રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને કર્યા સવાલ, કહ્યુ 'વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર પાછળ કોણ?'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Press Conference : લોકસભામાંથી ‘એન્ટી પેપર લીક બિલ’ પસાર થયા બાદ કોંગ્રેસ નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમને પોતાની વાત રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો નથી.
સંસદથી 500 મીટર દૂર વિદ્યાર્થીઓ પર અત્યાચાર: રાહુલ ગાંધી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાંચ તસવીરો દર્શાવતા રાહુલ ગાંધીએ આક્રોશ વ્યક્ત કર્યો કે, 'સંસદથી માત્ર 500 મીટરના અંતરે ભારતના ભવિષ્ય સમાન યુવાનો અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો. વિપક્ષના નેતા તરીકે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવો, એ મારો અધિકાર છે, પરંતુ ગૃહમાં મને મારી વાત પૂરી કરવા દેવામાં ન આવી.'
કેન્દ્રીય ગૃહમંત્રીને રાહુલ ગાંધીના સીધા સવાલ
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, તેમણે 25 જુલાઈના રોજ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર પણ લખ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા ગૃહમંત્રીને સતત બ્રિફિંગ આપવામાં આવી રહ્યું હતું, અને તેમણે પોતે ગૃહમંત્રીને દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે વાત કરતા જોયા હતા. સવાલો ઉઠાવતા રાહુલે કહ્યું કે, 'જો ગૃહમંત્રીને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાની જાણ નહોતી, તો તે અત્યંત ગંભીર બાબત છે, અને જો તેમને જાણ હતી, તો પછી અત્યાર સુધી જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કેમ ન કરવામાં આવી? જો કેન્દ્રીય ગૃહમંત્રીએ આદેશ આપ્યો હોય કે, પછી તેમને આ બાબતની જાણ જ ન હોય, બંને સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ.'
રાહુલના આરોપ પર ભાજપનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને તેમના તમામ આરોપો પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 'દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવવામાં આવી નથી, અને ન તો કોઈએ આવો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે.' કટાક્ષ કરતા ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી ક્યારેય વિદેશ ભાગી જતા નથી.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓનું અપમાન કર્યુઃભાજપ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવીને દેશના યુવાનોનું અપમાન કર્યું છે. વિદ્યાર્થીઓ કોઈ 'ઈડિયટ' કે 'અંધભક્ત' નથી.'
ભારે હંગામા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પસાર
ઉલ્લેખનીય છે કે, બુધવારે લોકસભામાં ભારે હંગામા અને લાંબી ચર્ચા બાદ 'એન્ટી પેપર લીક બિલ' પસાર કરી દેવામાં આવ્યું હતું. સવારે વિપક્ષના વિરોધના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. કાર્યવાહી શરૂ થયા બાદ ફરી બિલ પર ચર્ચા થઈ હતી, પરંતુ યોગ્ય રીતે રજૂઆત કરવાનો મોકો ના મળતા રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં જ પત્રકાર પરિષદ બોલાવી હતી.









