India

મમતા બેનરજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
કોલકાતાના કેથેડ્રલ રોડ પર WBTMCPના સ્થાપના દિવસ કાર્યક્રમમાં હાઈકોર્ટના આદેશનો ભંગ કરવા બદલ મમતા બેનરજી અને આયોજકો સામે FIR નોંધાઈ છે. હેસ્ટિંગ્સ પોલીસે 28 ઓગસ્ટે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નંબર 112 નોંધ્યો છે. નિયત સમય કરતાં વધુ કાર્યક્રમ ચલાવવા, સમર્થકોને ઉશ્કેરવા અને ટ્રાફિક જામ કરવાના આરોપો છે. TMCએ આને 'રાજકીય બદલાની ભાવના' ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતા બેનરજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

FIR Filed Against Mamata Banerjee: મમતા બેનરજી અને પશ્ચિમ બંગાળ તૃણમૂલ છાત્ર પરિષદ (WBTMCP)ના આયોજકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. કોલકાતાના કેથેડ્રલ રોડ પર આયોજિત WBTMCPના સ્થાપના દિવસ કાર્યક્રમ દરમિયાન કલકત્તા હાઈકોર્ટના આદેશનો કથિત રીતે અનાદર કરવા બદલ હેસ્ટિંગ્સ પોલીસે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી અને WBTMCPના આયોજકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશને 28 ઓગસ્ટના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કેસ નંબર 112 નોંધ્યો છે. આ કેસ હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર આપુ વૈદ્યની લેખિત ફરિયાદના આધારે દાખલ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન

ફરિયાદ મુજબ, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ આયોજકો સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડી કલકત્તા હાઈકોર્ટ દ્વારા પાસ કરવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. મંજૂરી અનુસાર, આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જ યોજવાનો હતો.

સમર્થકોને ઉશ્કેરવાનો અને ટ્રાફિક જામ કરવાનો આરોપ

પોલીસનો આરોપ છે કે, કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજી અને આયોજકોએ પોતાના સમર્થકોને ઉશ્કેર્યા હતા, જે બાદ ભીડ દ્વારા પોલીસે મૂકેલા બેરિકેડ્સ હટાવી દેવાયા હતા. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે, ભીડે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી, જેનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

નિયત સમય કરતા વધુ સમય ચાલ્યો કાર્યક્રમ

પોલીસે એવો પણ આરોપ લગાવ્યો છે કે, આયોજકોએ કલકત્તા હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા સમય કરતાં વધુ સમય સુધી કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. આ મામલામાં ગુનાહિત કાવતરું, સરકારી કર્મચારીના આદેશની અવગણના અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવા સંબંધિત BNSની કલમો ઉમેરવામાં આવી છે.

TMCનો પલટવાર

તૃણમૂલ કોંગ્રેસે આ કાર્યવાહીની સખત ટીકા કરતાં આને 'રાજકીય બદલાની ભાવના' ગણાવી છે. પક્ષે કહ્યું છે કે, રાજ્ય સરકાર TMC થી ડરી ગઈ છે. અભિષેક બેનરજીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં બંધારણીય શાસનનું સતત પતન થઈ રહ્યું છે, અને જો ન્યાયતંત્ર આવી બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે, તો લોકશાહીનું અસ્તિત્વ જ ખતરામાં પડી જશે.