Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ (SIR) એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઇ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે.
રાહુલ ગાંધીએ ખાદીનું મહત્ત્વ સમજાવ્યું
રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પોતાના ભાષણની શરુઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે માત્ર કપડું નથી, પરંતુ તે ભારતના સામાન્ય લોકોની અભિવ્યક્તિ, આત્મનિર્ભરતા અને સન્માનનું પ્રતીક છે. ખાદી એ ભારતની આત્મા છે. દરેક ક્ષેત્રની ઓળખ અલગ-અલગ કપડાંથી થાય છે.‘
અસમિયા ગમછાથી લઈને કાંચીપુરમની સાડી સુધીની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે ‘આપણો દેશ પણ એક ફેબ્રિક (કાપડ) જેવો જ છે. દેશની ઝલક તેના પહેરવેશમાં છે અને દેશના બધા દોરા એકસમાન છે, જે 150 કરોડ હિંદુસ્તાનીઓથી બનેલો છે.’
રાહુલે તમામ સંસ્થાઓ પર RSSનો કબજો હોવાનું કહેતા હોબાળો
રાહુલ ગાંધીએ મતદાર યાદી સુધારણા પર વાત કરતી વખતે RSS પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘RSS તમામ સંસ્થાઓ પર કબજો કરવા માંગે છે. દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ RSSના છે.’ આ વાત સાંભળતાં જ સત્તાધારી પક્ષના સભ્યોએ હંગામો શરુ કરી દીધો હતો. ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસ નેતાને માત્ર SIR પર જ બોલવાની અને કોઈ સંગઠનનું નામ ન લેવાની ટકોર કરી હતી.
RSSએ CBI, ED, ECI પર કબજો કર્યો : રાહુલ ગાંધી
સત્તા પક્ષે હોબાળો મચાવ્યા બાદ રાહુલે કહ્યું કે, ‘મેં કોઈ ખોટું કહ્યું નથી. RSSએ શૈક્ષણિક સંસ્થાઓ પર કબજો કર્યો છે. સંગઠન સાથે જોડાયેલા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. એક સંસ્થા સાથે જોડાયેલા લોકોએ CBI, ED પર કબ્જો કર્યો છે. દેશની ચૂંટણીને નિયંત્રણમાં રાખતી સંસ્થા ચૂંટણી પંચ પર પણ એક સંસ્થાએ કબજો કરેલો છે, મારી પાસે તેના પુરાવા છે.’
‘ભાજપ ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે. સીજેઆઇને સીઇસીની નિમણૂક પ્રક્રિયામાંથી હટાવાયા, જ્યારે તેમને હટાવાયા ત્યારે એકતરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ બેઠા હતા, જ્યારે બીજી તરફ હું બેઠો હતો. અત્યાર સુધીમાં કોઈપણ વડાપ્રધાને આવું કર્યું નથી. લોકસભા ચૂંટણી-2024 પહેલા ડિસેમ્બર-2023માં નિયમ બદલીને ચૂંટણી પંચને દંડ ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં CCTV અને ડેટાના નિયમો પણ બદલી નાખવામાં આવ્યા છે. સત્તા અને ચૂંટણી પંચ વચ્ચે તાલમેલ છે.’
રાહુલે હરિયાણા-મહારાષ્ટ્રમાં વોટ ચોરીનો પણ મુદ્દો ઉઠાવ્યો
તેમણે એવું પણ કહ્યું કે, ‘હરિયાણાની મતદાર યાદીમાં એક બ્રાઝિલિયન મહિલાની તસવીર 22 વખત છપાયેલી છે. અમે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી થઈ હોવાનું સાબિત કર્યું. બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરાયા બાદ મતદાર યાદીમાંથી 1.22 લાખ ડુપ્લિકેટ ફોટો છપાયા છે.’ આ દરમિયાન અધ્યક્ષે તુરંત રાહુલ ગાંધીને ટકોર કરીને કહ્યું કે, ‘તમે વિપક્ષના નેતા છો, ગરિમા જાળવીને બોલો તો ઠીક છે, નહીં તો આવી રીતે સદન ન ચલાવી શકાય. તમે તમારા સભ્યોને ગરિમા શીખવાડો. વિરોધ કરવાની પણ રીત હોય છે, પણ તમે જે રીતે બોલો છે, તે શું યોગ્ય છે.’


