RBI's Big Update On ₹2000 Notes : ભારતીય રિઝર્વ બૅંક દ્વારા વર્ષ 2023માં રદ કરાયેલી 2000 રૂપિયાની ગુલાબી નોટો 100 ટકા રિટર્ન થઈ નથી. વર્ષ 2025ના છેલ્લા દિવસોના આંકડા સામે આવ્યા છે. જેમાં RBIએ રૂ.2000ની નોટને લઈને મોટી અપડેટ આપતાં જણાવ્યું હતું કે, રૂ.5,669 કરોડની ગુલાબી નોટો હજુ પણ લોકો પાસે છે. જેમાં નોટો રિટર્ન સુવિધા લાગુ હોવા છતાં લોકો દ્વારા તેને પરત કરવાની ગતિ ધીમી પડી છે.
હજુ પણ રૂ.5,669 કરોડની નોટો લોકો પાસે
RBI રૂ.2000ની નોટોને લઈને જણાવ્યું છે કે, 19 મે, 2023માં બંધ કરવામાં આવેલી ગુલાબી નોટોની સંપૂર્ણપણે વાપસી થઈ નથી. તે સમયે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો હયાત હતી અને છેલ્લે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં કુલ 98.41 ટકા નોટો જ રિટર્ન થઈ છે.
બે મહિનામાં માત્ર રૂ.148 કરોડની નોટો રિટર્ન
જે-તે સમયે રૂ.2000ની નોટો બંધ કર્યા બાદ RBIએ લોકોને આ નોટો જમા કરવા માટે સુવિધા કરી હતી. જેમાં શરુઆતના તબક્કામાં નોટોને જમા કરવાની ઝડપ વધુ હતી. જોકે, આ ગતિ હવે બહુ ધીમી પડી ગઈ છે. આમ, છેલ્લા બે મહિનાના આંકડા પર નજર નાખીએ તો, 31 ઑક્ટોબરમાં બજારમાં આ નોટોની હાજરીનો આંકડો 5,817 કરોડ રૂપિયા જેટલો હતો.
એટલે એવું જણાય છે કે, હજુ પણ કેટલાક લોકો મોટાપાયે ગુલાબી નોટ દબાવીને બેઠા છે. તેવામાં આ બે મહિના દરમિયાન કુલ 148 કરોડ રૂપિયાની કિંમતની નોટો રિટર્ન થઈ છે. તમને જણાવી દઈએ કે, RBIએ સ્પષ્ટતા કરી હતી કે, ચલણમાંથી બહાર કરાયેલી આ 2000 રૂપિયાની નોટો સંપૂર્ણ રીતે પાછી ખેંચી લેવામાં આવે ત્યાં સુધી લીગલ ટેન્ડર ચાલુ રહેશે.
કેમ બંધ કરવામાં આવી ગુલાબી નોટો?
નવેમ્બર 2016માં જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટોની નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સેન્ટ્રલ બૅંકે આ મોટી ચલણી નોટો રજૂ કરી હતી. નોટબંધીની અસર ઓછી થયા પછી અને બજારમાં પૂરતી માત્રામાં અન્ય મૂલ્યની નોટો ઉપલબ્ધ થયા બાદ સેન્ટ્રલ બૅંકે 19 મે, 2023ના રોજ ક્લીન નોટ પોલિસી હેઠળ ચલણમાંથી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
હજુ પણ બદલી શકાશે ગુલાબી નોટો
રૂ.2000ની નોટને ચલણમાંથી બહાર કાઢ્યા બાદ RBIએ 7 ઑક્ટોબર, 2023માં લોકોને બધી બૅંકોમાં જઈને નોટો બદલવાની સુવિધા આપી હતી અને બજારમાં ગુલાબી નોટોની સંખ્યા ઓછી થયા પછી કેન્દ્રીય બૅંકે બૅંકોની જગ્યાએ RBIના 19 કાર્યાલય સુધી વાપસી પ્રક્રિયા સિમિત કરી હતી. જ્યાં હજુ પણ આ નોટોને બદલી શકાય છે.
આ પણ વાંચો: અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ
આ કાર્યાલયોમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ કાર્યાલયનો સમાવેશ થાય છે. આ સાથે કોઈપણ પોસ્ટ ઑફિસના માધ્યમથી રૂ.2000ની નોટો મોકલવાની સુવિધા છે.


