India

સુપ્રિયા સુલેની પુત્રીના રિસેપ્શનમાં રાજકીય ગજગ્રાહ ભૂલાયો! PM મોદી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ પહોંચ્યા

By GS Team
11 Aug 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના રિસેપ્શનમાં પીએમ મોદી, શરદ પવાર સાથે જોવા મળ્યા હતા. રાજકીય મતભેદો ભૂલીને, મોદીએ નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રિયા સુલેની પુત્રીના રિસેપ્શનમાં રાજકીય ગજગ્રાહ ભૂલાયો! PM મોદી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ પહોંચ્યા

Revati Sule Wedding: મહારાષ્ટ્રના રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની મુલાકાતો હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. સોમવારે દિલ્હીમાં ફરી એકવાર બંને નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. જોકે, આ વખતે મુલાકાતનું કારણ રાજકારણ નહીં પરંતુ એક પારિવારિક પ્રસંગ હતો. પીએમ મોદી એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલે અને સારંગ લખાણીના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓ શરદ પવાર સાથે બેઠા હતા અને તેમની સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત દેશના અનેક અગ્રણી રાજકીય ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રેવતી સુલેના રિસેપ્શનમાં પીએમ મોદીની ખાસ હાજરી

દિલ્હીમાં સોમવારે એનસીપી (એસપી) નેતા અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી અને શરદ પવારની દોહિત્રી રેવતી સુલેના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાંથી સામે આવેલી તસવીરો અને વીડિયોમાં પીએમ મોદી એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવારની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. વડાપ્રધાને નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી તેમજ શરદ પવારના પરિવાર અને ત્યાં હાજર અન્ય મહેમાનો સાથે મુલાકાત કરી તેમનું અભિવાદન ઝીલ્યું હતું. રાજકીય મતભેદો બાજુ પર રાખીને પીએમ મોદીની હાજરી અને શરદ પવાર સાથેની તેમની વાતચીત હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહી છે.

અમિત શાહથી લઈને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત

રેવતી સુલે અને સારંગ લખાણીના આ લગ્ન સમારંભમાં શરદ પવારે પોતે તમામ ખાસ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ રિસેપ્શનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા. આ સિવાય લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આમ, એક જ મંચ પર દેશના વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

ચિરાગ પાસવાન અને અખિલેશ યાદવની હાજરી

ચિરાગ પાસવાન અને અખિલેશ યાદવ પણ દિલ્હીમાં યોજાયેલા સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના ગ્રાન્ડ રિસેપ્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સમારંભમાં બંને નેતાઓએ હાજરી આપી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. રાજકીય વિરોધાભાસ અને મંતવ્યો ભૂલીને બંને નેતાઓ અન્ય તમામ દિગ્ગજ રાજનેતાઓ સાથે આ પારિવારિક પ્રસંગમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જોવા મળ્યા હતા.

સુપ્રિયા સુલેએ પીએમ મોદી સાથે મુલાકાત: INDIA ગઠબંધનમાં ચર્ચા

લગ્નના રિસેપ્શન પહેલા સોમવારે જ સુપ્રિયા સુલેએ પોતાની પાર્ટીના 8 સાંસદો સાથે પીએમ મોદી સાથે એક બેઠક કરી હતી, જે આશરે 20 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક બાદ ડીલિમીટેશન (સીમાંકન) બિલ અંગે એનસીપી (એસપી)ના વલણને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સુપ્રિયા સુલે અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો સીમાંકન બિલના મુસદ્દામાં તેમની તમામ જરૂરી માંગણીઓ સ્વીકારવામાં આવશે તો જ તેમની પાર્ટી તેને સમર્થન આપશે. પીએમ મોદી સાથેની આ મુલાકાત બાદ 'INDIA' ગઠબંધનમાં પણ હલચલ જોવા મળી હતી, જોકે બેઠક દરમિયાન સીમાંકનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નહોતો અને એનસીપી (એસપી)ના સાંસદોએ વડાપ્રધાન સામે પોતાના વિસ્તારના વિકાસ અને જનહિતના મુદ્દાઓ જ રજૂ કર્યા હતા.