પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PMGSY Road Quality Issue: ગુજરાતમાં રસ્તાઓના મુદ્દે સામાન્ય વાહનચાલકોનો સૂર સરકાર તરફ રહ્યો નથી. ખાડાઓને કારણે દર વર્ષે રસ્તાઓની બૂમરાણ સરકારની પ્રતિષ્ઠા ખરડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક એવો આંકડો જાહેર કર્યો છે, જે રાજ્ય સરકારના મજબૂત રસ્તાના દાવાઓની પોલ ખોલી ખુલી છે કેમકે, પ્રધાનમંત્રી સડક યોજનામાં એકેય માર્ગની ગુણવત્તા ચકાસવામાં આવી નથી.
ચિંતાજનક વાસ્તવિકતા: દર 5માંથી 1 રસ્તો સરકારી ચોપડે જ નાપાસ
શહેરોમાં ચકાચક રસ્તા બનાવી મતદારોને આકર્ષવામાં આવી રહ્યાં છે પણ ગામડાઓમાં બનતાં માર્ગો પ્રત્યે ઝાઝું ધ્યાન અપાતું નથી. કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટ મુજબ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળ સહિત 28 રાજ્યોમાં નેશનલ ક્વોલિટી મોનિટર્સે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત બનેલા રસ્તાઓની ગુણવત્તા ચકાસી હતી. કુલ 2061 માર્ગોની તપાસનું તારણ એવું આવ્યું કે 400થી વધુ રસ્તાઓમાં અત્યંત નબળું કામ થયું હોવાનું બહાર આવ્યું છે. એટલે કે, દર પાંચમાંથી એક રસ્તો સરકારી ચોપડે જ નાપાસ થયો હતો.
ક્વોલિટી ચેક વિના જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને થઈ ગયા બખ્ખા
વર્ષ 2025માં ગુજરાતમાં આ મોનિટર્સ કદાચ 'વિકાસ' જોવામાં એટલા વ્યસ્ત હતા કે તેમને રાજ્યનો એક પણ ગ્રામીણ રસ્તો તપાસવા જેવો જ ન લાગ્યો! નેશનલ ક્વોલિટી મોનિટર્સ દ્વારા એક પણ રસ્તાની તપાસ કરવામાં આવી નહીં. પરિણામે, ક્વોલિટી ચેક વગર જ કોન્ટ્રાક્ટરોને બખ્ખા થઈ ગયા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનેલા રસ્તાઓ પહેલા વરસાદમાં જ ધોવાઈ જાય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં નબળી ગુણવત્તાના કારણે તૂટતા માર્ગો
નોંધનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના હેઠળ બનતાં માર્ગો નબળી ગુણવત્તાને પગલે તૂટી જાય છે. નિર્માણ થયાના થોડાક વખતમાં જ ખાડાખૈડાવાળો થઈ જાય છે. આમ છતાંય રસ્તાની ગુણવત્તા ચકાસણી થતી નથી. આ કારણોસર ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાવતું ફાવ્યું છે.









