PM Modi Announces 4 Big Decisions from New PMO : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા કાર્યાલય 'સેવાતીર્થ'નું લોકાર્પણ કર્યું. આજથી વડાપ્રધાનનું કાર્યાલય રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિફ્ટ થઈ જશે. સેવા તીર્થમાં જ વડાપ્રધાનના કાર્યાલયની સાથે સાથે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય તથા કેબિનેટ સચિવાલય પણ છે. સેવા તીર્થના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ 4 મોટા નિર્ણય લીધા. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી.

નવી ઑફિસમાં સૌથી પહેલા કયા 4 નિર્ણય લેવાયા?
PM RAHAT યોજનાની જાહેરાત: અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને તાત્કાલિક મદદ માટે રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે.
લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક બમણો કરીને 6 કરોડ કરવામાં આવ્યો.
ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ટાર્ગેટ રૂ. 1 લાખ કરોડથી વધારીને રૂ. 2 લાખ કરોડ કરાયો.
સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: સ્ટાર્ટઅપ્સ અને ડીપ-ટેક રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડના કોર્પસ સાથે નવા ફંડને મંજૂરી અપાઈ.

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું!
ભારતના વડાપ્રધાનના કાર્યાલયનું સરનામું હવેથી 'સેવા તીર્થ' રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી PM ઑફિસ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલયની બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આજથી વડાપ્રધાનનું કાર્યાલય નવી ઑફિસમાં શિફ્ટ થઈ જશે. આ સિવાય કેન્દ્ર સરકારના તમામ વિભાગની ઑફિસ હવેથી કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2માં શિફ્ટ થઈ જશે.
આજથી 'સેવા તીર્થ'માં PM મોદીની ઑફિસ, સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકને અલવિદા
નોંધનીય છે કે દિલ્હીમાં સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક એમ બે ઇમારતો છેલ્લા 78 વર્ષથી સત્તાનું કેન્દ્ર રહી. વડાપ્રધાનનું કાર્યાલય તથા અન્ય વિભાગોના કાર્યાલય પણ આ જ બે ઇમારતોમાં હતી. સેવા તીર્થમાં શિફ્ટ થતાં પહેલા સાંજે ચાર વાગ્યે આ ઇમારતમાં સરકારની છેલ્લી કેબિનેટ બેઠક પણ યોજાઈ. સેવા તીર્થ પરિસર 2.26 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે અને તેના નિર્માણ પાછળ 1189 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સેવા તીર્થમાં વડાપ્રધાનનું કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય છે. જે પહેલા અલગ અલગ ઇમારતોમાં હતી.
સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકને હવે મ્યુઝિયમ બનાવી દેવામાં આવે તેવી શક્યતા
પરિસરમાં ત્રણ મુહી ઇમારતો છે: સેવા તીર્થ-1 એટલે વડાપ્રધાનનું કાર્યાલય, સેવા તીર્થ-2 એટલે કેબિનેટ સચિવાલય અને સેવા તીર્થ-3માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય. સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકને હવે મ્યુઝિયમ બનાવી દેવામાં આવે તેવી શક્યતા છે. સાઉથ બ્લોકમાં કેન્દ્ર સરકારની પ્રથમ કેબિનેટ બેઠક 15 ઑગસ્ટ, 1947ના રોજ જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં થઈ હતી. આજે 13 ફેબ્રુઆરી, 2026એ અહીં અંતિમ કેબિનેટ બેઠક યોજાશે.


