Get The App

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
President Murmu's Vrindavan Visit

President Murmu's Vrindavan Visit: વૃંદાવનમાં વાંદરાઓનો ત્રાસ હવે સુરક્ષા એજન્સીઓ માટે પણ મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના આગામી ત્રણ દિવસીય પ્રવાસ પહેલાં વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. વૃંદાવનના વાંદરાઓ પ્રવાસીઓના ચશ્મા ઝૂંટવી લેવા માટે જાણીતા છે, જેને રોકવા માટે આ વખતે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. વન્યજીવ કાયદાઓને કારણે અસલી લંગૂરનો ઉપયોગ શક્ય ન હોવાથી, પ્રશાસને વાંદરાઓને ડરાવવા માટે લંગૂરના કટઆઉટ(પુતળા) લગાવવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કોઈ અવરોધ ન આવે તે માટે તંત્ર સજ્જ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 19 માર્ચથી વૃંદાવનની મુલાકાતે આવવાના છે. તેમના કાર્યક્રમ મુજબ તેઓ ઉડિયા બાબા આશ્રમ અને રામકૃષ્ણ મિશન હોસ્પિટલની મુલાકાત લેશે, તેમજ 21 માર્ચે ગોવર્ધન પરિક્રમા પણ પ્રસ્તાવિત છે. વૃંદાવનના મંદિરો અને બજારોમાં વાંદરાઓ ચશ્મા પહેરેલા લોકોને નિશાન બનાવી ઝપટ મારીને ચશ્મા છીનવી લે છે અને બદલામાં ખાવા-પીવાની ચીજોની માંગ કરે છે. રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન આવી કોઈ અસુવિધા ન સર્જાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

આ પણ વાંચો: ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ

30 સભ્યોની ટીમ ગુલેલ અને લેસર લાઈટ સાથે રહેશે તૈનાત

આ સમસ્યાના ઉકેલ માટે વન વિભાગની 30 સભ્યોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ કર્મચારીઓ ગુલેલ, લાઠી અને લેસર લાઈટ જેવા સાધનો વડે વાંદરાઓ પર નજર રાખશે. અગાઉ આવા પ્રસંગોએ તાલીમબદ્ધ લંગૂર વાંદરાઓ લાવવામાં આવતા હતા, પરંતુ હવે કાયદાકીય મર્યાદાઓને કારણે માત્ર લંગૂરના કટઆઉટ લગાવીને વાંદરાઓને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. વહીવટીતંત્રને આશા છે કે આ અનોખા ઉપાયોથી રાષ્ટ્રપતિનો પ્રવાસ નિર્વિઘ્ન પૂર્ણ થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન 2 - image