Get The App

ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ: 24 કલાકની કતારથી કંટાળી બાઉન્ડ્રી કૂદ્યા લોકો, પોલીસનો લાઠીચાર્જ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ: 24 કલાકની કતારથી કંટાળી બાઉન્ડ્રી કૂદ્યા લોકો, પોલીસનો લાઠીચાર્જ 1 - image

Surat Udhna Station Crowd Chaos: ઉનાળાના વેકેશન, લગ્નની સીઝન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. જોકે, રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશન પર પીવાના પાણીની પણ સુવિધા ન હતી. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, રેલવે સ્ટેશન પર પાંચ કિલોમીટર જેટલી લાંબી મુસાફરોની લાઈન જોવા મળી હતી.

ગેસ સિલિન્ડરની અછતના કારણે પણ સુરતથી વતન જઈ રહ્યા છે શ્રમિકો

સુરતના ઉધના સ્ટેશન પર માત્ર ઉનાળું વેકેશનના કારણે જ ભીડ નથી, પરંતુ છેલ્લા એક-બે મહિનાથી LPG સિલિન્ડર સંકટને લઈને શ્રમિકો પલાયન કરી રહ્યા છે. ઉનાળું વેકેશન અને એલપીજી સંકટને લઈને મુસાફરોની સંખ્યા બેગણી થઈ ગઈ છે, જેનાથી રેલવેની તમામ વ્યવસ્થાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે.

રેલવે અધિકારી અનુભવ સક્સેનાએ કહ્યું છે કે, સમર સીઝન ચાલી રહી છે અને મુસાફરો માટે અમે સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવી છે. આજે અત્યાર સુધી 6 ટ્રેનો ચલાવાઈ ચૂકી છે. પહેલી ટ્રેન રાત્રિના 1:30 વાગ્યે ઉધનાથી જયનગર ગઈ હતી. ત્યારબાદ 5:30 વાગ્યે એક ટ્રેન ઉધનાથી મધુબની માટે ગઈ છે. મુસાફરોની સંખ્યાને અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ અને રેલવેએ સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.

ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ: 24 કલાકની કતારથી કંટાળી બાઉન્ડ્રી કૂદ્યા લોકો, પોલીસનો લાઠીચાર્જ 2 - image

3 કિલોમીટર લાંબી કતાર અને અસહ્ય ગરમી

મળતી માહિતી અનુસાર, ઉધના સ્ટેશનની બહાર મુસાફરોની લાઈન 3 કિલોમીટરથી વધુ લાંબી પહોંચી હતી. 7000થી વધુ મુસાફરોની ભીડ સામે માત્ર બે ટ્રેનની સુવિધા હોવાથી અફરાતફરી મચી હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ: 24 કલાકની કતારથી કંટાળી બાઉન્ડ્રી કૂદ્યા લોકો, પોલીસનો લાઠીચાર્જ 3 - image

આ પણ વાંચો: જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં 'સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઈવ' યોજાઈ

પાણી માટે લૂંટાલૂંટ અને હૃદયદ્રાવક દ્રશ્યો

પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા લોકો પાણીની બોટલો માટે એકબીજા પર તૂટી પડ્યા હતા. સ્ટેશન પર એક અત્યંત કરુણ કિસ્સો પણ જોવા મળ્યો હતો, જેમાં એક લાચાર યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો હતો.

ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ: 24 કલાકની કતારથી કંટાળી બાઉન્ડ્રી કૂદ્યા લોકો, પોલીસનો લાઠીચાર્જ 4 - image

વહીવટી તંત્રની પ્રતિક્રિયા

રેલવે ડીવાયએસપી (DySP) દીપક ગૌડે જણાવ્યું હતું કે, 'આજે એનાઉન્સ થયેલી ટ્રેનોની સરખામણીએ પેસેન્જરોની સંખ્યા ઘણી વધારે છે. અમે લોકોને સમજાવ્યા છે કે જો વધારાની સ્પેશિયલ ટ્રેન જાહેર કરવામાં આવશે, તો તંત્ર દ્વારા તુરંત જાણ કરવામાં આવશે. નાના બાળકો અને મહિલાઓ સાથે આકરી ગરમીમાં મુસાફરોને બિનજરૂરી ન રોકાવા વિનંતી કરવામાં આવી છે.'

મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા દર વર્ષે સર્જાતી આ ભીડ અંગે અગાઉથી કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. લાઈનોમાં 16-16 કલાક સુધી ઊભા રહ્યા બાદ પણ ટ્રેનમાં જગ્યા ન મળતા લોકો બાઉન્ડ્રી કૂદીને અંદર પ્રવેશવા મજબૂર બન્યા હતા, જેના કારણે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.