India

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત, 9 લોકોના મોત, 50થી વધુ માર્ગો બંધ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશમાં ચોમાસાના આગમનથી ઠંડક પ્રસરી છે, પણ મુશ્કેલીઓ વધી છે. શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં 4 લોકોનાં મોત થયાં છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 50 રસ્તાઓ બંધ થયા છે અને 42 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. આ સાથે 9 લોકોના જીવ ગયા છે. આગામી દિવસોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત, 9 લોકોના મોત, 50થી વધુ માર્ગો બંધ
IMAGE - X/DDNewsGujarati

Himachal Monsoon Updates: હિમાચલ પ્રદેશમાં ચોમાસાના આગમન સાથે જ લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ તેની સાથે જ મુશ્કેલીઓમાં પણ મોટો વધારો થયો છે. રાજ્યના શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે. આ સિવાય રોહતાંગ, બારાલાચા અને શિંકુલા પાસમાં હળવી બરફવર્ષા અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ખેડૂતોને ડાંગર અને મકાઈની વાવણીમાં મોટી રાહત મળી છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 50 રસ્તાઓ બંધ, વીજળી ગુલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 50 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત 42 ટ્રાન્સફોર્મર બગડી જવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ચંબા જિલ્લાના ભરમોરમાં સિયૂંર નાળામાં પૂર આવતાં ગ્રીમા તરફ જતો રોડ 60 ફૂટ જેટલો વહી ગયો હતો, જેનાથી હોલી-સિયૂંર-ગ્રીમા માર્ગ ઠપ થઈ ગયો છે. ચંબા-ભરમોર નેશનલ હાઈવે પણ ભૂસ્ખલનને કારણે આશરે ચાર કલાક સુધી બંધ રહ્યો હતો. બિલાસપુરમાં રસ્તાઓ પર માટી અને પથ્થરો આવી જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

પહાડી પરથી પથ્થર પડતા કંડક્ટરનું મોત

લાહૌલ-સ્પીતિ જિલ્લામાં એચઆરટીસી (HRTC) કેલંગ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર ઉદયપુરથી મયાડ ઘાટી રૂટ પર ગયા હતા. સવારે ઉદયપુર પરત ફરતી વખતે કંડક્ટર જ્ઞાન સિંહ એક વાવ પાસે બ્રશ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પહાડી પરથી એક મોટો પથ્થર તેમના માથા પર પડ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કરંટ લાગવાથી અને લપસી જવાથી અન્ય ત્રણના મોત

બીજી તરફ શિમલાના રામપુરના નિરસુ ગામ પાસે ચોમાસાના વરસાદ વચ્ચે રસ્તા પર પડેલા લોખંડના પાતળા તારમાં કરંટ ઉતરતા એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. કાંગડા જિલ્લાના દેહરામાં નાની ઈલેક્ટ્રિક મોટર લગાવતી વખતે કરંટ લાગવાથી એક પ્લમ્બરે જીવ ગુમાવ્યો હતો. જ્યારે ચંબા જિલ્લાના અગાહર ગામમાં પગ લપસી જતાં ખીણમાં પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું.

ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત

આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં ચોમાસું બેઠા પછી અત્યાર સુધીમાં અલગ-અલગ અકસ્માતોમાં કુલ 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં 4 લોકોના લપસીને પડવાથી, 1 વ્યક્તિનું ડૂબી જવાથી, 1નું કરંટ લાગવાથી અને 3 લોકોના અન્ય કારણોસર મોત થયા છે. આ સિવાય 7 કાચા મકાનોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.

ચાર જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ અને યલો એલર્ટ'

હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં કાંગડા અને મંડીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કુલ્લુ, શિમલા, સિરમૌર અને ઊના જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. વરસાદ અને બરફવર્ષાના કારણે દિવસના તાપમાનમાં આશરે 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.