India

રેવાડી મર્ડર મિસ્ટ્રી : પતિની હત્યાને આત્મહત્યા દર્શાવવાનું ષડયંત્ર, ડિલીટ ચેટ અને 49 કોલ્સે ખોલ્યો પત્નીનો ખોફનાક ભેદ

By GS Team
4 Jul 20264 mins read
TukuTouch Logo
રેવાડીમાં 21 વર્ષીય મોનુની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્ની તન્નુ અને તેના પ્રેમી સોનુએ અન્ય 2 સાથીઓ સાથે મળીને મોનુને બેભાન કરી નહેરમાં ફેંકી દીધો હતો. શરૂઆતમાં આત્મહત્યા મનાયેલા કેસમાં, મોબાઈલમાંથી રિકવર થયેલી ડિલીટ ચેટ અને 49 કોલ્સે હત્યાનો પર્દાફાશ કર્યો. પોલીસે તન્નુ અને હરિઓમની ધરપકડ કરી છે, જ્યારે સોનુ અને અમન ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેવાડી મર્ડર મિસ્ટ્રી : પતિની હત્યાને આત્મહત્યા દર્શાવવાનું ષડયંત્ર, ડિલીટ ચેટ અને 49 કોલ્સે ખોલ્યો પત્નીનો ખોફનાક ભેદ

Rewari Murder Mystery Wife And Lover Kill Husband : હરિયાણાના રેવાડીમાં એક યુવકના મોતને પહેલા આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ મોબાઈલમાંથી રિકવર થયેલી ડિલીટ ચેટ અને 49 કોલ્સે આખી કહાનીમાં નવો વળાંક લાવી દીધો છે. રેવાડી જિલ્લામાં ઘટેલી એક સનસનાટીભરી મર્ડર મિસ્ટ્રીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 21 વર્ષીય મોનુનું મોત કોઈ અકસ્માત કે આત્મહત્યા નહોતું, પરંતુ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ હતું. આરોપ છે કે, તેની પત્ની તન્નુએ તેના કથિત પ્રેમી સોનુ અને તેના સાથીદારો સાથે મળીને હત્યાની આખી પટકથા લખી હતી, જેથી કોઈને તેના પર શંકા પણ ન જાય.

પોલીસના જણાવ્યા મુજબ, યોજના હેઠળ પહેલા મોનુનું મોં અને નાક દબાવીને તેને બેભાન કરવામાં આવ્યો હતો. આ પછી તેને જીવતો જ નહેરમાં ફેંકી દેવામાં આવ્યો, જેથી પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ ડૂબી જવાનું સામે આવે. આત્મહત્યાનો માહોલ ઊભો કરવા માટે તેની સ્કૂટી પણ નહેરના કિનારે ઊભી રાખી દેવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં આ યોજના સફળ થતી દેખાઈ, અને પોલીસે તેને અકસ્માતનો મામલો માનીને મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો.પરિવારે પુત્રના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. બીજી તરફ, આરોપી પત્ની તન્નુ આખો સમય પતિના મોતનો શોક વ્યક્ત કરતી રહી. તે અંતિમ સંસ્કારમાં સામેલ થઈ, આંસુ વહાવ્યા અને 7મા દિવસ સુધીની તમામ ધાર્મિક વિધિઓમાં સામેલ થઈને પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરતી રહી.

ડિલીટ ચેટ અને 49 કોલ્સે પલટી નાખી આખી વાર્તા

આ આખી સ્ટોરીમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે પોલીસે 11 જૂનના રોજ મોનુનો મોબાઈલ પરિવારને સોંપ્યો. પરિવારે જોયું કે ફોનનો તમામ ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. આ જ વાતથી તેમના મનમાં પહેલી શંકા પેદા થઈ. પરિવારજનોએ સાયબર નિષ્ણાતોની મદદથી મોબાઈલનો ડિલીટ થયેલો ડેટા રિકવર કરાવ્યો. જ્યારે ચેટ અને કોલ ડિટેલ્સ સામે આવી ત્યારે, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોબાઈલમાં તન્નુ અને મોનુ વચ્ચેની વાતચીતના રેકોર્ડ મળ્યા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, 8 જૂન, એટલે કે મોનુના ગુમ થવાના દિવસે તેણે તન્નુને 49 વાર ફોન કર્યો હતો, જ્યારે બંને વચ્ચે માત્ર એક જ વાર આશરે 3 મિનિટ વાત થઈ હતી. પરિવારે તરત જ હોબાળો મચાવ્યો નહીં. તેમણે પુત્રની અંતિમ વિધિ પૂરી થવા સુધી ચુપકીદી સેવી રાખી, જેથી આરોપીને શંકા ન જાય. વિધિઓ પૂરી થયા પછી તેમણે પોલીસને રિકવર કરેલો ડેટા સોંપ્યો, અને હત્યાનો કેસ નોંધી તપાસ કરવાની માંગ કરી.

