Get The App

બિલ્લી પગે આવતી મોંઘવારી : પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
બિલ્લી પગે આવતી મોંઘવારી : પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો 1 - image

- મોંઘવારી બેકાબુ, ઇંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ, કૃષિ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રોને અસરની ભીતિ    

- પેટ્રોલ-ડીઝલના ભાવમાં આઠ દિવસમાં પાંચ રૂપિયા સુધીનો વધારો, સીએનજી પણ વધુ એક રૂપિયાના વધારા સાથે 10 દિવસમાં  કુલ ચાર રૂપિયા મોંઘો થયો

- હૈદરાબાદમાં ઇંધણ સૌથી મોંઘુ, પેટ્રોલ રૂ. 112.81 જ્યારે ડીઝલ રૂ. 100ને પાર, સીએનજી રૂ. 100એ પહોંચ્યું  

નવી દિલ્હી : ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે, શનિવારે પેટ્રોલનો ભાવ ૮૭ પૈસા, ડીઝલનો ભાવ ૯૧ પૈસા વધ્યો હતો, છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ત્રીજી વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ રૂપિયા અને પછી ૯૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ નવા વધારા સાથે જ અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર જતો રહ્યો છે જ્યારે કેટલાક શહેરોમાં હવે ડીઝલનો ભાવ પણ ૧૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા સાથે જ સીએનજીમાં પણ પ્રતિ કીલો એક રૂપિયો વધારાયો છે.  

આ નવા ભાવ વધારા સાથે હૈદરાબાદ ઇંધણ મામલે દેશનું સૌથી મોંઘુ શહેર છે, હૈદરાબાદમાં પેટ્રોલની કિમત પ્રતિ લિટર રૂ. ૧૧૨.૮૧એ પહોંચી ગઇ છે જ્યારે ડીઝલ પણ રૂ. ૧૦૦ને પાર પહોંચી ગયું છે. ૧૫ મે પછી પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં આશરે પાંચ રૂપિયા જેટલો વધારો થયો છે. માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં સીએનજીના ભાવ પણ વધારવામાં આવ્યા છે. સીએનજી પ્રતિ કીલો એક રૂપિયો મોંઘો થયો છે, છેલ્લા ૧૦ દિવસમાં સીએનજીના ભાવમાં પણ આ ત્રીજો વધારો છે. નવા ભાવ સાથે દિલ્હીમાં સીએનજીનો ભાવ ૮૧.૦૯ રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે નોઇડા અને ગાઝિયાબાદમાં ભાવ ૯૦ રૂપિયાએ પહોંચી ગયો છે. 

મિડલ ઇસ્ટમાં ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલના ઘર્ષણને પગલે હોર્મુઝ ખાડી બંધ રહી છે, એવામાં મોટાભાગના દેશોમાં ક્રૂડ ઓઇલના ટેન્કર પહોંચી નથી રહ્યા છે, જ્યારે ઇંધણ પુરૂ પાડનારા દેશો ઘર્ષણનો ભોગ બન્યા છે. એવામાં હાલ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે જેની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. અન્ય શહેરો પર નજર કરીએ તો દિલ્હીમાં વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લિટર  ૯૯.૫૧ રૂપિયા,  ડીઝલનો નવો ભાવ ૯૨.૪૯ રૂપિયા થઇ ગયો છે. તેવી જ રીતે કોલકાતામાં પેટ્રોલ ૧૧૦.૬૪, ડીઝલ ૯૭.૦૨ રૂપિયા, મુંબઇમાં પેટ્રોલ રૂ. ૧૦૮.૪૯, ડીઝલ ૯૫.૦૨ રૂપિયા મોંઘુ થયું છે.  આ પહેલા ૧૫મેના પેટ્રોલ અને ડીઝલ બન્નેના ભાવમાં ત્રણ રૂપિયા, ૧૯મી મેના ૯૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સીએનજીનો ભાવ આ પહેલા ૧૫મી મેના પ્રતિ કીલોએ બે રૂ પિયા, ૧૭મી મેએ પ્રતિ કીલોએ એક રૂપિયાનો વધારો થયો હતો, હવે ફરી એક રૂપિયાના વધારા સાથે સીએનજી પણ ૧૦ દિવસમાં પ્રતિ કીલોએ ચાર રૂપિયા મોંઘો થયો છે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલને લઇને પડાપડી ના કરવી, હાલ કોઇ પણ અછત નથી તેવી સ્પષ્ટતા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આ પહેલા ઘરેલુ અને કોમર્શિયલ ગેસ એલપીજીના ભાવ પણ વધી ચુક્યા છે. હવે ઇંધણના ભાવમાં વધારો થવાને પગલે તેની અસર ટ્રાન્સપોર્ટ, કૃષિ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર થઇ શકે છે.   

76 દિવસ સુધી ભાવ વધારાનો ભાર સહન કર્યો : કેન્દ્રનો બચાવ

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો બચાવ કરતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો કરવો પડે તેમ હતો, ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું તેને ૭૬ દિવસ થઇ ગયા, આટલા દિવસો સુધી ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભાવ વધારો થઇ રહ્યો હતો તેનુ દબાણ સરકારે ખૂદ ઉઠાવ્યું. સરકારનો એવો પણ દાવો છે કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો કરાયો છે તે અન્ય દેશોની સરખામણીમાં હજુ પણ ઘણો ઓછો છે. 

અલગ અલગ રાજ્યોમાં ભાવ પણ અલગ છે, રાજ્ય સરકારો દ્વારા લગાવાતા વેલ્યૂ એડેડ ટેક્સને કારણે ભાવમાં ફેરફાર જોવા મળે છે. કેટલાક રાજ્યો ૩૦ ટકા સુધીનો વેટ લગાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ પણ હોય છે, કેટલાક રાજ્યો પ્રતિ લિટરે ૨૦ ટકા આસપાસ વેટ લગાવે છે.