India

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ

By GS Team
18 Jun 20263 mins read
TukuTouch Logo
હરિયાણાના રોહતકમાં એક ગ્રાહક પાસેથી જૂતાંની સાથે 10 રૂપિયાની કેરી બેગ માટે પૈસા ઉઘરાવવા પ્રખ્યાત ફૂટવેર બ્રાન્ડ 'રેડ ટેપ' (Red Tape)ને ભારે પડી ગયા છે. ત્રણ વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ હરિયાણા ગ્રાહક આયોગે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આયોગે આ વધારાના ચાર્જને ગેરવાજબી ઠેરવીને રેડ ટેપને બેગના 10 રૂપિયા પરત કરવાની સાથે ગ્રાહકને 8000 રૂપિયાનું વળતર અને કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ

Red Tape Fined 8000 Rupees For Charging 10 Rupees Carry Bag: હરિયાણાના રોહતકમાં એક ગ્રાહક પાસેથી જૂતાંની સાથે 10 રૂપિયાની કેરી બેગ માટે પૈસા ઉઘરાવવા પ્રખ્યાત ફૂટવેર બ્રાન્ડ 'રેડ ટેપ'(Red Tape)ને ભારે પડી ગયા છે. ત્રણ વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ હરિયાણા ગ્રાહક આયોગે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આયોગે આ વધારાના ચાર્જને ગેરવાજબી ઠેરવીને રેડ ટેપને બેગના 10 રૂપિયા પરત કરવાની સાથે ગ્રાહકને 8000 રૂપિયાનું વળતર અને કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

એક અહેવાલ પ્રમાણે 1 એપ્રિલ 2023ના રોજ રોહતકના એક 27 વર્ષીય યુવકે રેડ ટેપ લિમિટેડના આઉટલેટમાંથી 2,069.70 રૂપિયાના બ્લેક કલરના જૂતાં ખરીદ્યા હતા. બિલિંગ કરતી વખતે આઉટલેટે કેરી બેગ માટે અલગથી 10 રૂપિયા વસૂલ્યા હતા. ગ્રાહકે જ્યારે મફતમાં બેગ આપવાની માગ કરી, ત્યારે કર્મચારીઓએ કંપનીની પોલિસીનો હવાલો આપીને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

આ બાબતથી નારાજ થઈને ગ્રાહકે ગ્રાહક ફોરમ(કન્ઝ્યુમર ફોરમ)નો દરવાજો ખખડાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે બેગ માટે પૈસા વસૂલવા એ ગેરકાનૂની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ગ્રાહકે ફોરમ સમક્ષ વિનંતી કરી હતી કે તેમને માનસિક ત્રાસ બદલ 50,000 રૂપિયાનું વળતર અને કાનૂની ખર્ચ પેટે 22,000 રૂપિયા અપાવવામાં આવે.

કંપનીએ 'પર્યાવરણ બચાવો'ની દલીલ આપી

આ મામલે રેડ ટેપનો પક્ષ રજૂ કરી રહેલા વકીલ મુકેશ સિંહે ફરિયાદ ફગાવી દેવાની અપીલ કરી હતી. કંપનીની દલીલ હતી કે, કેરી બેગનો ચાર્જ લેવાનો હેતુ ગ્રાહકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો, વૃક્ષો બચાવવાનો અને કેરી બેગના વપરાશને ઓછો કરવાનો હતો. કંપનીએ કહ્યું કે, 'જ્યારે બેગ મફતમાં આપવામાં આવે છે ત્યારે ગ્રાહકો તેનો દુરુપયોગ કરે છે. શોરૂમની બહાર આ અંગેની સૂચના પહેલેથી જ આપવામાં આવી હતી કે ગ્રાહકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પોતાની બેગ જાતે લાવી શકે છે.'

કંપનીની દલીલ હતી કે, 'બેગ ખરીદવી એ કોઈ પણ ગ્રાહક માટે ફરજિયાત નહોતું, પરંતુ તે સંપૂર્ણપણે ગ્રાહકોની સહમતિ પર નિર્ભર હતું. આ ઉપરાંત બેગ પર કોઈ બ્રાન્ડિંગ નહોતું, જેનાથી કંપનીની જાહેરાત કે પ્રચાર થઈ રહ્યો હોય.'

સામાન આપવો કંપનીની જવાબદારી: ગ્રાહકના વકીલની દલીલ

બીજી તરફ ગ્રાહક વતી હાજર રહેલા વકીલ સંદીપ કુમારે પોતાની જોરદાર દલીલમાં કહ્યું હતું કે કોઈ પણ કંપની બેગની કિંમત નહીં વસૂલી શકે. તેમણે કહ્યું કે ગ્રાહકોને 'ડિલિવરી યોગ્ય સ્થિતિમાં' સામાન સોંપવો એ દુકાનદારો અને કંપનીઓની મૂળભૂત ફરજ છે. વેપારના સંચાલન હેઠળ દુકાનદારોએ આવી બેગનો ખર્ચ જાતે જ ઉઠાવવો જોઈએ, કારણ કે આ એક બેઝિક કસ્ટમર સર્વિસનો ભાગ છે.

ગ્રાહક આયોગે શું ચુકાદો આપ્યો?

હરિયાણા ગ્રાહક આયોગના પ્રમુખ નાગેન્દ્ર સિંહ કાદિયાન અને સભ્ય તૃપ્તિ પન્નુ તથા ડૉ. વિજેન્દ્ર સિંહની બેન્ચે 12 જૂનના રોજ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આયોગે નોંધ્યું કે રેડ ટેપના પોતાના સોગંદનામામાં (એફિડેવિટમાં) જ એવી બાબતો સામેલ હતી, જે એ વાતનો સ્વીકાર કરે છે કે કેરી બેગ માટે કારણ વગર પૈસા વસૂલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા

અદાલતે તેને સેવામાં ખામી અને ગેરવાજબી વેપાર વ્યવહાર ગણાવ્યો હતો. આયોગે રેડ ટેપને આદેશ આપ્યો છે કે તે કેરી બેગના 10 રૂપિયા રિફંડ કરો. આ ઉપરાંત 30 દિવસની અંદર સેવામાં ખામીના વળતર પેટે 4,000 રૂપિયા અને કાનૂની ખર્ચના 4,000 રૂપિયા (કુલ 8,000 રૂપિયા) ગ્રાહકને ચૂકવવામાં આવે.

આ નિર્ણય મહત્ત્વપૂર્ણ કેમ છે?

આ ચુકાદો ગ્રાહકોની જાગૃતિ અને તેમના અધિકારોની તાકાત દર્શાવે છે. 10 રૂપિયાની એક સામાન્ય કેરી બેગથી શરૂ થયેલો આ વિવાદ ગેરવાજબી વેપાર પ્રથા સામે એક મોટી મિસાલ બની ગયો છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે ગ્રાહક સુરક્ષા અને તેમના અધિકારોની લડાઈમાં વિવાદિત રકમ કેટલી નાની છે તે મહત્ત્વનું નથી, પરંતુ આ મામલા સાથે જોડાયેલા સિદ્ધાંતો વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.