પેટના દુખાવાનું બહાનું, સેલરીના પૈસા અને મોતની જાળ

મૃતકના પરિવારના જણાવ્યા મુજબ, 7 જૂનના રોજ મોનુ પત્ની તન્નુને તેના પિયરમાં લેવા જવાનો હતો. આરોપ છે કે, તન્નુએ તેને કહ્યું હતું કે, તે પોતાની સેલરીના પૈસા લઈને જ આવે. 8 જૂનના રોજ પગાર મળ્યા પછી, મોનુએ પૈસા ઉપાડ્યા, અને ઘરના લોકોને પેટના દુખાવાનું બહાનું બતાવી દવા લેવા જવાનું કહીને સ્કૂટી લઈને નીકળી ગયો. પરિવારનો દાવો છે કે, ચેટમાંથી ખબર પડી કે, તન્નુએ જ તેને મળવા માટે બોલાવ્યો હતો. જ્યારે તે ઘરે ન આવ્યો તો, 9 જૂનના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી. બીજા દિવસે આસલવાસ પાસે નહેરમાંથી તેનો મૃતદેહ મળ્યો. શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા અને સ્કૂટી પણ નહેરના કિનારે ઊભેલી મળી હતી. આ જ કારણે પોલીસે શરૂઆતમાં તેને અકસ્માત કે આત્મહત્યા માની હતી.

પરિવારે બાદમાં આરોપ લગાવ્યો કે, તન્નુ અને તેના પરિવારે શરૂઆતથી જ મોનુ તેમના ત્યાં નથી આવ્યો, અને કોઈપણ પ્રકારની વાતચીત થઈ હોવાની વાતનો પણ ઈનકાર કર્યો. જોકે, મોબાઈલ મળ્યા પછી તન્નુના પિતાએ સ્વીકાર્યું કે, 8 જૂનના રોજ બંને વચ્ચે 3 મિનિટ વાતચીત થઈ હતી. તેમણે જણાવ્યું કે, તન્નુએ કહ્યું હતું કે, મોનુ મિત્રો સાથે ફરવા જઈ રહ્યો છે, અને તેને મળવા બોલાવી રહ્યો હતો.

એસપી સુધી પહોંચ્યો પરિવાર, પછી ખુલી ષડયંત્રની પોલ

પરિવારનો આરોપ છે કે, મોબાઈલમાંથી મળેલા પુરાવા આપવા છતાં, શરૂઆતમાં આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો નહોતો. તેઓ પહેલા 21 જૂન અને પછી 30 જૂનના રોજ ડીએસપીને મળ્યા, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. આખરે 2 જુલાઈના રોજ એસપીને મળ્યા પછી મામલાએ ગતિ પકડી, અને પોલીસે તપાસ તેજ કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં તન્નુએ સ્વીકાર્યું કે 8 જૂનના રોજ તેણે મોનુને ફોન કરીને બોલાવ્યો હતો. ત્યાં પહેલાથી જ ઘાત લગાવીને બેઠેલા તેના કથિત પ્રેમી સોનુ, અને તેના સાથીઓ હરિઓમ તથા અમને મોનુને પકડી લીધો. આરોપ છે કે, ત્રણેય જણાએ તેનું મોં અને નાક દબાવીને તેને બેભાન કર્યો અને પછી નહેરમાં ફેંકી દીધો.

ડીએસપી સુરેન્દ્ર શ્યોરાણે જણાવ્યું કે, તન્નુ અને પ્રેમી સોનુના સાથી હરિઓમની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય આરોપી સોનુ અને તેનો બીજો સાથી અમન હજુ ફરાર છે. તેમની શોધમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, આરોપી મહિલાએ પ્રેમી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડવાની વાત સ્વીકારી છે. જોકે, આ મામલાના તમામ તથ્યોની તપાસ ચાલુ છે, અને તપાસમાં સામે આવનારા પુરાવાઓના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, મૃતકના માતા-પિતાએ આરોપી પત્ની અને તેના કથિત પ્રેમીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.