11 જૂનથી ડીઝલનાં વેચાણ પર નિયંત્રણો
હોસ્પિટલો, આઇટી કેમ્પસ, ડેટા સેન્ટરો, ઔદ્યોગિક એકમો ઇમરજન્સી સમયે ડીઝલ જનરેટર પર ખૂબ વધારે નિર્ભર
આ તમામ સંસ્થાઓ ઇમરજન્સી બેક અપ માટે અને વધારે માંગવાળા સમયમાં વિજળીનાં નિયમિત સ્ત્રોત સ્વરૂપે પણ ડીઝલ જનરેટર પર ખૂબ વધારે નિર્ભર રહે છે.
સરકારે ૧૧ જૂનથી ઔદ્યોગિક, કોમર્શિયલ અને સંસ્થાકીય ગ્રાહકો માટે પેટ્રોલ પંપો પરથી ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રિટેલ આઉટલેટ પરથી ડીઝલનું વેચાણ પ્રતિ વાહન કે પ્રતિ ગ્રાહક ૨૦૦ લિટર સુધી મર્યાદિત કરી દીધું છે. આ પગલાનો ઉદ્દેશ સપ્લાય બચાવવો અને રિટેલ ગ્રાહકો માટે બનેલા ઇંધણનો ખોટો ઉપયોગ રોકવાનો છે.
ઇન્ડસ્ટ્રીનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ પ્રતિબંધોને કારણે એ સેક્ટરોમાં ઇંધણની ખરીદીમાં અવરોધ આવી શકે છે જ્યાં કામકાજ માટે ડીઝલ જનરેટર ખૂબ જ જરૂરી છે.
હોસ્પિટલોને સૌથી વધારે અસર થઇ શકે છે. મોટા હેલ્થકેર સેન્ટર સામાન્ય રીતે અનેક ડીઝલ જનરેટર સેટ રાખે છે. જે ગ્રીડમાં ખામી સમયે સમગ્ર કેમ્પસને વીજળી આપી શકે છે.


