PM Modi West Bengal: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિષ્ણુપુર પહોંચ્યા હતા. મંદિરોના શહેર તરીકે ઓળખાતા બિષ્ણુપુરની આ વિજય સંકલ્પ સભામાં પીએમ મોદીએ મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકાર બનતાની સાથે જ મહિલાઓ માટે મોટા વાયદાઓ કર્યા હતા.
ગુંડાઓ અને સિન્ડિકેટને છેલ્લી ચેતવણી
પીએમ મોદીએ અત્યંત આક્રમક તેવરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકરો અને નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, "હું ટીએમસીના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારીઓને છેલ્લી તક આપું છું. 29 એપ્રિલ પહેલા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લો, કારણ કે 4 મે પછી કોઈ બચશે નહીં. તેમણે ઉમેર્યું કે, હવે બંગાળની જનતા બંગાળ ટાઈગર બનીને દહાડી રહી છે કે 'હવે નહીં સહીએ, નિર્મમ સરકારને હટાવીને રહીશું'.
મહિલા સશક્તિકરણ અને 'માતૃશક્તિ ભરોસા કાર્ડ'
બંગાળની બહેનો માટે પીએમ મોદીએ યોજનાઓનો પટારો ખોલતા જણાવ્યું કે ભાજપ સરકાર બન્યા બાદ, માતૃશક્તિ ભરોસા કાર્ડ: દરેક બહેનને વર્ષે 36,000 રૂપિયા મળશે. મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે (આયુષ્માન યોજના). દીકરીઓના શિક્ષણ માટે 50,000 રૂપિયાની મદદ આપવામાં આવશે. તેમને 21,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જ્યારે બાળકના જન્મ પર કેન્દ્ર સરકાર તરફથી અલગથી 5,000 રૂપિયા અપાશે. મહિલાઓને પાકું ઘર બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની મદદ અપાશે.
TMC પર આકરા પ્રહાર
પીએમએ ટીએમસી પર આદિવાસી વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, આખું વિશ્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સન્માન કરે છે, પરંતુ ટીએમસીએ તેમનું અપમાન કર્યું છે. બંગાળની બહેનો આ ક્યારેય ભૂલશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘૂસણખોરોને ફાયદો કરાવવા માટે ટીએમસી તમામ કાયદા તોડી રહી છે અને ધર્મના આધારે અનામત આપીને બંધારણનું ગળું ઘોંટી રહી છે.
નવા વર્ષ અને અક્ષય તૃતીયાની શુભેચ્છા
પીએમએ બાંગ્લા નવ વર્ષ અને અક્ષય તૃતીયાના પાવન અવસર પર બંગાળની જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે બંગાળમાં દરેક સભા પહેલા કરતા મોટી થઈ રહી છે, જે આ નિર્મમ સરકાર સામેના આક્રોશનું પ્રતિક છે.


