PoKમાં ભયંકર આક્રોશ: પ્રદર્શન હિંસક બનતાં 3 નાગરિકો સહિત 7ના મોત, 60થી વધુ ઈજાગ્રસ્ત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Clashes in PoK: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં પોલીસ અને પ્રતિબંધિત સંગઠનના પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હિંસક અથડામણ થઈ છે. આ લડાઈ રાવલકોટ શહેરમાં ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રાવલકોટના કમિશનર સરદાર વહીદે જણાવ્યું કે, આ હિંસામાં 3 સામાન્ય નાગરિકોના મોત થયા છે અને અન્ય 40 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, પોલીસે પણ જણાવ્યું છે કે આ અથડામણમાં 4 પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે અને બીજા 23 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
JAACના આંદોલન પહેલા જ વણસી સ્થિતિ
આ હિંસક અથડામણ 'જોઇન્ટ અવામી એક્શન કમિટી'(JAAC)ના આંદોલનના એક દિવસ પહેલા જ થઈ છે. આ સંગઠન સુરક્ષા માટે ખતરો હોવાના કારણે તેના પર તાજેતરમાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. PoKમાં વધતાં તણાવને જોઈને ઇસ્લામાબાદમાં આવેલી અમેરિકન એમ્બેસીએ પોતાના નાગરિકોને સાવચેત રહેવા કહ્યું છે. સાથે જ, સ્થાનિક પ્રશાસને પણ પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરીને જૂન 5થી જૂન 20 સુધી આ વિસ્તારમાં ન આવવાની સલાહ આપી છે. JAAC સંગઠન અગાઉ પણ હિંસક વિરોધ પ્રદર્શન કરી ચૂક્યું છે અને સરકાર પર દબાણ લાવવા માટે આગામી અઠવાડિયે પણ આવું જ એક મોટું પ્રદર્શન કરવાની તૈયારીમાં છે.
ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ, સુરક્ષા દળો તહેનાત
આ પ્રદર્શન મુખ્યત્વે અગાઉ થયેલી હિંસા, સુરક્ષા દળો દ્વારા JAACના એક નેતાની હત્યા, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને સંગઠન પર લાદવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં બોલાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક લોકો વીજળીની અછત, મોંઘવારી, બેરોજગારી, સંસાધનોનું શોષણ અને રાજકીય અન્યાય જેવા મુદ્દાઓનો પણ વિરોધ કરી રહ્યા છે.
વિવેચકોએ PoKમાં રહેલી 12 'શરણાર્થી' (Refugee) બેઠકો સામે પણ સવાલો ઉઠાવ્યા છે, જેમના મતે આ બેઠકોનો ઉપયોગ આ વિસ્તારમાં ઇસ્લામાબાદનો પ્રભાવ જાળવી રાખવા માટે થાય છે. હાલ સુરક્ષાના ભાગરૂપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન ફેડરલ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સની વધારાની ટુકડીઓ તહેનાત કરી દેવાઈ છે.









