CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા... સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Politics: કર્ણાટકનું રાજકારણ ફરી એકવાર મોટા વળાંક તરફ આગળ વધી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર વાપસી કર્યા બાદ, હવે રાજ્યમાં કોંગ્રેસ સરકાર સૌથી મોટા નેતૃત્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આગામી ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ સંભવિત નિર્ણય પહેલાં દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે યોજાયેલી કલાકોની મેરેથોન બેઠકે રાજકીય ગરમાવો વધારી દીધો છે.
OBC રાજનીતિ: કેન્દ્રમાં મોટી ભૂમિકાની ઓફર
સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસ નેતૃત્વ વર્ષ 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સિદ્ધારમૈયાને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા આપવા માંગે છે. પાર્ટી ઈચ્છે છે કે તેઓ દિલ્હી આવીને કોંગ્રેસના મુખ્ય ઓબીસી (OBC) ચહેરાઓમાંથી એક તરીકે જવાબદારી સંભાળે અને સામાજિક ન્યાય તથા જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી જેવા મુદ્દાઓ પર વ્યૂહરચના મજબૂત કરે. દિલ્હીમાં આશરે 7 કલાક ચાલેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર અને કે.સી. વેણુગોપાલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા.
રાજ્યસભાના રસ્તે દિલ્હી લાવવાની તૈયારી
સિદ્ધારમૈયાને સન્માનજનક રીતે કેન્દ્રની રાજનીતિમાં લાવવા માટે કોંગ્રેસે ખાસ ખાકો તૈયાર કર્યો છે. તેમને રાજ્યસભાના સાંસદ બનાવીને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) માં મોટું પદ સોંપવાની ખાતરી અપાઈ છે. કર્ણાટકથી રાજ્યસભા બેઠકો માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 8 જૂન હોવાથી આ ઘટનાક્રમની ટાઈમિંગ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જોકે, સિદ્ધારમૈયાએ આ અંગે અંતિમ નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો છે અને બેંગલુરુ પરત ફરીને પોતાના નજીકના મંત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી છે.
ગુરુવારે બ્રેકફાસ્ટ મીટિંગ અને સીએમ પદની રેસ
આ અટકળો વચ્ચે ગુરુવારે સવારે મુખ્યમંત્રી આવાસ પર સમગ્ર કર્ણાટક કેબિનેટની એક મહત્વની 'બ્રેકફાસ્ટ મીટિંગ' બોલાવવામાં આવી છે, ત્યારબાદ સિદ્ધારમૈયા પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. જો સિદ્ધારમૈયા રાજીનામું આપે છે, તો પાવર શેરિંગ ફોર્મ્યુલા મુજબ આગામી મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે મીડિયા સમક્ષ નેતૃત્વ પરિવર્તનની વાતોને સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવીને ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે બેઠક માત્ર આગામી રાજ્યસભા ચૂંટણીના એજન્ડા પર જ આધારિત હતી.









