Get The App

ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા 1 - image


- 6 હજાર પગાર ધરાવતા એન્જિનિયરનાં અનેક મકાનો અને જમીનો

- કાયદેસરની આવક કરતા વધારે સંપતિ હોવાની ફરિયાદ મળ્યા પછી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

- બૈકુંઠનાથ બેહરા પાસે જમીનનાં 13 પ્લોટ જે પૈકી સાત પ્લોટ ભુવનેશ્વરમાં પ્રમુખ સ્થળોએ આવેલા છે

ભુવનેશ્વર: ઓડિશામાં વિજિલન્સ વિભાગની કાર્યવાહીમાં એક આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે. ૬ હજાર રૂપિયાનો પગાર મેળવતા એન્જિનિયર પાસેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. 

આ ઉપરાંત તેની પાસેથી અલગ અલગ જગ્યાઓ પર મકાન અને જમીન પણ મળી આવી છે. આ એન્જિનિયરનું નામ બૈકુંઠનાથ બેહરા છે. જે કંધમાલ જિલ્લાનાં બાલીગુડામાં ઇન્ટીગ્રેટેડ ટ્રાયબલ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આઇટીડીએ)નાં સહાયક કાર્યકરી તરીકે તૈનાત છે. તેની કાયદેસરની આવક કરતા વધારે સંપતિ હોવાની ફરિયાદ મળ્યા પછી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભુવનેશ્વરનાં વિશેષ વિજિલન્સ ન્યાયમૂર્તિની તરફથી જારી સર્ચ વોરેન્ટને આધારે  વિજિલન્સ ટીમોએ ભુવનેશ્વર, બારીપદા, જાજપુર જિલ્લાનાં ધર્મશાળા અને બાલીગુડામાં કુલ ૯ સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતાં.આ ટીમમાં બે એડિશનલ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ, પાંચ ડેપ્યુટી પોલીસ સુપ્રિટેન્ડેન્ટ,  છ નિરીક્ષકો અને અન્ય સહાયક કર્મચારીઓ સામેલ હતાં. 

ભુવનેશ્વરનાં નીલાદ્રી વિહારમાં ચાર માળની ઇમારત, શૈલાશ્રી વિહારમાં ત્રણ માળની ઇમારત, પટિયામાં બે માળનું મકાન મળી આવ્યું છે. જમીનનાં ૧૩ પ્લોટ પણ મળી આવ્યા છે. જેમાંથી સાત પ્લોટ ભુવનેશ્વરનાં પ્રમુખ સ્થળોએ આવેલા છે.  પરિવારજનોનાં લોકરોમાંથી કુલ બે કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ઉપરાંત ઘરમાંથી ૨.૬૬ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતાં.  સોનાનાં ઘરેણા, રોકાણ, પોસ્ટ સેવિંગ, બેંક ડિપોઝિટ વગેરેનું મૂલ્યાંકન કરવાનું કાર્ય ચાલુ છે.