‘પોલીસે ડિમ્પલ યાદવ અને અન્ય સાંસદોની અટકાયત કરી’, દિલ્હી CJP આંદોલન મામલે સપાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dimple Yadav Detained : દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજવાદી પાર્ટીના (SP) સાંસદોની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. SP દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું કે, 'દિલ્હીમાં વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવી રહેલાં મેનપુરીના લોકસભા સાંસદ ડિમ્પલ યાદવ અને અન્ય SP સાંસદોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવો અત્યંત નિકંદનીય અને અલોકતાંત્રિક છે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને અત્યાચાર માટે ભાજપ સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે.'
અખિલેશ યાદવે સરકાર પર પ્રહાર કર્યા
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ ઘટના અંગે આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'અમારા સાંસદોને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બહાર બાળકોને માર મારવામાં આવી રહ્યો છે. આ કેવી સરકાર છે? તમે બાળકોની વાત સાંભળવા તૈયાર નથી. જો NEETની પરીક્ષા યોજાઈ અને તેમાં ગડબડ થઈ તો તેના માટે જવાબદાર કોણ છે? તમે 'વિશ્વગુરુ' બનવા માગો છો, તમે દાવો કરો છો કે, દુનિયા 'અમૃત કાલ'માં છે, છતાં તમે તમારા મંત્રીઓને હટાવી શકતા નથી.'

અખિલેશ યાદવે વધુમાં ઉમેર્યું કે, 'તમે નોકરીઓ કે રોજગારી આપી નથી. જો નોકરીઓ આપી હોત તો ,શું બાળકો રસ્તા પર ઉતરતા? હાલમાં મુખ્ય સવાલ એ છે કે, NEETના વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને અહીં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સારું વર્તન થવું જોઈએ.' તેમણે અંગ્રેજોના શાસનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'જ્યારે લોકો વિરોધ પ્રદર્શન કરતા હતા, ત્યારે અંગ્રેજો પણ તેમની વાત સાંભળતા હતા. એટલા માટે આજે આખી દુનિયામાં મહાત્મા ગાંધીનો આદર થાય છે, તેમણે વિરોધનો માર્ગ બતાવ્યો હતો. જે રીતે આ સરકાર પ્રદર્શનકારીઓને હટાવી રહી છે, આશા છે કે, સરકારને અંતે 'સન્માનજનક વિદાય' ન મળી જાય.'
ડિમ્પલ યાદવનું નિવેદન
અટકાયત પહેલાં સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે જણાવ્યું હતું કે, 'અમે ઈચ્છીએ છીએ કે, વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવે, કારણ કે, પરિસ્થિતિ હવે સહનશક્તિ બહાર થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ખેડૂતો હોય, પર્યાવરણનો મુદ્દો હોય કે યુવાનો હોય, દરેક વ્યક્તિ પરેશાન છે, છતાં આ સરકાર કશુંય સાંભળવા કે, કોઈ ફરિયાદનો ઉકેલ લાવવા તૈયાર નથી. વિદ્યાર્થીઓ માત્ર નિષ્પક્ષ પરીક્ષા ઈચ્છે છે, પરંતુ આ સરકાર ન તો નિષ્પક્ષ પરીક્ષાને સમર્થન આપે છે કે, ન તો નિષ્પક્ષ ચૂંટણીઓને.'









