Get The App

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઈકોનોમિક કાઉન્સિલ સાથે હાઇ-લેવલ બેઠક, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પર ફોકસ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
PM Modi EAC meeting 2026

PM Modi Chairs PM-EAC Meeting: આખી દુનિયા અત્યારે ભારે આર્થિક અસ્થિરતા અને ભૌગોલિક-રાજકીય તણાવમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારો ડગમગી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આર્થિક સલાહકાર સમિતિ (PM-EAC) સાથે એક મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની આર્થિક ગતિને કેવી રીતે જાળવી રાખવી અને બાહ્ય આંચકાઓ સામે દેશને કેવી રીતે મજબૂત કરવો તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. 

મિડલ ઈસ્ટ સંકટ અને તેલ બજાર પર મોટો ખતરો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ભારત અને વિશ્વના અર્થતંત્ર પર શું અસરો પડી શકે છે તેનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 

આ ભૌગોલિક-રાજકીય અસ્થિરતાને કારણે નીચે મુજબના મુખ્ય ક્ષેત્રો પર જોખમ તોળાઈ રહ્યું છે:

એનર્જી માર્કેટ:  તેલ અને ગેસના સપ્લાય નેટવર્ક પર ભારે દબાણ.

સપ્લાય ચેઇન: વૈશ્વિક માલસામાનની હેરફેરમાં અવરોધો.

મોંઘવારી: આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો વધવાનું જોખમ.

વૈશ્વિક વેપાર: આંતરરાષ્ટ્રીય વ્યાપારી માર્ગો પ્રભાવિત થવાની આશંકા.

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઇંધણ વિદેશથી આયાત કરતો દેશ હોવાથી સરકાર આ ક્ષેત્રમાં ઊર્જા પુરવઠાની અનિશ્ચિતતા પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહી છે.

આ દાયકો આફતોનો દાયકો છે: PM મોદી

આ આર્થિક ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વિશ્વ સામે આવી રહેલા અભૂતપૂર્વ પડકારો વિશે મોટી ચેતવણી આપી છે. ગઈકાલે શુક્રવારે સુરતમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના અવસરે એક સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને વર્તમાન દાયકાને "આફતોનો દાયકો" ગણાવ્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વૈશ્વિક કટોકટીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ વર્તમાન દાયકો વધુને વધુ આફતોનો દાયકો બની રહ્યો છે, જે કોવિડ-19 મહામારી અને સશસ્ત્ર સંઘર્ષોથી લઈને ઊર્જા બજારો અને સપ્લાય ચેઇનમાં ભંગાણ સુધીની શ્રેણીબદ્ધ વૈશ્વિક કટોકટીઓ દ્વારા ચિહ્નિત થયેલ છે. વૈશ્વિક સ્તરે બળતણના ભાવોમાં અસ્થિરતા અને ઊર્જા પુરવઠા નેટવર્ક પરનું દબાણ વિશ્વભરના અર્થતંત્રોને પ્રભાવિત કરી રહ્યું છે. 

બાહ્ય જોખમો ઘટાડવા આપણે આત્મનિર્ભર બનવું પડશે: PM મોદી

પીએમ મોદીએ ઉમેર્યું કે આ તમામ પડકારો છતાં, ભારતે અદભુત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને વિકાસલક્ષી નીતિઓ ચાલુ રાખી છે. તેમણે ઊર્જા અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્વનિર્ભરતા પર ભાર મૂકતાં કહ્યું કે બાહ્ય જોખમો ઘટાડવા માટે આત્મનિર્ભર બનવું જ પડશે. ભારત લાંબા ગાળાની આર્થિક સુરક્ષા માટે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યુક્લિયર પાવર અને સ્થાનિક ઉત્પાદનમાં મોટું રોકાણ કરી રહ્યું છે. 

'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' અને ભવિષ્યની રણનીતિ

આ બેઠકમાં દેશની અંદર આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રોકાણને ટેકો આપવા અને પ્રોડક્ટિવિટી વધારવા પર પણ ચર્ચા થઈ હતી. સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા અને ઉદ્યોગો માટે વેપાર સરળ બનાવવાના કાયદાકીય સુધારાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં સરકારી નિયમોના બોજને ઘટાડવા અને સર્વિસ ડિલિવરી સુધારવા પર સહમતી સધાઈ હતી.