Get The App

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો 1 - image

Pawan Khera Supreme Court Hearing : આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની રિંકી ભુઈયા સરમા પર એકથી વધુ પાસપૉર્ટનો આક્ષેપ કર્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડા ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. આ મામલે કેસ દાખલ થયા બાદ ખેડાએ આગોતરા જામીન માટે ગુવાહાટી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જોકે કોર્ટે અરજી ફગાવી દીધી છે અને હવે પવન ખેડાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને જસ્ટિસ અતુલ ચંદૂરકરની બેંચ સમક્ષ દલીલ કરતી વખતે પવન ખેડાના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી અને ફરિયાદી પક્ષના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ધારદાર દલીલો રજૂ કરી છે. તુષાર મહેતાએ પવન ખેડા પર ફરાર થઈ જવાનો આક્ષેપ કર્યો છે, તો સિંઘવીએ ખેડાના ઘરે આતંકીઓને શોધી રહ્યા હોય તેવી રીતે 70 પોલીસવાળાને મોકલાયા હોવાનો દાવો કરાયો છે.

સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષોની સામ-સામે ધારદાર દલીલ

સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી છે કે, ‘પવનખેડા દેશની બહાર ન જઈ શકે, કારણ કે પાસપૉર્ટ સરળતાથી મળતો નથી. આતંકવાદીને શોધી રહ્યા હોય તેવી રીતે પવન ખેડાના ઘરે 50થી 70 પોલીસવાળા મોકલવામાં આવ્યા.’ બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મનુ સિંઘવીની દલીલો પર જોરદાર વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, પવન ખેડા ફરાર થઈ ગયા છે. 

‘આરોપોના આધારે ધરપકડ કરવી યોગ્ય નથી’

સુપ્રીમ કોર્ટમાં મનુ સિંઘવીએ પવન ખેડાની ધરપકડ કરાવવાની જરૂરીયાત પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આક્ષેપોનું સત્ય અને જૂઠ કેસનો વિષય છે, પરંતુ માત્ર આરોપોના આધારે ધરપકડ કરવી તે યોગ્ય કાર્યવાહી નથી. જો આક્ષેપો માની લેવાય તો પણ ધરપકડની જરૂર લાગતી નથી. પૂછપરછ, સહયોગ અને નોટિસ દ્વારા પણ તપાસ પૂરી થઈ શકે છે. ગુવાહાટી હાઇકોર્ટે આદેશ આપ્યા બાદ, આતંકવાદીઓને શોધવા ગઈ હોય તેવી રીતે પવન ખેડાના નિજામુદ્દીન નિવાસસ્થાન પર 50થી 70 પોલીસવાળા મોકલી દેવાયા હતા. આ બાબત બિનજરૂરી કડક કાર્યવાહી દેખાડે છે. અન્ય રીતે પણ તપાસ કરી શકાય છે, તો પછી કોઈ વ્યક્તિને કસ્ટડીમાં લઈને અપમાનીત કરવાની કેમ જરૂર પડી?

આ પણ વાંચો : ‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર

પવન ખેડા પ્રભાવશાળી, ફરાર થઈ શકે છે : ફરિયાદી પક્ષ

બીજીતરફ ફરિયાદી પક્ષે દલીલ કરી કે, ‘પવન ખેડા પ્રભાવશાળી આરોપી છે અને તેઓ ફરાર થઈ શકે છે, તેથી તેમના વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જરૂરી છે. તેઓ પુરાવા અને સાક્ષીઓની પણ મુશ્કેલી વધારી શકે છે.’ તો સિંઘવીએ કહ્યું કે, ‘આજના સમયમાં ફરાર થવાનું જોખમ ઓછું છે, કારણ કે દેખરેખ વ્યવસ્થા મજબૂત હોવાથી પાસપૉર્ટ જેવા ડૉક્યુમેન્ટ સરળતાથી મળતા નથી.’ સિંઘવીએ કોર્ટમાં આસામના મુખ્યમંત્રીના નિવેદનો પણ ટાંક્યા છે. તેમણે કહ્યું કે, કલમ-21 મુજબ કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરિ છે, તેથી સ્વાભાવિક રીતે કે ફરજિયાત પ્રક્રિયા હેઠળ ધરપકડ ન થવી જોઈએ.’

‘પવન ખેડા તપાસમાં સહયોગ આપી રહ્યા નથી’

SG તુષાર મહેતાએ બેંચને કહ્યું કે, ‘પવન ખેડા હાલ ફરાર છે. તેઓ વીડિયો જાહેર કરીને પોતાને સુરક્ષિત રાખ્યા હોવાનું દેખાડી રહ્યા છે, જોકે આવું કરીને તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યા નથી. આ માત્ર માનહાનિનો કેસ નથી, તે ગંભીર બાબત છે.’ તેમણે આ મામલામાં વિદેશી હસ્તક્ષેપની આશંકા વ્યક્ત કરી છે અને કહ્યું કે, આ કેસમાં યોગ્ય રીતે તપાસ કરવી જરૂરી છે.’

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પવન ખેડાને આગોતરા જામીન આપવાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.

આ પણ વાંચો : બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય