનાવીને યુક્રેનની એક્સપોર્ટ સિસ્ટમને નબળી પાડવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. જો સમુદ્રી માર્ગે વસ્તુઓ મોકલવી મુશ્કેલ બનશે તો યુક્રેનની વિદેશી કમાણી ઘટી જશે અને યુદ્ધ દરમિયાન તેની આર્થિક મુશ્કેલીઓ વધી જશે.









