India

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ

By GS Team
19 May 20263 mins read
TukuTouch Logo
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ એક વખત ભડકો થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ચાર દિવસમાં બીજી વખત સરકારે ઇંધણના ભાવમાં વધારો ઝીંકતા વિપક્ષે કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસથી લઈને સમાજવાદી પાર્ટી સુધીના તમામ પક્ષોએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ
(IMAGE - IANS)

Petrol, Diesel Prices Hiked Twice in 4 Days: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ એક વખત ભડકો થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ચાર દિવસમાં બીજી વખત સરકારે ઇંધણના ભાવમાં વધારો ઝીંકતા વિપક્ષે કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસથી લઈને સમાજવાદી પાર્ટી સુધીના તમામ પક્ષોએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

'મોંઘવારી મેન'ના નામે કોંગ્રેસનો કેન્દ્ર પર પ્રહાર

ઇંધણના ભાવવધારા અંગે કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે લખ્યું કે, જનતા પર 'મોંઘવારી મેન'નો હંટર વધુ એકવાર ચાલ્યો છે અને આજે ફરી પેટ્રોલ-ડીઝલ અંદાજે 90 પૈસા મોંઘું કરી દેવાયું છે. છેલ્લા 4 દિવસમાં જ ભાવમાં 4 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે દેશમાં પેટ્રોલ 109 રૂપિયા અને ડીઝલ 96 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. કોંગ્રેસે તંજ કસતા ઉમેર્યું કે આ તો માત્ર શરૂઆત છે, ચૂંટણીઓ પૂરી થઈ ગઈ હોવાથી હવે જનતા પાસેથી વધુ વસૂલાત કરવામાં આવશે.

બીજી તરફ, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ સરકારની નીતિઓ આડે હાથ લેતા જણાવ્યું હતું કે, પીએમના મોંઘા વિદેશ પ્રવાસોનો ખર્ચ હોય કે ચૂંટણી રેલીઓમાં ભીડ ભેગી કરવાનો ભારેભરખમ ખર્ચ, આ તમામની વસૂલાત આખરે દેશની ગરીબ જનતાના ખિસ્સામાંથી જ કરવામાં આવી રહી છે.

સમાજવાદી પાર્ટીએ પણ સરકારને ઘેરી

સમાજવાદી પાર્ટીના નેતા રાજીવ રાયે પણ આ મુદ્દે ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં અંદાજે એક રૂપિયાનો વધારો કરાયો છે. રાયે સવાલ ઉઠાવ્યો કે, જે ભાજપના નેતાઓ અને મંત્રીઓ થોડા દિવસ પહેલાં એક દિવસનો ડ્રામા કરવા માટે ઓટો-રિક્ષામાં ફરતા હતા, તેઓ અત્યારે પણ ઓટો-રિક્ષામાં મુસાફરી કરે છે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો: મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી, 'વિશ્વ બાંગ્લા' લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ

ભાજપ નેતાઓએ વૈશ્વિક કટોકટી ગણાવી બચાવ કર્યો

વિપક્ષના ચોતરફા હુમલાઓ વચ્ચે ભાજપના નેતાઓએ સરકારનો બચાવ કર્યો છે. નેતા દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર વિશ્વમાં ઓઇલ કટોકટી ચાલી રહી છે. દુનિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતો આસમાન આંબી રહી છે અને તેના લીધે જ ભાવ વધારવા પડ્યા છે. પીએમ મોદીએ ભારતીય જનતાને આ સંકટની સીધી અસરથી બચાવવાના પૂરા પ્રયાસો કર્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણી ભારતીય ઓઇલ કંપનીઓ અત્યારે ભારે નુકસાન વેઠી રહી હોવાથી મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો છે.

ત્યાં જ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આ વિવાદ પર એક અનોખો તર્ક આપતા ઝારખંડની સ્થિતિનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાન કટોકટી શરૂ થયા પછી ઝારખંડમાં 100 રૂપિયાવાળી દારૂની બોટલ સીધી 200 રૂપિયાની થઈ ગઈ છે, છતાં ત્યાં કોઈ આંદોલન નથી થઈ રહ્યું; તો પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર બે-ચાર રૂપિયા વધવા પર દેશમાં આટલો હોબાળો કેમ મચાવવામાં આવી રહ્યો છે?