President Trump and PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પરનો રેસીપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ PM મોદીએ પણ પોસ્ટ શેર કરી આભાર માન્યો હતો.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે.
ટેરિફમાં મોટો ઘટાડો
ટ્રમ્પે અમેરિકા દ્વારા ભારત પર લેવામાં આવતા રેસીપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) ને 25% થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે. સામે પક્ષે, ભારત પણ અમેરિકા સામેના તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને 'શૂન્ય' કરવા માટે આગળ વધશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું;-'મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટકા ટેરિફ
ટ્રમ્પની પોસ્ટ બાદ વડાપ્રધાન મોદીએ પણ X પર પોસ્ટ કરી હતી, જેમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો, મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ.
$500 બિલિયનનો વેપાર
ભારતે અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ અને કોલસા સહિતના વિવિધ ક્ષેત્રોમાં $500 બિલિયન ડોલરથી વધુની ખરીદી કરવાની ખાતરી આપી છે. આ સાથે જ પીએમ મોદીએ "બાય અમેરિકન" (Buy American) ના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે પણ સહમતિ દર્શાવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ શેર કરી શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Truth Social પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની વાત હતી. અમે વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત સહિત અનેક બાબતો પર ચર્ચા કરી. તેઓ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી ઘણું વધારે તેલ ખરીદવા માટે સંમત થયા છે. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જ્યાં અત્યારે દર અઠવાડિયે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે!’
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘તાત્કાલિક અસરથી અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે એક વ્યાપાર સોદા પર સહમતિ સાધી છે, જેના દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઘટાડેલો રેસિપ્રોકલ ટેરિફ (પરસ્પર ટેક્સ) વસૂલશે, જેને 25% થી ઘટાડીને 18% કરવામાં આવશે. તેઓ એ જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના તેમના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને શૂન્ય (ZERO) કરવા તરફ આગળ વધશે.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ 500 અબજ ડોલરથી વધુના યુ.એસ. એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પ્રોડક્ટ્સ ખરીદવા ઉપરાંત મોટા પાયે ‘બાય અમેરિકન’ (અમેરિકન વસ્તુઓ ખરીદવા) માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.
અમેરિકાએ ભારત માટે આયાત ડ્યુટી (ટેરિફ) 25% થી ઘટાડીને 18% કર્યો: ટ્રમ્પે પોસ્ટ શેર કરી કર્યું એલાન

ટ્રમ્પે ગત વર્ષ 2025માં ભારત પર વેપાર ખાધનો આરોપ લગાવીને 25% ટેરિફ લાદ્યો હતો. જે બાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવી દીધો હતો. ત્યારથી ભારત અને અમેરિકા સંબંધમાં વધુ ખટાશ આવી હતી.


