Get The App

'ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ'... નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
'ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ'... નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 - image

PM Modi NDA Meeting 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (10 જૂન 2026) દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે એનડીએ (NDA)ના ઘટક પક્ષોની એક વિશેષ બેઠકને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશના મધ્યમ વર્ગ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, 'વર્ષ 2014 માં જે વ્યક્તિ ગરીબ હતો, તે અમારી લોકકલ્યાણકારી યોજનાઓના કારણે આજે દેશનો 'ન્યૂ મિડલ ક્લાસ' (નવો મધ્યમ વર્ગ) બન્યો છે. અમે આ નવા મધ્યમ વર્ગને ક્યારેય નિરાશ નહીં થવા દઈએ અને તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.' પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, એનડીએના 12 વર્ષના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ એ છે કે, 'દેશ આજે કોંગ્રેસની મિલીભગત અને કુશાસનની જાળમાંથી મુક્ત થયો છે. કોંગ્રેસે દેશને લાચારી, ગરીબી અને લઘુતાગ્રંથિની ખાઈમાં ધકેલી દીધો હતો, અને તે સમયે એવી માન્યતા સામાન્ય બની ગઈ હતી કે ભારતમાં વિકાસની ગતિ હંમેશા ધીમી જ રહેશે.'

'હિન્દુ ગ્રોથ રેટ' નહીં પણ તે 'કોંગ્રેસ ગ્રોથ રેટ' હતો: PM

વડાપ્રધાને ભૂતકાળની આર્થિક નીતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 'કોંગ્રેસે બહુ ચાલાકીથી દેશના ધીમા આર્થિક વિકાસને ‘હિન્દુ ગ્રોથ રેટ’ (Hindu Growth Rate)નું નામ આપી દીધું હતું. એટલે કે કામ કરવાની પદ્ધતિ અને નિષ્ફળતા કોંગ્રેસની હતી, પરંતુ તેનો ડાઘ દેશની વિશાળ હિન્દુ વસ્તી પર લગાડી દેવાયો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, 'વાસ્તવમાં આ ખોટા ટ્રેન્ડનું નામ ‘કોંગ્રેસ ગ્રોથ રેટ’ હોવું જોઈતું હતું, કારણ કે આ ગાળામાં ન તો સારું શાસન હતું, ન તો દેશહિતની સાચી નીતિઓ કે દ્રઢ નિર્ણયો લેવાની હિંમત.'

ભારત હવે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

પીએમ મોદીએ દેશના આર્થિક મોરચે અદભુત પ્રગતિના આંકડા રજૂ કરતા જણાવ્યું કે, 'આજે દુનિયાના મોટા-મોટા દેશોની અર્થવ્યવસ્થા જ્યારે સંઘર્ષ કરી રહી છે, ત્યારે પણ નાણાકીય વર્ષ 2025-26 માં ભારતે 7.7% નો શાનદાર આર્થિક વિકાસ દર (Growth Rate) હાંસલ કર્યો છે. એટલું જ નહીં, 31 માર્ચના રોજ પૂર્ણ થયેલા છેલ્લા ક્વાર્ટરમાં પણ ભારતનો ગ્રોથ રેટ 7.8% રહ્યો છે. આ સફળતાના કારણે જ ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધતું અર્થતંત્ર બન્યું છે.'

તકનીકી આત્મનિર્ભરતા: ટૂંક સમયમાં બનશે 'મેડ ઇન ઇન્ડિયા' એરક્રાફ્ટ

ભવિષ્યના વિઝન અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, 'ભારત હવે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) પર મિશન મોડમાં કામ કરી રહ્યું છે. એનર્જી, ચિપ, બેટરી સ્ટોરેજ, સ્પેસ, ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારત વિદેશો પર નિર્ભર રહી શકે નહીં. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે, એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે દેશમાં સત્તાવાર રીતે 'મેડ ઇન ઇન્ડિયા' એરક્રાફ્ટ (હવાઈ જહાજ) નું નિર્માણ થશે.'

છેલ્લે, એનડીએ પરિવારના સભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ બદલ તમામનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે, 'તેઓ સતત ત્રીજી વાર સરકાર બનાવવાના આ ઐતિહાસિક રેકોર્ડને પોતાની વ્યક્તિગત સિદ્ધિ નથી માનતા, પરંતુ આ એનડીએના દરેક ઘટક પક્ષ અને ભાજપ સહિત કરોડો કાર્યકર્તાઓની સામૂહિક જીત અને પુરુષાર્થનું પરિણામ છે.'