Get The App

કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત 1 - image

- બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વોત્તર ભારતના વાતાવરણને અસર કરશે

- હિમાલચના પાંચ જિલ્લામાં વરસાદ અને કરાં પડવાની શક્યતાથી ઓરેન્જ એલર્ટ : અટલ ટનલ પાસે હિમસ્ખલનની ભીતિ

નવી દિલ્હી : હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ હોવાથી દેશના અનેક રાજ્યોમાં હવામાન પલટાયું હતું. આગામી દિવસોમાં હજુય તેની તીવ્ર અસર રહેવાની હોવાથી ઘણાં રાજ્યોમાં વરસાદ પડશે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં વરસાદ અને કરાં પડવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેશે તેના કારણે તાપમાન થોડું ઘટશે. દક્ષિણ ભારતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આશંકા છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં અમુક સ્થળોએ કરાં પડયા હતા. હજુય બે-ત્રણ દિવસ વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ એક સાથે સક્રિય થઈ હોવાથી દેશભરમાં તેની અસર થશે. તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદ પડી શકે છે. કાશ્મીરના પહાડો પર બરફવર્ષાની સાથે વરસાદ પણ થયો હતો. હિમાચલ પ્રદેશમાં કરાંનું તોફાન ત્રાટકે તેવી ભીતિ હોવાથી પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર થયો હતો. અટલ ટનલની નજીકમાં ભૂસ્ખલનની શક્યતા હોવાતી ચેતવણી આપવામાં આવી હતી. ટનલની આસપાસમાં ટૂરિસ્ટ એક્ટિવિટીને બંધ કરી દેવામાં આવી છે. 

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં વરસાદની સાથે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. વીજળી પડવાથી બે બાળકોનાં મોત થયા હતા. બે બાળકો પર વીજળી પડતાં તેમને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર આપવામાં આવી રહી છે. તે સિવાયના સ્થળોએ પણ વીજળી પડવાના બનાવો નોંધાયા હતા, પરંતુ સદ્ભાગ્યે કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી. પાટનગર દિલ્હીમાં ધૂળની ડમરી ઉડયા બાદ હળવો વરસાદ પડતાં રાહત થઈ હતી. દિલ્હીનું તાપમાન ૩૩ ડિગ્રી રહ્યું હતું, પરંતુ વરસાદ પડતાં બપોર પછી તાપમાનનો પારો ગગડયો હતો. એક-બે દિવસ તાપમાન ઓછું રહેશે, પરંતુ પછીથી ફરી તાપમાન વધશે. ઉત્તર ભારતના  રાજ્યોમાં હવામાનનો ફેરફાર નોંધાયો હતો. માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહી હતી તેના કારણે કેટલાક સ્થળોએ વરસાદ પડયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે એપ્રિલ મહિનામાં પણ તાપમાનમાં અસર થતી રહેશે. 

મેડિટેરિયન સમુદ્ર, કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાથી ભારતના વાતાવરણમાં તેની અસર થશે.