જોવાનું તે રહે છે કે CPEC હવે કેટલો સમય ટકશે
બલુચિસ્તાનમાં તો છેલ્લા કેટલાય મહિનાઓથી સશસ્ત્ર જંગ ચાલે છે, પાકિસ્તાન કહે છે ભારત જ તે વિદ્રોહીઓને શસ્ત્રો અને પૈસા આપે છે
નવી દિલ્હી: લગભગ ભૂખેમરતાં અને ખાલી ખિસ્સા વાળા પાકિસ્તાનમાં જનતા શહબાઝ શરીફ સરકાર સામે જંગી ચઢી છે. તેમાંએ ચીનના ત્સિયાનથી શરૂ કરી દક્ષિણ પૂર્વ તાર્તારીના રણપ્રદેશના છેડે રહેલાં ચારકંધકાશ્મગર ખોતાન અને ત્યાંથી મર્વ થઈ દક્ષિણે કહેવાતાં આઝાદ કાશ્મીરના માર્ગે થઇ પેશાવરથી બલુચિસ્તાનનાં ક્વેટા અને કલાન થઇ છેક દક્ષિણ પશ્ચિમનાં બંદરગાહ સુધી પહોંચતા ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરનાં (સીપીઇસી)ની સામે પાકિસ્તાનની જ જનતા રણે ચઢી છે. તેનાા નેતાઓનું કહેવું છે કે આ દ્વારા ચીન પાકિસ્તાનને તેનું ખંડીયું રાજ્ય બનાવી દેશે. પરિણામે પાકિસ્તાનના પખ્તુનિસ્તાનનાં પેશાવરથી શરૂ કરી ઉત્તર સિંધનાં શહેરો તેમજ ખુદ કરાંચીમાં પણ શરીફ સરકાર સામે વિરોધ વંટોળ જાગ્યો છે. સિંધનાં સક્કર, મીરપુર, સિંધ હૈદરાબાદમાં પણ વ્યાપક રમખાણો શરૂ થઇ ગયાં છે. રમખાણકારો પૂરેપૂરા સશસ્ત્ર છે અને પાકિસ્તાનના સલામતી દળો, પોલીસ તથા લશ્કરી જવાનો સામે પણ રીતસર યુદ્ધ જ ખેલી રહ્યા છે. સમગ્ર પાકિસ્તાનના ૧૪ શહેરોમાં મળી હજી સુધીમાં ૪૮ વિસ્ફોટો નોંધાયા છે. ક્વેટાથી પેશાવર જતી ટ્રેનના પાટા ઉખેડી નખાતાં ટ્રેન અટકી પડી હતી અને તેના યાત્રીઓને બહાર કાઢી ટ્રેન જવા દેવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
વાસ્તવમાં છેલ્લા કેટલાયે મહિનાઓથી બલુચ લિબરેશન આર્મી (બીએલએ) અને પાક. સેના વચ્ચે યુદ્ધ જ ચાલી રહ્યું છે. તે શુક્રવાર સાંજથી તો અત્યંત ઉગ્ર બની ગયું છે. બલુચિસ્તાનના ક્વેટા, ગ્વાદર, મકરાન, હબચમન અને નુશ્કી જેવાં મુખ્ય શહેરોમાં તો યુદ્ધની જ પરિસ્થિતિ નિર્મિત થઇ ગઇ છે. ઉગ્રવાદીઓે પોલીસ ચોકીઓ, અર્ધસૈનિક દળો, ઉપર હુમલા કર્યા છે.
સિંધમાં ચાઈનીઝ ભાષા શીખવાડવા આવેલા ચીની શિક્ષકો અને પ્રોફેસરો પર વારંવાર થતા હુમલાને લીધે બૈજિંગમાં પાકિસ્તાનના રાજદૂતને ચીની વિદેશ મંત્રાલયમાં બોલાવી રીતસર ખખડાવી નાખ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
કેટલાક નિરીક્ષકો કહે છે કે મૂળભૂત રીતે ગોબીના રણના છેડેથી શરૂ થયેલો આ ઇકોનોમિક કોરિડોર પૂર્વતાતારી (ચીનના ઝીંગઝીયાના)ના રણ પ્રદેશમાં થઇ મધ્ય એશિયાના અર્ધરણમાં થઇ પાકિસ્તાનના જ સૂકા પ્રદેશમાંથી પસાર થાય છે. ત્યાં ઇકોનોમીક જેવું જ શું છે ? વાસ્તવમાં ચીન તે દ્વારા બલુચિસ્તાનમાંથી પ્રાપ્ત થતાં દુર્લભ ખનિજો ખેંચી જવા માગે છે તે સામે જનતાનો વિદ્રોહ છે.


