Today Gold Silver Price In India : અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવાના અને બંને દેશો વચ્ચે સૈન્ય ઘર્ષણના સમાચાર સામે આવ્યા બાદ રોકાણકારો સતર્ક થઈ ગયા છે, જેના કારણે આજે પાંચમી જાન્યુઆરીએ સોના-ચાંદીની કિંમતોમાં રૉકેટ વધારો થયો છે. વૈશ્વિક ટેન્શનને ધ્યાને રાખીને રોકાણકારોએ શેર માર્કેટથી દૂર રહેવાનો અને સોના-ચાંદીમાં સુરક્ષિત રોકાણ કરવાનું વલણ અપનાવ્યું છે. સુરક્ષિત રોકાણ કરનારાઓએ સોનાનો ભાવ રૂ.1.37 લાખ અને ચાંદીની કિંમત રૂ.2.43 લાખ પર પહોંચાડી દીધી છે.
સોનાના ભાવમાં 1.47 ટકાનો વધારો
MCX પર ‘ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર’માં આજે જોરદાર વધારો જોવા મળ્યો છે. બપોરે દોઢ વાગ્યે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1.47 ટકા વધીને 1,37,750 રૂપિયા પર પહોંચી ગઈ છે. જોકે આ આંકડો ડિસેમ્બર-2025ના રૅકોર્ડ લેવલથી 1,40,465 રૂપિયા નીચે છે.
ચાંદી પણ ચમકી
આજે ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ પર ‘સિલ્વર માર્ચ ફ્યુચર’ 2.92 ટકા વધારાની સાથે 2,43,233 રૂપિયે પ્રતિ કિલો પર ટ્રેડ કરતો જોવા મળ્યો છે. આજે પ્રતિ કિલો ચાંદીની ભાવમાં એક જ દિવસમાં લગભગ રૂપિયા 6800થી વધુનો વધારો જોવા મળ્યો છે. જોકે આ આંકડો ડિસેમ્બર-2025ના ઑલ ટાઇમ હાઇ 2,54,174 રૂપિયાથી નીચે છે.
ડૉલર સામે રૂપિયો ગગડ્યો, અસર સોના-ચાંદી પર પડી
અમેરિકામાં ‘સ્પોટ ગોલ્ડ’ પ્રતિ ઔશ લગભગ 1.5 ટકા વધ્યું છે, જેના કારણે તેની કિંમત 4395 ડૉલર પર પહોંચી છે. જ્યારે ‘ગોલ્ડ ફ્યુચર’ પ્રતિ ઔશ 4418 ડૉલર પર ટ્રેડ થતું જોવા મળ્યું છે. રશિયા-યુક્રેન વાતચીતમાં અનિશ્ચિતતા અને ડૉલર સામે રૂપિયો ગગડતા, તેની અસર સ્થાનિક માર્કેટમાં સોના-ચાંદીના ભાવ પર પડી છે.


