Get The App

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી, 'વિશ્વ બાંગ્લા' લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી, 'વિશ્વ બાંગ્લા' લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ 1 - image

West Bengal Sees Major Symbolic Shift: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયા બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી ભાજપ સરકારે રાજ્યની વહીવટી અને રાજકીય ઓળખ બદલવાની પ્રક્રિયા અત્યંત ઝડપી બનાવી દીધી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનરજી શાસનની ઓળખ ગણાતા 'બિસ્વ બાંગ્લા' (વિશ્વ બાંગ્લા) લોગોને હવે તમામ સત્તાવાર પ્લેટફોર્મ અને જાહેર માળખા પરથી તબક્કાવાર દૂર કરવામાં આવી રહ્યો છે. તેના સ્થાને હવે ભારતના રાષ્ટ્રીય પ્રતીક 'અશોક સ્તંભ'ને રાજ્યની મુખ્ય સરકારી ઓળખ તરીકે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

સોલ્ટ લેક સ્ટેડિયમ અને સરકારી પોર્ટલ પર દેખાઈ અસર

અહેવાલો અનુસાર, આ મોટા રિબ્રાન્ડિંગની સૌથી પહેલી અને મોટી અસર કોલકાતાના પ્રતિષ્ઠિત સોલ્ટ લેક સ્ટેડિયમમાં જોવા મળી હતી, જ્યાંથી 'બિસ્વ બાંગ્લા'નું ચિહ્ન હટાવીને રાષ્ટ્રીય પ્રતીક મૂકી દેવાયું છે. રાજ્ય સરકારના સત્તાવાર મુખ્ય વેબ પોર્ટલ 'એગીયે બાંગ્લા'નો લુક હવે સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યો છે. અગાઉ આ પોર્ટલ પર મમતા સરકારની ઓળખ ગણાતી સફેદ અને વાદળી કલરની થીમ હતી, જેને હવે કેસરી રંગથી બદલી દેવામાં આવી છે. હવે પોર્ટલ પર વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો ફોટો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવાસન, ઉદ્યોગ અને કૃષિ જેવા તમામ સરકારી વિભાગોના ડિજિટલ ચિહ્નોને પણ કેસરી ગ્રાફિક્સ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો

શું છે 'બિસ્વ બાંગ્લા' લોગોનો વિવાદ?

આ બ્રાન્ડ અને લોગો 16 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન મમતા બેનરજી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. તેને બંગાળની સાંસ્કૃતિક ઓળખ, હસ્તકલા અને પર્યટનના પ્રતીક તરીકે રજૂ કરાયા હતા. બંગાળી અક્ષર "B" (બ) ની આસપાસ ડિઝાઇન કરાયેલો આ લોગો છેલ્લા 13 વર્ષથી રાજ્યના દરેક સરકારી પ્રોજેક્ટ, વેબસાઇટ અને ઇમારતો પર ફરજિયાત દર્શાવવામાં આવતો હતો.

અગાઉ ભાજપના નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો હતો કે આ લોગો વ્યક્તિગત માલિકીનો છે. જોકે તે સમયે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટતા કરી હતી કે આ લોગો તેમણે પોતે ડિઝાઇન કર્યો છે અને રાજ્ય સરકારને કોઈપણ રોયલ્ટી લીધા વિના વાપરવા આપ્યો છે.

વ્યક્તિગત લોગો સરકારી પ્રતીક ન હોઈ શકે

સરકારના આ નિર્ણયનો બચાવ કરતા ભાજપના વરિષ્ઠ નેતાઓએ દલીલ કરી છે કે કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા ડિઝાઇન કરાયેલો લોગો ક્યારેય પણ લોકશાહીમાં રાજ્ય સરકારની પ્રાથમિક ઓળખ ન હોવો જોઈએ. સત્તાવાર સરકારી કાર્યો અને દસ્તાવેજો માટે બંધારણીય રીતે સ્વીકૃત 'અશોક સ્તંભ' જ સૌથી સર્વોચ્ચ અને યોગ્ય પ્રતીક છે.

નવી સરકારના શપથ ગ્રહણ બાદથી જ સરકારી પ્રણાલીઓ, બસો અને કચેરીઓમાંથી આ લોગો ગાયબ થવા લાગ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ ફેરફાર માત્ર પ્રતીકાત્મક નથી પરંતુ પશ્ચિમ બંગાળના વહીવટી તંત્રમાં એક મોટા વૈચારિક અને રાજકીય પરિવર્તનનો સંકેત આપે છે.